રૉકિઝ માઉન્ટન ટ્રેન્ચ : રૉકિઝ પર્વતોમાં આવેલો ગર્ત. આ ગર્ત યુ.એસ.ના પશ્ચિમ મૉન્ટાનાથી કૅનેડાના બ્રિટિશ કોલંબિયાની આરપાર પસાર થાય છે અને ફ્લૅટહેડ સરોવરની દક્ષિણે થઈને યુકોન નદીના ઉપરવાસના ઉદભવસ્થાન સુધી ઉત્તર-વાયવ્ય દિશામાં વિસ્તરે છે. આ ગર્ત રૉકિઝ પર્વતમાળાના પશ્ચિમ ઢોળાવને સમાંતર ચાલી જાય છે અને તે જૂની પશ્ચિમ હારમાળાના ઉગ્ર પશ્ચિમ ઢોળાવોને અલગ પાડે છે. ગર્તનો તળભાગ ખૂબ જ વિષમ છે. તેની પહોળાઈ 3થી 16 કિમી. છે અને તે સમુદ્રસપાટીથી 600થી 900 મીટર ઊંચાઈ પર આવેલો છે. અહીંથી એક સફરમાર્ગ પણ પસાર થાય છે. ગર્તના કેટલાક ભાગમાં થઈને નદીઓ પણ વહે છે. તે પૈકી કૂટીનાય, ફ્રેસર, પીસ, કોલંબિયા અને લિયાર્ડ નદીઓના ઉપરવાસના ભાગો અહીં આવેલા છે.
ગિરીશભાઈ પંડ્યા