રેતી-આડ (sandbar) : રેતી-જમાવટથી રચાયેલી વિતટીય (off shore) આડશ. તે સ્થૂળ કે સૂક્ષ્મ રેતીકણોથી બનેલી હોય છે. દરિયાઈ કંઠારના રેતપટમાંથી મોજાંને કારણે તે તૈયાર હોય છે. મોજાંની વમળક્રિયાથી દરિયાઈ રેતપટનો સમુદ્રજળ હેઠળનો ભાગ ખોતરાતો જતો હોય છે. ખોતરાયેલા છીછરા ભાગમાં રેતીની જમાવટ થાય છે. મોજાં અને સમુદ્રપ્રવાહો રેતીને આઘીપાછી કરતાં રહે છે અને સમય વીતતાં રેતીનો વિતટીય અવરોધ રચાતો જાય છે. આછા ઢોળાવવાળા કંઠારના સમુદ્રતળ પરથી તે ક્યારેક કિનારા તરફ તો ક્યારેક સમુદ્ર તરફ આગળ વધે છે. આવી રેત-આડશો સ્થાનભેદે જળનિમ્ન કે જળબહાર હોઈ શકે છે. ઉપસાગરોનાં મથાળાં નજીક આવી રેત આડશો જોવા મળતી હોય છે. કેટલાક કંઠારપટ નજીક તે ઊંચી ભરતી કે વાવાઝોડાં દરમિયાન પણ રચાય છે. જે કંઠારપટ તરફ પવનોનો મારો રહેતો હોય ત્યાં રેતીના કણો જમાવટ પામતા જાય છે. ક્યાંક આડશો ખાડી સરોવરને કારણે અલગ પડે છે. જ્યાં કિનારાના ભાગો ખડકાળ ન હોય, પરંતુ મેદાની લક્ષણવાળા હોય ત્યાં દરિયાના અંદરના ભાગમાં થોડા અંતરે રચાય છે. જ્યાં 2.5 મીટરથી વધુ ઊંચાં મોજાં ઊછળતાં રહેતાં ત્યાં પણ તેનાં પાણી સાથે રેતીકણો આવે છે અને જમાવટ પામે છે. વળી ક્યાંય મોજાંને કારણે તે છેદાયેલી પણ હોય છે. રેતી-આડશોને કારણે દરિયાકાંઠા અનિયમિત વળાંકવાળા પણ બનેલા જોવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા