રૉકી માઉન્ટન નૅશનલ પાર્ક : યુ.એસ.ના ઉત્તર-મધ્ય કૉલોરાડોમાં આવેલો રાષ્ટ્રીય ઉદ્યાન. સ્થાપના : 1915. તેનો એક ભાગ રૉકી પર્વતોની ફ્રન્ટ હારમાળાથી બંધિયાર છે.
તેનો વિસ્તાર 1,06,109 હેક્ટર જેટલો છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન 3,000 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતાં શિખરો પણ ધરાવે છે. વળી તેમાં 4,277 મીટર ઊંચાઈવાળાં લૉન્ગ્સ પીક, પહોળી ખીણો, કોતરો, આલ્પાઇન સરોવરો તેમજ અમુક ઊંચાઈએથી નીચે ખાબકતી સુંદર દૃશ્યો ધરાવતી નદીઓનો પણ સમાવેશ થાય છે. અહીં 10,000 વર્ષ અગાઉ પ્રવર્તેલા હિમકાળ વખતે જામેલા નિક્ષેપો પણ છે. તે મેદાન સ્વરૂપે તથા અસમતળ હિમઅશ્માવલિઓના રૂપમાં પથરાયેલા છે. અહીં વિવિધ જાતની વનસ્પતિ પણ જોવા મળે છે; તેમાં નહિ નહિ તો 700થી વધુ વનસ્પતિ-જાતિઓ છે. આર્ક્ટિક વનસ્પતિ ધરાવતો એક ‘ટુન્ડ્ર વિભાગીય ટાપુ’ પણ અહીં આવેલો છે. તેની ચારેય બાજુએ, નીચા અક્ષાંશોમાં હોય એવી વનસ્પતિ પણ મળે છે. અહીંનાં પ્રાણીઓમાં મોટાં શિંગડાંવાળાં ઘેટાં, હરણ, પહાડી સિંહ અને પક્ષીઓની જુદી જુદી જાતો નજરે પડે છે.
ગિરીશભાઈ પંડ્યા