રૉકફેલર (જૂનિયર), જૉન ડેવિસન (જ. 29 જાન્યુઆરી 1874, ક્લીવલૅન્ડ, ઓહાયો, યુ.એસ.; અ. 11 મે 1960, ટક્સન, ઍરિઝોના) : અમેરિકાના અગ્રણી ઉદ્યોગપતિ, લોકહિતૈષી અને દાનવીર. અમેરિકાના ખ્યાતનામ ઉદ્યોગપતિ અને દાનવીર પિતા જૉન ડેવિસન (સીનિયર) અને માતા લૉરા સ્પેલમૅનના એકના એક પુત્ર. 1897માં બ્રાઉન યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી પિતાના ઔદ્યોગિક સામ્રાજ્યમાં જોડાયા. ટૂંક સમયમાં જ તેમણે તેલ અને કોલસાના ઉદ્યોગમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું. પિતાના અવસાન બાદ વ્યાપાર-ઉદ્યોગની ધુરા તેમના હાથમાં આવી; પરંતુ તેમનું લક્ષ્ય તો જનહિત અને નાગરિકસેવા હતું. તેથી તેમણે તેમનું સમગ્ર જીવન માનવકલ્યાણ, સર્વધર્મસમભાવ અને આંતરરાષ્ટ્રીય સંબંધોની ઉન્નતિ માટે સમર્પિત કર્યું હતું.
1901માં તેમણે પિતાની સાથે રૉકફેલર તબીબી સંશોધન કેન્દ્ર(Rockfeller Institute for Medical Research)ની સ્થાપના કરી હતી. 1954માં આ સંસ્થા ન્યૂયૉર્ક યુનિવર્સિટીના ભાગ તરીકે, 1958માં રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટ તરીકે અને 1965માં તે રૉકફેલર યુનિવર્સિટી તરીકે પ્રસિદ્ધ થઈ હતી. આ સંસ્થામાં પ્રાણી અને વનસ્પતિ રોગવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, શિક્ષણ, દર્શનશાસ્ત્ર, ઔષધીય સંશોધન અને જાહેર સ્વાસ્થ્યના વિષયોને અગત્ય આપવામાં આવે છે.
1913માં તેમના પિતાએ સ્થાપેલ રૉકફેલર પ્રતિષ્ઠાનની પ્રવૃત્તિઓને વેગ આપવામાં રૉકફેલર તથા ફ્રેડરિક ટી. ગેઇટ્સનો ફાળો અગ્રતમ ગણી શકાય. ગેઇટ્સે ઔષધીય સંશોધન, શિક્ષણ અને જાહેર સ્વાસ્થ્યનાં કાર્યોને પ્રોત્સાહન આપ્યું હતું. પ્રારંભમાં સંશોધનકાર્ય અંકુશકૃમિ, પીળો જ્વર અને મલેરિયા પૂરતું સીમિત હતું. 1929માં લૉરા સ્પેલમૅન રૉકફેલર મેમૉરિયલનું પ્રતિષ્ઠાનમાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું. 1943માં કૃષિવિજ્ઞાન, 1965માં કલા, 1969માં પર્યાવરણ, 1976માં આંતરરાષ્ટ્રીય સંબંધો અને નાણાકીય સહાય આવરી લેવાયાં હતાં. રૉકફેલર પ્રતિષ્ઠાનનું અનુદાન સામાન્ય રીતે યુનિવર્સિટીઓ અને સંશોધન-કેન્દ્રોને સંશોધન-પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવા પૂરતું જ સીમિત હોય છે. તે વિકાસ પામતા દેશોમાં ઉચ્ચતર શિક્ષણને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે ઉપરાંત આ પ્રતિષ્ઠાન વિવિધ દેશોમાં કૃષિવિષયક, આરોગ્ય અને સમાજવિજ્ઞાનની પ્રગતિ માટે ખાસ કાર્યક્રમો યોજે છે અને નિષ્ણાતોની સેવા ઉપલબ્ધ કરાવી આપે છે. 1913 અને 1978 વચ્ચે તેણે આશરે 150 કરોડ ડૉલરનાં અનુદાન કર્યાં હતાં. એકલા 1978ના વર્ષમાં જ તેણે કૃષિવિજ્ઞાન, સમાન તકની સુલભતા, આંતરરાષ્ટ્રીય સંબંધો, જનસંખ્યા, આરોગ્ય, કલા, માનવતા, સમકાલીન મૂલ્યો વગેરે પ્રવૃત્તિઓ માટે 2.7 કરોડ ડૉલરનાં દાન કર્યાં હતાં.
