રેતી (sand) : કોઈ પણ પ્રકારના ઝીણા ખનિજકણોથી બનેલો છૂટો દ્રવ્યજથ્થો. રેતી કુદરતી પરિબળો દ્વારા તૈયાર થતી હોય છે. મોટાભાગના રેતી-નિક્ષેપોમાં જે તે ખનિજકણો ઉપરાંત માટી અને કાંપનું ભિન્ન ભિન્ન પ્રમાણ રહેલું હોય છે. કેટલાક જથ્થાઓમાં કાંકરીઓ પણ હોય છે. રેતીનું ખનિજ-બંધારણ અને ખનિજોનાં કણકદ જુદાં જુદાં હોઈ શકે છે. પૃથ્વીના પટ પર પ્રદેશભેદે રેતીના જથ્થા બહોળા પ્રમાણમાં વિતરણ પામેલા જોવા મળે છે. તેમના ઔદ્યોગિક અને આર્થિક ઉપયોગો પણ ઘણા છે.
ખડકો કે છૂટા સ્થૂળ ખડક-દ્રવ્યને કચરીને-દળીને તૈયાર કરાતા કણો માટે આ શબ્દપ્રયોગ વ્યાપારી અર્થમાં પણ વપરાય છે; જેમ કે કાચરેતી, બીબાઢાળ રેતી, ચૂનેદાર રેતી, ધાતુમળ રેતી, કાળી રેતી વગેરે. પ્રાપ્તિદ્રવ્ય અકાર્બનિક હોય કે ન હોય, ઉપયોગની જરૂરિયાત મુજબ, તૈયાર કરાયેલા કોઈ પણ પ્રકારના વિવિધ દાણાદાર દ્રવ્યને પણ રેતી તરીકે ઓળખાવી શકાય, કારણ કે તે પણ રેતીના કણકદની કક્ષામાં આવતું હોય છે.
કુદરતી રેતી એ ખડકો પર થતા ઘસારા અને ખવાણક્રિયાનું પરિણામ છે. નદીઓ અને સરોવરો કે સમુદ્ર-મહાસાગરોના પ્રવાહો તેમજ મોજાં રેતી તૈયાર થવા માટેનું અગત્યનું પરિબળ છે. એ જ રીતે હિમનદીજન્ય ઘસારો અને પવન પણ એટલાં જ અગત્યનાં પરિબળ છે. આ બધાં કારણોથી ક્યાંક સ્વસ્થાનિક તો અન્યત્ર સ્થાનાંતરિત રેતીજથ્થા તૈયાર થાય છે; લોએસ, રેતીના ઢૂવા નદીપટ અને તટની આજુબાજુના વિસ્તારો, સરોવરો-ખાડીસરોવરો, ત્રિકોણપ્રદેશો, દરિયાકિનારાના કંઠારપ્રદેશો, રણપ્રદેશો વગેરે રેતી-જમાવટ માટેનાં અગત્યનાં સ્થાનો છે. એ રીતે રેતી નદીજન્ય, સરોવરજન્ય, દરિયાઈ ઉત્પત્તિજન્ય કે વાતજન્ય હોઈ શકે છે.
રેતીના અગત્યના ખનિજ-ઘટક તરીકે ક્વાર્ટ્ઝનો ફાળો મહત્વનો છે. ક્વાર્ટ્ઝ ખૂબ જ ટકાઉ ખનિજ છે. રેતીમાં અન્ય ખનિજકણોનું પ્રમાણ પણ હોય છે; તેમ છતાં ઠેકઠેકાણે પ્રાદેશિક ખડકો મુજબ ચિરોડી-રેતી, પરવાળાં-રેતી, જ્વાળામુખીજન્ય રેતી, કાળી રેતી પણ મળી રહે છે અને તેમનું સંમિશ્રણ પણ હોઈ શકે છે; સ્થૂળ રેતીમાં ઝીણા ખડકટુકડા પણ હોય છે. રેતીમાં રહેલા ખનિજકણો પરથી તેના માતૃખડક-સ્રોતનો ખ્યાલ આવી શકે છે. રેતીકણો ગોળાકારથી ઓછાવત્તા કોણાકાર હોય છે. ગોળાઈ વહનક્રિયા દરમિયાન થયેલી ઘર્ષણક્રિયા પર આધારિત હોય છે. બાંધકામ હેતુઓ માટે જરૂરી રેતી 5 મિમી.થી નાની હોવી જરૂરી છે. ભૂસ્તરશાસ્ત્રીઓ તેના મહત્તમ અને લઘુતમ કણકદ માટે 2 મિમી.થી 9 મિમી. માપનો ઉપયોગ કરે છે.
