રેડ્ડી, પી. ટી. (જ. 1915, એન્નારેમ, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. 1938માં તેમણે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1941માં તેઓ માતૃસંસ્થા સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટના ફેલો બન્યા. તેમણે તેમની કલાનું પ્રથમ વૈયક્તિક પ્રદર્શન 1940માં બૉમ્બે આર્ટ સોસાયટી ખાતે મુંબઈમાં ગોઠવ્યું. આ પછી તેઓ લગાતાર 50 વરસ સુધી કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, લખનૌ, દિલ્હી અને મુંબઈમાં નિયમિતપણે પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનોનું આયોજન કરતા રહ્યા. તેમણે બ્રિટન, ઑસ્ટ્રેલિયા, જાપાન, જર્મની, રશિયા, અમેરિકા, સ્વીડન, સ્વિટ્ઝર્લૅન્ડ, ગ્રીસ અને આર્જેન્ટીના ખાતે સમૂહ-પ્રદર્શનોમાં ભાગ લીધો છે. તેમને કેન્દ્રીય લલિત કલા અકાદમી, બૉમ્બે આર્ટ સોસાયટી, હૈદરાબાદ આર્ટ સોસાયટી તથા કોલકાતાની એકૅડમી ઑવ્ ફાઇન આર્ટ્સ તરફથી સન્માનવામાં આવ્યા છે. તે સમાજસુધારણા અને કર્તવ્યના સંદેશા આપતાં પોસ્ટરો જેવાં ચિત્રોનું સર્જન કરે છે. હાલમાં તેઓ હૈદરાબાદ ખાતે વસવાટ કરી કલાસર્જનમાં મગ્ન છે.

અમિતાભ મડિયા