રેડ્ડી, વિજયરાઘવ પી. (જ. 25 જૂન 1938, કોન્ડલોપલ્લી, જિ. કુડપ્પા, આંધપ્રદેશ) : હિંદી લેખક. આગ્રા હિંદી સાથે એમ.એ.; મૈસૂર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી તથા ભાષાશાસ્ત્રમાં ડિપ્લોમા મેળવ્યાં. હૈદરાબાદ ખાતે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હિંદીના વડા રહ્યા અને અધ્યાપનકાર્ય કર્યું. 1967–68 સુધી તેઓ ‘અરવિંદ’ માસિકના અતિથિ સંપાદક, 1975–78 સુધી ‘સંસ્થાન બુલેટિન’ના સંપાદક અને 1978–81 દરમિયાન સંશોધનવિષયક સામયિક ‘ગવેષણા’ના સંપાદકીય બૉર્ડના સભ્ય રહ્યા.
તેમની માતૃભાષા તેલુગુ હોવા છતાં હિંદીમાં 34 ગ્રંથો આપ્યા છે. ‘પડોશી દેશોં કી લોકકથાએં’ (1977), ‘લોકકથાએં : ઉત્તર પૂર્વાંચલ કી’ (1984), ‘મિઝોરમ કી લોકકથાએં’ (1987) – એ જાણીતી લોકકથાઓના તેમના સંચયો છે. ‘વ્યતિરેકી ભાષાવિજ્ઞાન’ (1986) ભાષાશાસ્ત્રને લગતી તેમની કૃતિ છે. ‘ડૉ. સી. આર. રેડ્ડી’ (1992) ચરિત્ર અને ‘સંગમ : ઉત્તર પૂર્વાંચલ’ (1994) સંસ્કૃતિ પરનો છે.
આ ઉપરાંત તેમણે આંધપ્રદેશ સરકાર માટે પાઠ્યપુસ્તકોનું સંપાદન કર્યું. તેઓ તિબેટો-બર્મનકુળની ભાષા અને સાહિત્યના તજ્જ્ઞ છે.
લોકકથાઓ અંગેના તેમના પ્રદાન બદલ તેમને ભારત સરકારનો ઍવૉર્ડ, ઉત્તરપ્રદેશ સરકારનો ઍવૉર્ડ તથા અન્ય વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા