રેન્ડિયર સરોવર : ઉત્તર કૅનેડામાં સસ્કેચવાન-મૅનિટોબા સરહદે શંકુદ્રુમ જંગલની સીમા પર આવેલું સરોવર. ભૌગોલિક સ્થાન : 57° 30´ ઉ. અ. અને 102° 30´ પ. રે.ની આજુબાજુનો આશરે 6,651 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દિક્ષણ અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ લંબાઈ-પહોળાઈ અનુક્રમે 245 કિમી. અને 56 કિમી. જેટલી છે. તેનો આકાર ખૂબ જ અનિયમિત છે. તેમાં વચ્ચે ટાપુઓ પણ આવેલા છે. તેમાં ઘણી નદીઓ ઠલવાય છે. દક્ષિણ તરફ બનાવેલા આડબંધના નિયંત્રણમાંથી વહી જતાં જળ રેન્ડિયર નદીને મળે છે. તે ચર્ચિલ નદીની સહાયક નદી છે અને તેના પર એક બંધ પણ બાંધેલો છે. જૂના વખતમાં જ્યારે રુવાંટીનો વેપાર ચાલતો હતો ત્યારે તે જળમાર્ગ તરીકે ઉપયોગમાં લેવાતું હતું. હવે તે વેપાર-વાણિજ્ય અને માછીમારીની રમત (સ્પૉર્ટ્સ-ફિશિંગ) માટેના સરોવર તરીકે ઉપયોગમાં લેવાય છે. આ સરોવર નજીક મૅનિટોબાની બ્રોશેટ સહિત રિપારિયન તેમજ સસ્કેચવાનની કિનુસાઓ વસાહતો આવેલી છે. કિનુસાઓ મૅનિટોબાના લિન (Lynn) સરોવરના ખાણમથકના નગર સાથે સડકમાર્ગે જોડાયેલું છે.
જાહ્નવી ભટ્ટ