રેથેલ, આલ્ફ્રેડ (Rethel, Alfred)
January, 2004
રેથેલ, આલ્ફ્રેડ (Rethel, Alfred) (જ. 15 મે 1816, આખેન, જર્મની; અ. 1 ડિસેમ્બર 1859, ડુસેલ્ડૉર્ફ, જર્મની) : મોટા કદના ઐતિહાસિક અને ધાર્મિક વિષયોનાં ચિત્રો ચીતરવા માટે જાણીતો જર્મન ચિત્રકાર તથા કાષ્ઠશિલ્પનાં છાપચિત્રો(wood cut prints)ના સર્જક.
1829માં 13 વરસની ઉંમરે ડુસેલ્ડૉર્ફ એકૅડેમીમાં કલાના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો. અભ્યાસ પૂરો કરીને 1836માં રોમર હૉલની દીવાલો પર ભીંતચિત્રો ચીતરવા માટે ફ્રૅંકફર્ટ ગયો. પછી 1841માં આખેનના ‘કૈસરાલ’ મહેલની ભીંતો પર શાર્લમૅન(Charlemagne)ના જીવન ઉપર આધારિત ભીંતચિત્રો ચીતરવાનું કામ મળ્યું, જે તેણે કદી પૂરું કર્યું નહિ.
1844માં તેણે આલ્પ્સ પર્વત ઓળંગી રહેલા હનીબાલને વિષય બનાવતાં ચિત્રોની શ્રેણી રોમમાં ચીતરી. પછી થોડાં વરસો ડ્રૅસ્ડનમાં ગાળ્યાં. 1852માં તે રોમ આવ્યો. દરમિયાન તે પાગલ ચૂક્યો હતો. ડુસેલ્ડૉર્ફની પાગલો માટેની જેલમાં તે મૃત્યુ પામ્યો.
બિહામણી ભૂતાવળ અને ત્રાસરૂપ નરકનું ધ્રુજાવી નાખે એવું આલેખન ધરાવતી ‘ડાન્સ ઑવ્ ડેથ’ શ્રેણીનાં છાપચિત્રો તથા મડદાં તથા રડતાં-કકળતાં અને ચીસો નાખતાં શોકગ્રસ્તોની ઉપર થઈને ક્રાંતિકારીઓને દોરવતા, ઘોડા પર બેઠેલા હાડપિંજરને આલેખતી શ્રેણી ‘ડેથ ઍન્ડ કૉન્કરર ઓવર ધ બેરિકેડ્સ’ રેથેલને જર્મન રંગદર્શી કલાકારોની હરોળમાં સ્થાન અપાવે છે.
અમિતાભ મડિયા