રેડેપ્પાનાઇડુ, મોપુરી
January, 2004
રેડેપ્પાનાઇડુ, મોપુરી (જ. 1932, કાપુલાપાલેમ, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. કાકીનાડામાંથી શાલેય શિક્ષણ પ્રાપ્ત કરી, મેટ્રિક્યુલેશન પસાર કરી, ચેન્નઈની ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ ઍન્ડ ક્રાફ્ટમાં પ્રવેશ મેળવ્યો. અહીં એચ. વી. રામગોપાલ, એસ. ધનપાલ, કે. સી. એસ. પણિક્કર અને પ્રિન્સિપાલ દેવીપ્રસાદ રાયચૌધરી પાસે પાંચ વર્ષ લાંબી તાલીમ મેળવી. વિદ્યાર્થીકાળથી જ ચેન્નઈની યુસિસ (USIS) ઑફિસના એક અધિકારી હૅરોલ્ડ ટુફ્ટી પ્રત્યેક માસે તેમની બે-ત્રણ ચિત્રકૃતિઓ ખરીદતા રહ્યા, જેને કારણે રેડેપ્પાનાઇડુને ઉત્તેજન મળતું રહ્યું.
વિદ્યાર્થીકાળથી જ રેડેપ્પાનાઇડુને બંગાળ શૈલી તેમજ ચેન્નઈમાં ફૅશનેબલ બનેલી અને કે. સી. એસ. પણિક્કરે પ્રવર્તાવેલી નવતાંત્રિક (neotantric) શૈલી તરફ કોઈ આકર્ષણ ન જન્મ્યું. વિદ્યાર્થીકાળ અને તે પછીનાં થોડાં વરસો સુધી તેમનો મુખ્ય વિષય ભેંકાર ભૂતાવળોનો પરાવાસ્તવવાદ (surrealism) રહ્યો. 1960માં અભ્યાસ પૂરો કર્યો. 1961થી 1963 સુધી તેમણે તામિલનાડુ અને આંધ્રપ્રદેશનાં ચર્ચ અને કથીડ્રલો ચીતર્યાં.
1963માં રેડેપ્પાનાઇડુએ ગવર્ન્મેન્ટ ઑવ્ ઇન્ડિયાના ‘ધ વીવર્સ સર્વિસ સેન્ટર’માં ટૅપેસ્ટ્રી ડિઝાઇનર તરીકે સરકારી નોકરી મેળવી. હવે તેમને આંધ્ર, તામિલનાડુનાં હિંદુ મંદિરોનાં દેવદેવીની પ્રતિમાઓમાં રસ પડ્યો. પરિણામે એમણે એ પ્રતિમાઓનો અભ્યાસ કરીને નિજી આધુનિક શૈલીમાં તેમને ચીતરવી શરૂ કરી. વેંકટેશ્વર, મરી અમ્માન ઉપરાંત ગામડાંની સાદી મૂર્તિઓને પણ પોતાની શૈલીમાં ઉતારી.
1971માં રેડેપ્પાનાઇડુએ મહાભારત પર વિશાળ કૅન્વાસોની લાંબી શ્રેણી ચીતરવી શરૂ કરી, જે 1981 સુધી ચાલી. 1982થી રામાયણ પર વિશાળ કૅન્વાસોની લાંબી શ્રેણી ચીતરવી શરૂ કરી.
1990માં તેમણે ‘ધ વીવર્સ સર્વિસ સેન્ટર’માંથી નિવૃત્તિ લીધી. આ સમયે તે ડેપ્યુટી ડિરેક્ટર હતા.
રેડેપ્પાનાઇડુને 1962માં રાષ્ટ્રીય લલિત કલા અકાદમીનો રાષ્ટ્રીય ઍવૉર્ડ અને 1969થી 1971 દરમિયાન ત્રણ વાર આંધ્રપ્રદેશ લલિત કલા અકાદમીના ઍવૉર્ડ મળ્યા છે. 1988માં તે ‘તામિલનાડુ ઓવિયા નુન્કાલાઈ કુઝુ’ના માનાર્હ સભ્ય તરીકે ચૂંટાયા. 1958થી 1990 સુધીમાં તેમણે દેશવિદેશમાં પોતાનાં ચિત્રોનાં કુલ દસ વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. આ ઉપરાંત પૅરિસ, સાઓ પાઓલો (બ્રાઝિલ), દિલ્હી, ભોપાલ, લંડન, બર્લિન, મુંબઈમાં યોજાયેલાં સમૂહ-પ્રદર્શનોમાં ભાગ લીધો છે.
દેશવિદેશના અનેક અંગત સંગ્રહો ઉપરાંત નીચેની જાહેર સંસ્થાઓમાં તેમનાં ચિત્રો કાયમી ધોરણે સંગ્રહાયેલાં છે :
(1) નૅશનલ ગૅલેરી ઑવ્ મૉડર્ન આર્ટ, નવી દિલ્હી; (2) લલિત કલા અકાદમી, નવી દિલ્હી; (3) સાઉથ ઝોન કલ્ચરલ સેન્ટર, તાંજાવુર; (4) તમિળ યુનિવર્સિટી, તાંજાવુર; (5) આંધ્ર પ્રદેશ લલિત કલા અકાદમી, હૈદરાબાદ; (6) તામિલનાડુ ઓવિયા નુન્કાલાઈ કુઝુ, ચેન્નઈ, (7) ચેન્નઈ; ગવર્ન્મેન્ટ મ્યુઝિયમ; (8) બિર્લા એકૅડેમી, કોલકાતા; (9) ધૂમીમાલ આર્ટ સેન્ટર, દિલ્હી.
અમિતાભ મડિયા