રૉકિઝ પર્વતમાળા : ઉત્તર અમેરિકા ખંડમાં આવેલું વિશાળ પર્વત-સંકુલ. આ સંકુલની પર્વતમાળાઓ ઉત્તર અમેરિકાના પશ્ચિમ ભાગમાં, યુનાઇટેડ સ્ટેટ્સ અને કૅનેડાની આરપાર 4,800 કિમી.થી વધુ લંબાઈમાં વિસ્તરેલી છે. તેની પહોળાઈ કેટલાંક સ્થાનોમાં આશરે 560 કિમી. જેટલી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં આ પર્વતો ન્યૂ મેક્સિકો, કૉલોરાડો, યૂટાહ, વાયોમિંગ, ઇડાહો, મૉન્ટાના, વૉશિંગ્ટન અને અલાસ્કામાં કૅનેડાના આલ્બર્ટા અને બ્રિટિશ કોલંબિયામાં, તેમજ નૉર્થ વેસ્ટ ટેરિટરી અને યુકોનના પ્રદેશમાં પથરાયેલા છે.
રૉકિઝ પર્વતોના પ્રદેશોમાં જનારા મુલાકાતીઓ કે પ્રવાસીઓ ત્યાંનાં હિમાચ્છાદિત શિખરો, રમણીય સરોવરો તથા અન્ય ભવ્ય કુદરતી દૃશ્યો જોઈને મુગ્ધ બની રહે છે. આ પર્વતોમાં યુ.એસ. અને કૅનેડાના ઘણા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. આ ઉપરાંત આ વિસ્તાર તેનાં સ્કી-વિહારધામો અને વન્ય રમતો માટે પણ જાણીતો બનેલો છે.
આ પર્વતમાળા ઉત્તર અમેરિકી ખંડ માટે જળવિભાજક બની રહેલી છે. તેને કારણે ઉત્તર અમેરિકા ખંડનો જળપરિવાહ જુદી જુદી દિશાઓમાં વહેંચાઈ ગયો છે. યુ.એસ.ના રૉકિઝ વિસ્તારમાંથી પશ્ચિમ તરફ વહેતી નદીઓ પૅસિફિક મહાસાગરમાં અને પૂર્વ તરફ વહેતી નદીઓ ઍટલૅંટિક મહાસાગરમાં ઠલવાય છે. કૅનેડિયન રૉકિઝમાંથી ઉત્તર તરફ વહેતી નદીઓ આર્ક્ટિક મહાસાગરને મળે છે. નૈર્ઋત્ય તરફ વહેતી નદીઓ પૅસિફિકને મળે છે. ઉત્તર અમેરિકા ખંડની આર્કાન્સાસ, કૉલોરાડો, કોલંબિયા, મિસોરી અને રિયો ગ્રાન્ડે જેવી સંખ્યાબંધ નદીઓનાં મૂળ રૉકિઝ પર્વતોમાં રહેલાં છે.
રૉકિઝ પર્વત-સંકુલ નીચે પ્રમાણેના છ વિભાગોમાં વહેંચાયેલું છે : (1) દક્ષિણ રૉકિઝ પર્વતમાળા : રૉકિઝ પર્વતમાળાનો દક્ષિણ વિભાગ ન્યૂ મેક્સિકોની સાંગ્રે દ ક્રિસ્ટો હારમાળાથી વિસ્તરીને મધ્ય વાયોમિંગ સુધી જાય છે. ન્યૂ મેક્સિકોમાં આવેલું 4,011 મીટર ઊંચાઈ ધરાવતું વ્હીલર પીક આ વિભાગનું સર્વોચ્ચ શિખર છે, જ્યારે માઉન્ટ ઍલ્બર્ટ કૉલોરાડોનું ઊંચામાં ઊંચું શિખર છે. તેની ઊંચાઈ 4,399 મીટર છે.
(2) મધ્ય રૉકિઝ હારમાળા : આ વિભાગમાં ગ્રાન્ડ ટેટોન્સનો પણ સમાવેશ થઈ જાય છે. આ પર્વતમાળા વાયવ્ય કૉલોરાડોથી તથા ઉત્તર યૂટાહથી શરૂ થઈને મૉન્ટાનાની ઉત્તર યલોસ્ટોન નદી સુધી વિસ્તરેલી છે. દુનિયાભરમાં ગરમ પાણીના ફુવારા માટે જાણીતો બનેલો યલોસ્ટોન નૅશનલ પાર્ક આ વિભાગમાં આવેલો છે. આ હારમાળાનાં ઊંચાં શિખરોમાં યૂટાહનું કિંગ્ઝ પીક (4,123 મીટર), વાયોમિંગનું ગૅન્નેટ પીક (4,207 મીટર) અને મૉન્ટાનાનું ગ્રૅનાઇટ પીક (3,901 મીટર) મુખ્ય છે.
