રેડ્ડી, બી. નાગી (જ. 2 ડિસેમ્બર 1912, ગામ કુડ્ડાપાહ, આંધ્રપ્રદેશ) : ચલચિત્રનિર્માતા. મૂળ નામ : બુમ્મીરેડ્ડી નાગી રેડ્ડી. દક્ષિણ ભારતીય ચિત્રોના વિકાસમાં ઘણું મોટું યોગદાન આપનાર બી. નાગી રેડ્ડી માત્ર ચલચિત્રનિર્માતા જ નથી, તેઓ અગ્નિ એશિયામાં સૌથી મોટો ગણાતા વિજયાવાહિની સ્ટુડિયોના માલિક છે, આધુનિક સુવિધા ધરાવતી વિજયા હૉસ્પિટલ ઍન્ડ હેલ્થ સેન્ટર ધરાવે છે અને ખાસ તો વર્ષોથી બાળકોમાં અતિ પ્રિય ‘ચાંદામામા’ સામયિક એક કે બે નહિ, પણ અંગ્રેજી સહિત બાર ભારતીય ભાષાઓમાં પ્રગટ કરે છે. તેઓ એક ખેડૂતના પુત્ર છે.

અંગ્રેજી પાંચમા ધોરણમાં હતા ત્યારે જ ગાંધીજીએ કરેલા આહવાનથી પ્રભાવિત થઈને શાળાએ જવાનું છોડી દીધું હતું; પણ તેમના મોટા ભાઈના પગલે ચિત્ર-ઉદ્યોગમાં આવી ગયા. તેમના ભાઈ બી. એન. રેડ્ડી દક્ષિણ ભારતીય ચિત્રોમાં બહુ મોટું નામ ધરાવે છે. તેઓ પિતાના ડુંગળીની નિકાસ કરવાના ધંધામાં પડવા માંગતા નહોતા એટલે આંધ્રપ્રદેશના એક નાના ગામમાંથી ચેન્નાઈ જતા રહ્યા. ત્યાં ચલચિત્ર-ઉદ્યોગમાં ઝંપલાવતાં પોતાનાં ચિત્રોના પ્રચાર માટેની જવાબદારી તેમણે પોતાના ભાઈને સોંપી. આમ તેઓ આ વ્યવસાય સાથે સંકળાયા. બીજા વિશ્વયુદ્ધના સમયગાળામાં રેડ્ડી તેમની પાસેનું તમામ ગુમાવી ચૂક્યા હતા, પણ મિત્રોએ મદદ કરતાં તેમણે ‘બીએનકે’ નામનું એક પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું. આ પ્રેસમાંથી તેઓ ‘આંધ્ર જ્યોતિ’ નામનું એક છાપું પ્રગટ કરતા હતા, જે મૂળ તો આઝાદીની ચળવળને વરેલું હતું. પ્રેસમાં તેમને એક લેખક ચક્રપાણિની ખૂબ મદદ મળી. આ બંને જણાએ મળીને જ 1947માં બાળકો માટેનું સામયિક ‘ચાંદામામા’ શરૂ કર્યું. એ જ સમયગાળામાં તેમનો એક મિત્ર આર્થિક સંકટમાં આવી જતાં તેણે પોતાની માલિકીનો વાહિની સ્ટુડિયો રેડ્ડી પાસે ગીરવી મૂક્યો; પણ એ પછી એ મિત્રનું અવસાન થતાં સ્ટુડિયોના માલિક રેડ્ડી બની ગયા.

બી. નાગી રેડ્ડી

તેમણે સ્ટુડિયોને નવું નામ વિજય-વાહિની સ્ટુડિયો આપ્યું. આ સ્ટુડિયોમાં પ્રથમ ચિત્ર ‘શાવુકારુ’(1949)નું નિર્માણ થયું. તેનું દિગ્દર્શન એલ. વી. પ્રસાદે કર્યું હતું. સમયની સાથે આ સ્ટુડિયો વધુ ને વધુ વિકાસ કરતો ગયો અને દક્ષિણની તમામ ભાષાઓ ઉપરાંત હિંદીમાં પણ ચિત્રોનું નિર્માણ કર્યું. બી. નાગી રેડ્ડીએ આ સ્ટુડિયોમાં બનાવેલાં સફળ હિંદી ચિત્રોમાં ‘રામ ઔર શ્યામ’ (1967), ‘પ્રેમનગર’ (1974), ‘ઘરઘર કી કહાની’ (1970), ‘નન્હા ફરિશ્તા’ (1969), ‘જુલી’ (1975), ‘યહી હૈ જિંદગી’ (1977), ‘શ્રીમાન શ્રીમતી’ (1982) જેવાં સ્વચ્છ અને સામાજિક ચિત્રોનો સમાવેશ થાય છે. તેમણે બધાં મળીને પચાસથી વધુ ચિત્રોનું નિર્માણ કર્યું છે. 1987માં તેમને દાદાસાહેબ ફાળકે પારિતોષિક એનાયત કરાયું હતું. ઉલ્લેખનીય બાબત એ છે કે જે મોટા ભાઈને પગલે તેઓ ચિત્રોના વ્યવસાયમાં આવ્યા તેમને પણ દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ મળી ચૂક્યો છે. બે સગા ભાઈઓને દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ મળ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે.

હરસુખ થાનકી