1923માં સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય શિક્ષણ બૉર્ડનું કાર્ય પ્રાકૃતિક વિજ્ઞાન, માનવશાસ્ત્ર અને ખેતીવાડીના વિકાસને પ્રોત્સાહન આપવાનું હતું. પાછળથી તેમાં અશ્વેત પ્રજાના શિક્ષણનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બૉર્ડની મૂડી અને આવક વપરાઈ જતાં 1937માં તેની પ્રવૃત્તિ સમાપ્ત કરવામાં આવી હતી. તેમણે કોલમ્બિયા યુનિવર્સિટી પાસેથી મેળવેલ જમીન પર ન્યૂયૉર્ક શહેરની મધ્યમાં નિર્માણ કરેલું રૉકફેલર સેન્ટર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યું છે. ન્યૂયૉર્કના મૅનહટનના પાંચમા અને છઠ્ઠા રસ્તા પર બંધાયેલ 21 મકાનોનું વિશાળ ગગનચુંબી ઇમારતોનું આ સંકુલ તેના સ્થાપત્યને કારણે બેનમૂન ગણાય છે. તેમાં 1931 અને 1939 વચ્ચે રચાયેલ 14 મકાનોનું સંકુલ મુખ્ય છે. તેનું હાર્દ રેડિયો કૉર્પોરેશન ઑવ્ અમેરિકાનું 70 મજલાનું મકાન છે, જેની આગવી પ્રતિભા છે. રૉકફેલર સેન્ટરમાં કાર્યાલયો ઉપરાંત દુકાનોના સંકુલ (શૉપિંગ સેન્ટર્સ), ભોજનાલયો, ન્યૂયૉર્કનું સૌથી મોટું સિનેમાગૃહ, સંગીતસભાગૃહ, નાટ્યગૃહ, પ્રદર્શન-કેન્દ્ર અને પ્રસારણ-સ્ટુડિયો આવેલાં છે. તેને ભિત્તિચિત્રો, પ્રતિમાઓ અને શિલ્પકૃતિઓથી સજાવવામાં આવેલ છે. તેના મધ્યભાગમાં નયનરમ્ય ફુવારો અને સ્કેટિંગ રિંક આવેલાં છે. ભૂગર્ભ રસ્તાઓની હારમાળાથી ગૂંથાયેલ આ કેન્દ્રને એક લઘુનગરની ઉપમા આપી શકાય.
1946માં રૉકફેલરે સંયુક્ત રાષ્ટ્રોના કાયમી કેન્દ્રનું નિર્માણ કરવા માટે ન્યૂયૉર્કના અગ્ર વિસ્તારમાં જમીન ખરીદવા માટે 85 કરોડ ડૉલરની સખાવત કરી હતી. સંસ્થાનવાદના સમયમાં સ્થપાયેલ વર્જિનિયાની ઐતિહાસિક રાજધાની વિલિયમ્સબર્ગના પુનરુદ્ધાર માટે તેમણે આશરે 6 કરોડ ડૉલરનો ખર્ચ કર્યો હતો. ન્યૂયૉર્કના મૅનહટનની પશ્ચિમ દિશામાં લિંકન સેંટર તરીકે ખ્યાતિ પામેલા સાંસ્કૃતિક કલા-કેન્દ્ર માટે તેમણે 50 લાખ ડૉલરનું અનુદાન કર્યું હતું.
રૉકફેલરે પહેલા વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલ ફ્રાન્સના રાજાઓના પરંપરાગત રાજ્યાભિષેકના સ્થળ અને ગૉથિક સ્થાપત્યકલાનું અદ્વિતીય સ્મારક ગણાતા રીમ કથીડ્રલ(1211–1311)ના પુનરુદ્ધાર માટે મહત્તમ આર્થિક સહાય કરી હતી.
1923માં રૉકફેલરે ‘ઉદ્યોગમાં અંગત સંબંધો’ નામના ગ્રંથની રચના કરી હતી. પિતા-પુત્રે જનકલ્યાણનાં કાર્યો માટે 75 કરોડ ડૉલરથી વધુ રકમની સખાવતો કરી હતી. તેઓ 15 કરોડ ડૉલરથી વધુ રકમનો વારસો તેમનાં સંતાનો માટે મૂકી ગયા છે.
જિગીશ દેરાસરી