રેનો : યુ.એસ.ના નેવાડા રાજ્યનું લાસ વેગાસ પછીના બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 39° 31´ ઉ. અ. અને 119° 48´ પ. રે.. આ શહેરનું એક પ્રવાસી મથક તરીકે વિશેષ મહત્વ છે. તે સિયેરા નેવાડાની તળેટીમાં પશ્ચિમ નેવાડામાં ટ્રકી નદીના કાંઠે વસેલું છે.
રેનોમાં ઘણી સંખ્યામાં જુગારખાનાં અને રાત્રિક્લબો છે. અહીં અવરજવર કરતા રહેતા પ્રવાસીઓની સુવિધાઓ જાળવવા દુનિયાભરની મોટામાં મોટી ગણાતી એમજીએમ (MGM) ગ્રાન્ડ હોટેલ આવેલી છે અને તેની સાથે મોટું જુગારખાનું પણ છે. આ બંને અહીંની આશરે 6 હેક્ટર ભૂમિ આવરી લે છે. રેનોની રાત્રિક્લબોમાં જાણીતા બનેલા ઘણા મનોરંજનકારો કામ કરે છે. રેનોની આજુબાજુ આવેલાં અન્ય આકર્ષણોમાં નૌકાવિહાર, જળક્રીડા, માછીમારી તથા પહાડી ઢોળાવો પર સરકવાની રમતોનો સમાવેશ થાય છે. નેવાડા યુનિવર્સિટીની એક શાખા રેનોમાં પણ છે.
આજે જ્યાં રેનો વસેલું છે ત્યાં શ્વેત વસાહતીઓ પ્રથમ વાર આવ્યા તે અગાઉ વાશો (Washo) અને પાઇઉત (Paiute) નામના ઇન્ડિયનો રહેતા હતા. રેનોની સ્થાપના 1868માં મધ્ય પૅસિફિક રેલમાર્ગ પરના એક મથક તરીકે થયેલી. રેલવેના અધિકારીઓએ આ સ્થળને ‘રેનો’ નામ યુનિયન જનરલ જેસી લી રેનો, જેઓ 1861–1865ના આંતરયુદ્ધમાં મરાયેલા, તેમની યાદમાં આપેલું છે. 1931માં નેવાડાની સરકારે જુગારની રમતને કાયદેસરની બનાવી તે પછીથી રેનો ઝડપથી વિકસ્યું અને વિસ્તર્યું છે. 1940માં રેનોની વસ્તી 21,300 હતી, તે 1980માં એક લાખથી પણ વધી ગઈ. આજે તેની વસ્તી 2001 મુજબ 1,66,150 (શહેર) અને મહાનગરની વસ્તી આશરે 3,10,00 જેટલી છે.
જાહ્નવી ભટ્ટ