રેવા (નદી) (Rewa)

January, 2004

રેવા (નદી) (Rewa) : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા ફિજિયન ટાપુઓની ઘણી અગત્યની અને લાંબી નદી. ફિજી સમૂહના મુખ્ય ટાપુ વીતી લેવુના ઉત્તર-મધ્ય ભાગમાં આવેલા તોમાનીવીના ઢોળાવ પરથી તે નીકળે છે અને 145 કિમી.ના અંતર સુધી અગ્નિ દિશા તરફ વહે છે. ફિજીના પાટનગર સુવા નજીક આવેલા લૌથલના ઉપસાગરમાં તે ઠલવાય છે. આ નદીની જળપરિવાહરચનાથી ટાપુનો આશરે 33 % જેટલો ભાગ રોકાયેલો છે. આ નદીથી રચાયેલા ખીણપ્રદેશ અને ત્રિકોણપ્રદેશમાં ડાંગર અને દૂધનું ઉત્પાદન લેવાય છે. નાનાં જહાજો તેના મુખથી આશરે 80 કિમી.ના અંતર સુધી અવરજવર કરી શકે છે. આ જળમાર્ગથી અવરજવર અને માલસામાનની હેરફેરની સુવિધા જળવાય છે.

જાહ્નવી ભટ્ટ