રેતીના ઘણા ઉપયોગો છે. બાંધકામ હેતુઓમાં તે કૉંક્રીટ, મૉર્ટાર, પ્લાસ્ટર વગેરે માટે વપરાય છે. જુદા ઉપયોગ મુજબ રેતી સ્વચ્છ અને ચોક્કસ પરિમાણવાળી હોવી જરૂરી છે. તેમાં વધુ પડતી અબરખ-પતરીઓ, ફેલ્સ્પાર-કણો કે લોહઑક્સાઇડ હોય તે ઇચ્છનીય નથી. સ્થૂળ દાણાદાર રેતી (0.6 મિમી.થી 2 મિમી. વ્યાસ) કૉંક્રીટ માટે અને સૂક્ષ્મ દાણાદાર રેતી (0.06 મિમી.થી 0.2 મિમી. વ્યાસ) પ્લાસ્ટર માટે વપરાય છે. આ પ્રકારની રેતીનો પુરવઠો પટમાંથી મળી રહે છે અને ભારતમાં તેનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. દરિયાકિનારે એકત્રિત થતાં ભૌતિક સંકેન્દ્રણોમાં આર્થિક દૃષ્ટિએ ઉપયોગી ઇલ્મેનાઇટ, મૉનેઝાઇટ, રુટાઇલ, મૅગ્નેટાઇટધારક રેતી-જથ્થાઓ મળે છે. લીલી રેતીમાં ગ્લોકોનાઇટ-ખનિજ હોય છે, જે તેમાંની પોટાશ-માત્રાને કારણે ખાતરની બનાવટમાં ઉપયોગમાં લેવાય છે. સિલિકા રેતી મુખ્યત્વે ક્વાર્ટ્ઝ (SiO2) કણોની બનેલી હોય છે. માટે કોઈ ખાસ મર્યાદા આંકેલી નથી, તેમ છતાં 95 % (ક્યારેક 99 % પણ હોય છે) SiO2 ધરાવતી રેતી સિલિકા-રેતી કહેવાય છે. તે કાચ, બીબાં, અગ્નિરોધક ચીજો, ગાળણ અને ચમક માટે ઉપયોગમાં લેવાય છે; આથી તેને ‘ઔદ્યોગિક રેતી’ નામ અપાયું છે.
ભારતમાં કાચ-રેતી બિહાર, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, કેરળ, તામિલનાડુ, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓરિસા, પંજાબ, રાજસ્થાન તેમ જ ઉત્તરપ્રદેશમાંથી મળી રહે છે. રેતીની કક્ષા અને શુદ્ધીકરણમાં જરૂરી ફેરફારો કરીને સાદા કાચ, ઑપ્ટિકલ કાચ તેમજ પ્રયોગશાળાઓ માટે જરૂરી કાચ બનાવવામાં આવે છે. રત્નાગિરિથી વિશાખાપટ્ટનમ્ સુધીના કંઠારપ્રદેશમાં ધાતુમય રેતીના વિપુલ જથ્થાઓ મળી રહે છે. બાંધકામ હેતુઓ માટે તો દરેક રાજ્યમાં નદીજન્ય રેતીના જથ્થા સરળતાથી મળી રહે છે. ગુજરાતમાં પણ કાચ-રેતી હિંમતનગર, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર જિલ્લાઓમાં જરૂરી જથ્થામાં મળી રહે છે.
ગુજરાતમાં ક્વાર્ટ્ઝ અને સિલિકા રેતી : ક્વાર્ટ્ઝ એ સ્ફટિકમય સિલિકાનું ખનિજ-સ્વરૂપ છે. તે કાચ, અગ્નિરોધક ઈંટો અને ધાતુશોધક પ્રદાવકો બનાવવા માટેનો કાચો માલ છે. તે પ્રી-કૅમ્બ્રિયન વયના ગ્રૅનાઇટ અને વિકૃત રહેલી શિરાઓ તરીકે મળે છે. ક્વાર્ટ્ઝની શિરાઓ સાબરકાંઠા, પંચમહાલ અને વડોદરા જિલ્લાઓમાંથી મળી રહે છે. પંચમહાલ આ માટેનો મુખ્ય ઉત્પાદક જિલ્લો છે, જ્યાંથી આશરે 20,000 ટન જેટલું ગુજરાતનું લગભગ બધું જ ઉત્પાદન મેળવવામાં આવે છે. જોકે આ ખનિજની ઉપલબ્ધિ માટે પૂર્ણપણે તપાસ કરવામાં આવેલી નથી, તેમ છતાં વર્તમાન ઉપલબ્ધ માહિતી અનુસાર તેનો કુલ અંદાજિત અનામત જથ્થો 40 લાખ ટન જેટલો હોવાનો અંદાજ મુકાયેલો છે.
