રેતીયુક્ત ખડકો (arenaceous rocks)
January, 2004
રેતીયુક્ત ખડકો (arenaceous rocks) : રેતીના બંધારણવાળા જળકૃત ખડકો. રેતી જેમાં ઘટકદ્રવ્ય હોય અથવા રેતીનું અમુક પ્રમાણ જે ધરાવતા હોય એવા ખડકો માટે આ શબ્દપ્રયોગ થાય છે. ગમે તે ખનિજબંધારણવાળા રેતીના કણોથી બનતી કણરચનાવાળા, જામેલા, ઘનિષ્ઠ ખડકને રેતીયુક્ત ખડક અથવા ‘ઍરેનાઇટ’ કહેવાય છે. ઍરેનાઇટમાં એવા બધા જ ખડકોનો સમાવેશ થાય છે, જેમનાં કણકદ 2 મિમી.થી 1/16 હોય. જો તેમાં કાંપ (silt) પણ સામેલ હોય તો કણકદ 1/256 મિમી. સુધી જાય છે. કેટલાક ઍરેનાઇટ એકલા કાર્બોનેટ કણોના પણ બનેલા હોઈ શકે છે. તે કૅલ્ક-ઍરેનાઇટ કહેવાય છે; પરંતુ તેમનું દ્રવ્યબંધારણ ચૂનાયુક્ત હોવાથી તેમને ચૂનાયુક્ત ખડકોમાં મુકાય છે. રવાદાર લોહઅયસ્કવાળા અને ગ્લોકોનાઇટવાળા કેટલાક સ્તરોને પણ ઍરેનાઇટમાં વર્ગીકૃત કરેલા છે.
કણજન્ય જળકૃત ખડકપ્રકારોના સમૂહ પૈકી જે રેતીથી બનેલા હોય તેમનો રેતીયુક્ત ખડકોમાં સમાવેશ કરેલો છે. તેનું સારામાં સારું ઉદાહરણ રેતીખડક (sandstone) છે. ઍરેનાઇટ આ પ્રકારના ખડકવર્ગને લાગુ પડતું સામાન્ય નામ (groupname) છે, જ્યારે ‘રેતીખડક’ એ વિશેષ નામ છે. તેમ છતાં સામાન્ય સમજ માટે બંનેને સમાનાર્થી ગણેલા છે. બીજું એક નામ (psammitic) પણ ઉપર્યુક્ત નામોને સમકક્ષ છે, પરંતુ તે વિશેષે કરીને વિકૃતીકરણ પામેલા રેતીયુક્ત ખડકોનું વર્ણન કરવા માટે વપરાય છે. આ કારણોથી ‘ઍરેનાઇટ’ શબ્દ રેતીયુક્ત ખડકો માટે વાપરવાનું વધુ ઉચિત ગણાયું છે.
લગભગ બધા જ રેતીયુક્ત ખડકો જલક્રિયા દ્વારા જમાવટ પામે છે અથવા તો પવનક્રિયા દ્વારા એકત્રીકરણથી બને છે. પ્રથમ પ્રકારમાં દરિયાઈ કે સ્વચ્છ જળજન્ય ઉત્પત્તિ-સંજોગ હોઈ શકે. તેમાં જોવા મળતા કણકદ મુજબ નીચે પ્રમાણેના ભાગ પાડેલા છે : વધુ સ્થૂળ : 2 મિમી.થી 1 મિમી.; સ્થૂળ : 1 મિમી.થી 1/2 મિમી.; મધ્યમ : 1/2 મિમી.થી 1/4 મિમી.; સૂક્ષ્મ : 1/4 મિમી.થી 1/8 મિમી.; અતિસૂક્ષ્મ 1/8 મિમી.થી 1/16 મિમી.
જે રેતીખડકોમાં કણો ઓછાવત્તા કોણાકાર હોય તેમને ગ્રિટ (grit) અને જેમાં ઓછાવત્તા ગોળાકાર હોય તેમને રેતીખડક (sandstone) કહે છે. મોટાભાગના રેતીયુક્ત ખડકો ક્વાર્ટ્ઝ ખનિજના કણોથી બનેલા હોય છે. ક્વાર્ટ્ઝ ઉપરાંત, ખડકભેદે ફેલ્સ્પાર પણ હોય તો તેને ફેલ્સ્પેથિક રેતીખડક અથવા આર્કોઝ (arkose); અબરખ હોય તો અબરખયુક્ત રેતીખડક અથવા ફ્લૅગસ્ટોન; ગ્લોકોનાઇટ હોય તો ગ્લોકોનાઇટયુક્ત રેતીખડક અથવા ગ્રીનસૅન્ડ (greensand) કહેવાય છે. જામેલા કે જામ્યા વગરના ‘કાળી રેતી’ તરીકે ઓળખાતા રેતીજથ્થાઓ પણ મળે છે; જેમાં મૅગ્નેટાઇટ, ઇલ્મેનાઇટ, રુટાઇલ, મૉનેઝાઇટ અને ગાર્નેટના કણો હોય છે. ખનિજકણોને બદલે ખડકકણોથી બનેલા રેતીયુક્ત ખડકને લિથિક રેતીખડક કે ગ્રૅવૅક કહેવાય છે. છૂટી રેતીમાંથી ઘનિષ્ઠ રેતીખડક થવા માટે સંશ્લેષણ દ્રવ્ય જરૂરી છે. તે ચૂનેદાર હોય તો ચૂનાયુક્ત રેતીખડક, સિલિકાયુક્ત હોય તો ઑર્થોક્વાર્ટ્ઝાઇટ, લોહદ્રવ્ય હોય તો લોહદ્રવ્યયુક્ત રેતીખડક અથવા ક્યારેક લિમોટાઇટ, હેમેટાઇટ કે સિડેરાઇટ પણ બની શકે. રેતીયુક્ત ખડકોમાં ક્યારેક પાયરાઇટ, ફ્લોરાઇટ, બેરાઇટ, તાંબાના ખનિજકણો, ઍનહાઇડ્રાઇટ કે ચિરોડીના કણો પણ હોઈ શકે.
ગિરીશભાઈ પંડ્યા