(3) ઉત્તર રૉકિઝ હારમાળા : રૉકિઝ પર્વત-સંકુલનો આ વિભાગ ઇડાહોથી શરૂ થઈને યુ.એસ. અને કૅનેડાની સરહદે પૂરો થાય છે.
અહીંનું સર્વોચ્ચ શિખર બોરાહ પીક છે; જેની ઊંચાઈ 3,859 મીટર છે. ગ્લૅસિયર નૅશનલ પાર્ક આ વિભાગમાં આવેલો છે.
(4) કૅનેડિયન રૉકિઝ હારમાળા : આ વિભાગ યુ.એસ. અને કૅનેડાની સરહદેથી શરૂ થઈને ઉત્તર તરફ બ્રિટિશ કોલંબિયા અને આલ્બર્ટાને વીંધીને પસાર થાય છે. રૉકિઝ પર્વતમાળાનાં કેટલાંક અતિસુંદર કુદરતી દૃશ્યો આલ્બર્ટામાં આવેલાં છે. બૅન્ફ નૅશનલ પાર્ક અને જાસ્પર નૅશનલ પાર્ક આ વિભાગમાં આવેલા છે.
(5) સેલવિન અને મેકેન્ઝી પર્વતો : આ પર્વતો ઉત્તર કૅનેડામાં લિયાર્ડ નદીની પેલે પાર આવેલા છે. મેકેન્ઝી હારમાળા સેલવિન પર્વતોની પૂર્વ તરફ આવેલી છે.
(6) બ્રુક્સ હારમાળા : આ વિભાગ ઉત્તર અલાસ્કાની આરપાર ચાલી જાય છે. તેનો કેટલોક ભાગ ઉત્તર ધ્રુવવૃત્તની પેલી પાર વધુ ઉત્તર તરફ પણ વિસ્તરેલો છે.
વનસ્પતિજીવન–પ્રાણીજીવન : રૉકિઝ પર્વતોના નીચલા ઢોળાવો પર પિનૉન પાઇન્સ અને જુનિપર્સનાં જંગલો જોવા મળે છે. જેમ જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ તેમ તે વિપુલ સંખ્યામાં ફર, પાઇન અને સ્પ્રૂસનાં વૃક્ષોમાં ફેરવાતાં જાય છે. વધુ ઊંચાઈએ જ્યાં વૃક્ષો ઊગી શકતાં નથી ત્યાં કાષ્ઠરેખા(timber line)ની ઉપર તરફ બકરાં અને મોટાં શિંગડાંવાળાં ઘેટાં વસે છે. ઊંચાઈ પરનાં જંગલોમાં રીંછ, હરણ, સસલાં, એલ્ક, મિંક, પહાડી સિંહ, શાહુડીઓ, ખિસકોલીઓ જેવાં પ્રાણીઓ રહે છે. પર્વતોની વચ્ચેના ઘાસના ખીણભાગોમાં ચિપમંક્સ, કાઇયોટ, મૂજ અને કસ્તૂરી ઉંદર રહે છે. પર્વતોના નદીભાગોમાં રેનબો ટ્રાઉટ, કટથ્રોટ ટ્રાઉટ અને ગ્રેલિંગ માછલીઓ જોવા મળે છે.
ખેતી અને ઉદ્યોગ : રૉકિઝ વિસ્તારની મુખ્ય પ્રવૃત્તિ પશુપાલન અને ખેતી છે. ઉનાળા દરમિયાન ઢોર અને ઘેટાંને પર્વતીય ગોચરોમાં તથા શિયાળા દરમિયાન હૂંફાળી ખીણોમાં લઈ જવાય છે. કૉલોરાડો, ઇડાહો, મૉન્ટાના અને યૂટાહમાંના પહાડી ભાગોમાં અનાજ, બટાટા, શુગરબીટ તેમજ શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. અહીંની મુખ્ય ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં ખાણકાર્ય અને લાકડાં મેળવવાનું કામ થાય છે. કૉલોરાડોના સાન જુઆન અને લેડવિલેમાંથી સોના, સીસા, મૉલિબ્ડિનમ, ચાંદી, ટંગસ્ટન અને જસતનાં ખનિજોનું; વાયોમિંગના થાળામાંથી ખનિજ તેલ અને કુદરતી વાયુનું; કોલસો, ઑઇલ શેલ અને યુરેનિયમનાં ખનિજોનું; સૉલ્ટ લેક સિટીના પૂર્વ ભાગમાંથી સોના, સીસા અને ચાંદીનાં ખનિજોનું ખનનકાર્ય થાય છે. ઉત્તર રૉકિઝ અને કૅનેડિયન રૉકિઝમાંથી કોલસો, સીસા-ચાંદી-જસતનાં ખનિજોનું ખોદકામ થાય છે. આ ઉપરાંત લાકડાં પણ મેળવાય છે.
રૉકિઝ પર્વતમાળાના વિસ્તારમાં આવેલાં રાજ્યોનું અર્થતંત્ર મહદ્ અંશે તો પ્રવાસન પર આધારિત છે. અહીંના રાષ્ટ્રીય ઉદ્યાનો, સ્કી-વિહારધામો તથા અન્ય આકર્ષણનાં મથકો પર દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને ખૂબ આનંદ માણે છે.
ઇતિહાસ : રૉકિઝ પર્વતમાળા લાખો વર્ષો અગાઉ પોપડાની મોટા પાયા પરની સંચલનક્રિયાથી ઉત્પન્ન થયેલી છે. ગિરિનિર્માણક્રિયાથી ઊંચકાઈ આવેલા એ પર્વતોના ખડકસ્તરો સમુદ્ર-મહાસાગર તળ પર જમાવટ પામેલા તેની પ્રતીતિ તેમાં રહેલા સમુદ્રી જીવાવશેષો પરથી થાય છે. આ ઉપરાંત અહીં આગ્નેય પ્રક્રિયાઓ અને જ્વાળામુખી પ્રક્રિયાઓ પણ થયેલી છે. એ પ્રકારના ઉચ્ચપ્રદેશો પણ અહીં જોવા
મળે છે. ભૂસ્તરીય કાળગાળાના વીતવા સાથે અહીંની જુદી જુદી ખડકરચનાઓ પાણી-વરસાદ, પવન અને હિમનદીઓ જેવાં પરિબળોની અસરો થવાથી ઘસારો પામેલી જોવા મળે છે.
યુરોપિયનો જ્યારે અહીં પહેલવહેલા આવેલા ત્યારે ઘણી ઇન્ડિયન જાતિઓ આ રૉકિઝ પ્રદેશોમાં વસતી હતી. તેમાં નવાજો, શોશોન અને ઊટે જાતિઓનો સમાવેશ થાય છે. અહીં સર્વપ્રથમ પહોંચનાર યુરોપિયનો સ્પેનના હતા. તેમણે આજે જ્યાં સાન્ટા ફે, ન્યૂ મેક્સિકો આવેલાં છે ત્યાં વસાહતો સ્થાપેલી.
અમેરિકી અભિયાનકારો મેરીવેધર લુઇસ (Lewis) અને વિલિયમ ક્લાર્કે 1805 અને 1806માં ઉત્તર રૉકિઝ પર્વતમાળાને ઓળંગેલી. બીજા એક અમેરિકન અભિયંતા ઝેબુલોન એમ. પાઇકે આ જ ગાળા દરમિયાન દક્ષિણ રૉકિઝમાં મુસાફરી કરેલી. મધ્ય કૉલોરાડોના ‘પાઇક્સ પીક’નું નામ તેના પરથી અપાયેલું છે.
ઓગણીસમી સદીની શરૂઆતમાં રૉકિઝ વિસ્તાર અમેરિકન રુવાંટી વેપારનું કેન્દ્ર બની રહેલો. ઓગણીસમી સદીમાં પૂર્વથી પશ્ચિમ કિનારા સુધીની અવરજવર કરવામાં આ રૉકિઝ પર્વતો અવરોધરૂપ બની રહેલા; તેમ છતાં અગ્રયાયીઓ અને અભિયંતાઓએ લાંબામાં લાંબો ભૂમિમાર્ગ આ રૉકિઝની આરપાર વિકસાવ્યો છે. 1868માં વાયોમિંગ થાળામાં સર્વપ્રથમ રેલમાર્ગ બંધાયો. આજે 80 નંબરનો આંતરરાજ્ય ધોરી માર્ગ આ થાળામાં થઈને પસાર થાય છે. ડેનવરની પશ્ચિમે આવેલું આઇઝનહોવર સ્મારક બોગદું દુનિયાના સૌથી ઊંચાઈ પરના મોટરમાર્ગો પૈકીનું એક ગણાય છે. તે આશરે 3,400 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ ઉપરાંત, યુ.એસ.માં ડેનવરની પશ્ચિમે લાંબામાં લાંબું રેલમાર્ગ-બોગદું ‘મોફાટ બોગદું’ જેમ્સ પીકને વીંધીને પસાર થાય છે.
ગિરીશભાઈ પંડ્યા