ક્વાર્ટ્ઝને કચરીને તેની રેતી બનાવવામાં આવે છે. ક્વાર્ટ્ઝ કચરવાના મોટાભાગના એકમો પંચમહાલમાં ગોધરા ખાતે આવેલા છે. બધું જ રેતી-ઉત્પાદન રાજ્યના કાચ બનાવતા એકમોને પૂરું પાડવામાં આવે છે. આણંદનું મેસર્સ વલ્લભ ગ્લાસ વકર્સ અને વડોદરા ખાતે આવેલી મેસર્સ ઍલેમ્બિક ગ્લાસ ઇન્ડસ્ટ્રિઝ ક્વાર્ટ્ઝ રેતીના મુખ્ય વપરાશકારો છે. પહેલા એકમ ખાતે પટકાચ (sheet glass) અને અરીસાઓનું, જ્યારે બીજા એકમ ખાતે ગૃહોપયોગી કાચસામગ્રી, શીશીઓ અને શીશા, પ્રવાહી ઔષધો ભરવાની નાની શીશીઓ વગેરેનું ઉત્પાદન લેવાય છે.
સિલિકા રેતી અને કાચ રેતી એ કાચ-ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતો મુખ્ય કાચો માલ છે. તે બનાવવામાં ઉદ્દીપક તરીકે ભઠ્ઠીઓમાં તથા પાણીને શુદ્ધ કરવામાં પણ વપરાય છે. સિરૅમિક ઉદ્યોગમાં તે ઍસિડ/ઉષ્મા-પ્રતિકાર કરી શકતા પૉર્સલિનની બનાવટમાં; અગ્નિરોધક પદાર્થો તરીકે તેમજ આરસપહાણને કાપવા માટેના અને ઓપ આપવા માટેના ઘર્ષક તરીકે વપરાય છે.
સિલિકા રેતી રેતીખડકની ખવાણ પેદાશ તરીકે કુદરતી સ્થિતિમાં પણ મળે છે, અથવા તો તે જરૂરી ધરાવતા રેતીખડકને કચરીને પણ મેળવી શકાય છે. સુરેન્દ્રનગર જિલ્લો સિલિકા રેતીનાં ઉત્પાદન અને પ્રાપ્તિ માટેનો મુખ્ય જિલ્લો છે. તે ચોટીલા તાલુકાની વઢવાણ રચનાના સારી કક્ષાના રેતીખડકને કચરીને મેળવવામાં આવે છે. અહીંનો કુલ અંદાજિત અનામત જથ્થો આશરે 40 લાખ ટન જેટલો છે. અહીંથી 150 જેટલા રાજ્ય સરકાર અધિકૃત પરવાનેદારો, દર વર્ષે આશરે 1.2 લાખ ટન જેટલા આ રેતી-જથ્થાનું ખનનકાર્ય કરે છે. ચોટીલા નજીક ગુજરાત ખનિજ વિકાસ નિગમે સૂરજદેવલ ખાતે રેતી કચરવા માટેનો એકમ ઊભો કર્યો છે; પરંતુ તે હાલ બંધ સ્થિતિમાં છે. હાલમાં માત્ર 6,000 ટન જેટલી રેતીનું સજ્જીકરણ કરવામાં આવે છે. બાકી રહેતા વાર્ષિક ઉત્પાદનના માલના સજ્જીકરણ માટે નાના પાયા પર એકમો નાખવા માટે હજી પૂરતી તકો છે. સાબરકાંઠા, વડોદરા, ભરૂચ અને કચ્છ જિલ્લાઓમાં ક્રિટેશિયસ રેતીખડકોમાંથી પણ સિલિકા રેતી મેળવી શકાય તેમ છે.
ગિરીશભાઈ પંડ્યા