રેસિયા ઘાટ (Resia Pass) : ઇટાલી-ઑસ્ટ્રિયાની સીમાની દક્ષિણે આશરે 1.6 કિમી. અંતરે તથા સ્વિસ ફ્રન્ટિયરની તદ્દન નજીક પૂર્વ તરફ આવેલો ઘાટ. આ ઘાટ ઑસ્ટ્રિયાના ઇન-રિવર ખીણપ્રદેશને ઇટાલીના એડિજ રિવર ખીણપ્રદેશ ‘વાલ વેનોસ્ટા’થી અલગ પાડે છે. આ ઉપરાંત આ ઘાટ એડ્રિયાટિક સમુદ્ર અને કાળા સમુદ્રના જળવિભાજકો તથા ર્હીટિયન આલ્પ્સ અને ઓઝતાલ આલ્પ્સને જુદા પાડે છે. આ ઘાટની તરત જ નીચે તરફ 1949માં બે નાનાં સરોવરોને સાંકળી લઈને એક મોટું (અંશત:) માનવસર્જિત સરોવર લાગો રેસિયા તૈયાર કરવામાં આવેલું છે. અહીંથી રેસિયા માર્ગ ઇન-રિવરને વીંધીને જાય છે. તે ફિન્સ્ટરમૂંઝ (Finstermnz) ઘાટ તરફનો અને ઇન-કોતરથી ઉપર તરફનો ઢાળ રચે છે. નૌદર્સ ગામ પાસેથી રેસિયા ઘાટ જતો સડકમાર્ગ બોલ્ઝાનો તરફ જાય છે. તે બ્રેનર ઘાટમાર્ગ અને રેલમાર્ગને મળે છે.
જાહ્નવી ભટ્ટ