રેશમ-ઉદ્યોગ

January, 2004

રેશમ-ઉદ્યોગ : રેશમના રેસાઓમાંથી કાપડનું ઉત્પાદન કરતો વ્યવસાય. રેશમ એક મજબૂત ચળકતો રેસો છે. તેના આકર્ષક દેખાવને લીધે તેને ‘રેસાની રાણી’ કહેવામાં આવે છે. કુદરતી રેસાઓમાં એ રેસો કેટલાક પ્રકારના પોલાદના તાર કરતાં પણ વધુ મજબૂત હોય છે. તેની વધુ પડતી સ્થિતિસ્થાપકતા તેને તનન (stretching) પછી મૂળ સ્થિતિમાં પરત લાવે છે. રેશમનું કાપડ વજનમાં હલકું તથા સુતરાઉ, લિનન અને રેયૉન કાપડ કરતાં વધુ હૂંફ આપે છે. રેશમનું કાપડ બીજા કાપડ કરતાં જોનારાઓ પર વધુ પ્રભાવ પાડી શકે છે. તે કરચલીનો પ્રતિકાર કરે છે. તેની ઇસ્ત્રી સહેલાઈથી કરી શકાય છે. તેનો ઉપયોગ મૂલ્યવાન સાડીઓ, ફૅશનેબલ વસ્ત્રો, પડદા, ગાદી-તકિયાના સાજ વગેરેમાં થાય છે. તેને સુતરાઉ તથા બીજા સંશ્લેષિત કાપડ સાથે મિશ્ર પણ કરવામાં આવે છે.

રેશમની શોધ ક્યારે થઈ તેની નક્કર માહિતી ઉપલબ્ધ નથી; પરંતુ ઈસવીસનના 3,000 વર્ષ પૂર્વે એક ચીની દંતકથા અનુસાર મલબરી વૃક્ષને થયેલ નુકસાનની તપાસ કરતાં રાણી ઝીલિંગ્શીને વૃક્ષના પાનને ખાઈ જઈ ચળકતા કોશેટા કાંતતાં સફેદ જીવડાં મળ્યાં. તેમાંથી થોડાં આકસ્મિક રીતે ચાના ગરમ પાણીમાં પડી ગયાં, તેની સાથે રમત કરતાં એક સુંવાળો નાજુક ચળકતો રેસો મળ્યો. રાણીએ કોશેટામાંથી નીકળેલ રેસાઓ એકત્ર કરી, તેનો તાર બનાવી ફરકડી પર વીંટ્યો અને એ રીતે રેશમની શોધ થઈ. ચીને આ રહસ્ય ખૂબ લાંબા સમય સુધી જાળવી રાખ્યું. તેનું રહસ્ય પરદેશીને જણાવનારને નામોશી અને મૃત્યુદંડ અપાતાં. ઈસવીસનના 202 વર્ષ પૂર્વે હાન વંશના સમયમાં ઈરાનના વ્યાપારીઓ રેશમ ખરીદી, રેશમ-માર્ગ (silk route) દ્વારા પરિવહન કરી, રોમ વગેરે સ્થળે ખૂબ ઊંચી કિંમતે તેનું વેચાણ કરતા હતા. ઈ. સ. 550માં રોમન અથવા બાયઝન્ટાઇન સમ્રાટ જસ્ટિનિયને ઇજારો તોડવા મોકલેલ બે ગુપ્તચરો ચીનમાંથી રેશમના કીડાનાં ઈંડાં અને મલબરી ઝાડનાં બી વાંસના પોલાણમાં સંતાડીને લઈ આવ્યા. આમ ચીન અને ઈરાનના રેશમના ઇજારાનો અંત આવ્યો. ત્યારબાદ મુસલમાનો તેને ઈ. સ. 800માં સ્પેન, ઈ. સ. 900માં સિસિલી લઈ ગયા. ઈ. સ. 1200માં ઇટાલી અને ઈ. સ. 1500માં ફ્રાન્સમાં રેશમનું કાપડ વણવાનો પ્રારંભ થયો. કેટલાક ફ્લેમિશ કારીગરો રેશમના વણાટની કળા ઇંગ્લૅન્ડમાં લઈ ગયા હતા.

જંગલોમાં શેતૂરના ઝાડ પર કીડાઓએ તૈયાર કરેલ કોશેટા ગરમ પાણીમાં નાખી તેમાંથી રેસાઓ ખેંચી તારને ફરકડી પર વીંટાળી તેના પર વળ (twist) ચઢાવી મજબૂત બનાવાય છે. વળવાળા તાર વાણા(woof)માં અને વળ વગરના તાર તાણા(warp)માં વપરાય છે. કાપડ પરથી સરેસ (gelatin) દૂર કર્યા પછી જ તેની સુંદરતા નીખરે છે.  બટકાઈ ગયેલ રેસાઓને કાંતીને તેના તાર બીજા કાપડ સાથે મેળવવામાં આવે છે.

બીજા વિશ્વયુદ્ધ(1939–45)ના આરંભ સમયે રેશમનો ઉપયોગ મોજાં, ગંજીફરાક, સ્ત્રીઓનાં અંત:વસ્ત્રો વગેરે બનાવવામાં થતો હતો. સાંપ્રત કાળમાં તેનો ઉપયોગ વસ્ત્રો, બારીબારણાંના પડદા તથા સજાવટનું કાપડ અને સુતરાઉ તથા સંશ્લેષિત કાપડ સાથે મિશ્ર કરી વધુ ઉઠાવદાર કપડાં બનાવવામાં થાય છે. કાપડ, લેબલો વગેરેના છાપકામ માટે રેશમ-આવરણ અથવા રેશમ-આલેખન (serigraphy) ઉપયોગમાં લેવાય છે. ઈ. સ. 1000ના સમયથી ચીનની પ્રજા સ્ટેન્સિલ પદ્ધતિથી છાપકામ કરતી હતી. ફ્રાન્સે તે પદ્ધતિ ઈ. સ. 1800માં અપનાવી હતી.

વિશ્વમાં રેશમનું ઉત્પાદન ચીન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, થાઇલૅન્ડ, રશિયા અને બ્રાઝિલમાં થાય છે. વિશ્વના આશરે વાર્ષિક 80,000 ટનના ઉત્પાદનમાં ચીનનો ફાળો 58,000 ટન (72 ટકા), ભારતનો 14,000 ટન (17 ટકા) અને બાકીનાનો ફાળો 8,000 ટન (11 ટકા) અંદાજી શકાય. તેમાં ફક્ત ભારત જ મલબરી, ટસર, એરી અને મુગા એમ ચાર પ્રકારનાં રેશમનું ઉત્પાદન કરે છે. સેતુરના પાનમાંથી બનેલ રેશમને મલબરી, અર્જુનના પાનમાંથી ટસર અને સોમઝાડના પાનમાંથી વિશ્વનું સૌથી ઉત્કૃષ્ટ સોનેરી પીળા રંગનું મુગા રેશમ બને છે.

મિલમાં વણાટકામ માટે બનાવાતી રેશમની ફરકડીઓ (રીલ)

1997–98ના વર્ષમાં ભારતમાં 28 લાખ હેક્ટર વિસ્તારમાં મલબરી વૃક્ષના વાવેતરમાંથી આશરે 1,27,495 ટન કોશેટાઓના ફિરકા(reeling cocoons)માંથી 14,048 ટન કાચું મલબરી રેશમ મેળવાયું હતું, જ્યારે કાચું ટસર (tasar) 312 ટન, કાચું એરી (eri) 814 ટન અને કાચું મુગા (muga) રેશમ 72 ટન થયું હતું. રેસાના વધારામાંથી 333 ટન કાંતેલું સૂતર અને 248 ટન બીજા રેસાઓ (સુતરાઉ, ગરમ, રેયૉન, નાઇલૉન, પૉલિયેસ્ટર) સાથે મિશ્ર સૂતર તૈયાર કરવામાં આવ્યું હતું. તે જ વર્ષમાં રેશમના કાપડનું ઉત્પાદન 27.02 કરોડ ચોરસ-મીટર હતું. તેની કિંમત રૂ. 5,288.77 કરોડ અંદાજવામાં આવી હતી. નવમી પંચવર્ષીય યોજના મુજબ રેશમનું ઉત્પાદન 20,666 ટન કરવાનું આયોજન છે.

રેશમના કુલ ઉત્પાદનમાં કર્ણાટક, તામિલનાડુ, કેરળ તથા આંધ્રપ્રદેશ જેવાં રાજ્યોનો ફાળો અગત્યનો રહ્યો છે. આસામ, મણિપુર, પશ્ચિમ બંગાળ અને ઓરિસામાં પણ તેનું ઉત્પાદન કરવામાં આવે છે. કર્ણાટક એ રેશમના ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર છે, જે 40 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે. ગુજરાતમાં એરંડાનો ભરપૂર પાક થતો હોવાથી એરંડી રેશમના ઉત્પાદનના વિકાસ માટે સાનુકૂળ છે.

ભારતમાં રેશમની વાર્ષિક માગ આશરે 25,000 ટન છે, જ્યારે ઉત્પાદન 14,000 ટન અંદાજવામાં આવે છે. તેથી 1998–99માં 2,933 ટન કાચું રેશમ ચીન અને બ્રાઝિલથી આયાત કરવામાં આવ્યું હતું. 1998–99ના વર્ષમાં 363.64 લાખ ચોરસ-મીટર રેશમના કાપડની નિર્યાત કિંમત રૂ. 1036.28 કરોડ અંદાજવામાં આવી હતી. તેમાંની મહત્તમ નિર્યાત અમેરિકા, જર્મની તથા ઇંગ્લૅન્ડમાં કરવામાં આવી હતી. નવમી પંચવર્ષીય યોજનાનું લક્ષ્ય રૂ. 1,526 કરોડ રેશમ કાપડની નિર્યાતનું હતું. ચીન તેના 58,000 ટન કાચા રેશમના ઉત્પાદનમાંથી 8,700નો ઉપયોગ કરી બાકી રેશમની નિર્યાત કરે છે.

ભારતને રેશમના કાપડની નિર્યાતમાં ગણનાપાત્ર વૃદ્ધિ કરવાનો પૂરો અવકાશ છે. તે માટેની આ હકીકતો પર ધ્યાન આપવાની આવશ્યકતા છે : સ્વદેશી રેશમના તારમાં એકસમાનતા તથા મજબૂતીનો અભાવ વર્તાય છે. તેથી તે હાથસાળ પર જ વણવા યોગ્ય ગણાય છે. જૂની-પુરાણી હાથસાળોના વણાટમાં રહી જતી ખામીઓ અને ગાંઠો કાપડની ગુણવત્તા ઓછી કરે છે. બનારસ તથા કાંચીપુરમની સાડીઓનું સૌંદર્ય અનુપમ હોય છે. વળી પડદા, ગાદી-તકિયા વગેરેની સજાવટ માટે પણ ભારતનું રેશમ બિનહરીફ છે; પરંતુ તેનું નકશીકામ ચીલાચાલુ ગણાય છે. તે ફ્રાન્સ, ઇટાલી, ચીન વગેરે દેશોની નકશીની વિવિધતાની હરીફાઈ કરવા સક્ષમ છે. ગતિશીલતાથી પરિવર્તન પામતી દુનિયામાં સફળતા મેળવવા કાપડની ઊંચી ગુણવત્તા તથા વૈવિધ્યભર્યું નકશીકામ જ સહાયરૂપ બની શકે. હાથસાળને સ્થાને અદ્યતન યંત્રો જ ઉત્પાદનમાં વૃદ્ધિ સાથે ગુણવત્તા પ્રદાન કરી શકે. રેશમના કાપડની નિકાસને પ્રોત્સાહન આપવા કાચા રેશમની આયાત કરવામાં આવે છે; પરંતુ તે મોંઘું પડે છે. નિર્યાતમાં ગણનાપાત્ર વૃદ્ધિ મેળવવા કાચા રેશમના ઉત્પાદનમાં વૃદ્ધિ સાથે રેશમની એકધારી સમાનતા, વધુ મજબૂતાઈ, બારીકાઈ વગેરે ગુણવત્તામાં સુધારો કરવા અનેકાંતિક રેશમ રીલિંગ એકમો અપનાવવાં આવશ્યક છે. હાલ રેશમ બૉર્ડ આવાં 300 કેન્દ્રો સ્થાપવા આયોજન કરી રહ્યું છે.

જિગીશ દેરાસરી