રેડિયો-ઍક્ટિવ ખનિજો : રાસાયણિક બંધારણની દૃષ્ટિએ આવશ્યક રીતે યુરેનિયમ અથવા થોરિયમ જેવાં રેડિયો-ઍક્ટિવ તત્વો ધરાવતાં ખનિજો.
લગભગ બધાં જ રેડિયો ઍક્ટિવ ખનિજો તેમના રાસાયણિક બંધારણમાં યુરેનિયમ અને થોરિયમ ધરાવે છે. આવાં ખનિજો રત્નો અને ખડકોમાં, જેમાં પેગ્મેટાઇટ, ગ્રૅનાઇટ વગેરે મળી આવે તેવી ખાણોમાંથી ઉપલબ્ધ થાય છે.
રેડિયો ઍક્ટિવ ખનિજોના 6 પ્રકારો છે :
- યુરેનાઇટ Uranite
- થોરીઆનાઇટ Thorianite
- મોનાઝાઇટ Monazite
- કાર્નોટાઇટ Carnotite
- બ્રાનેરાઇટ Brannerite
- ડેવીડાઇટ Davidite
યુરેનાઇટ : જ્યારે યુરેનિયમ ખનિજ સ્વરૂપમાં મેળવવું હોય ત્યારે યુરેનાઇટની ખોજ કરવાની હોય છે. આથી એમ કહી શકાય કે યુરેનાઇટ એ પ્રાથમિક (primary) યુરેનિયમ મેળવવાની કાચી ધાતુ છે.
યુરેનાઇટ એ યુરેનિયમ ઑક્સાઇડનું રાસાયણિક સ્વરૂપ છે. આને પીચ બ્લેન્ડ (pitchblende) તરીકે ઓળખવામાં આવે છે. પીચ બ્લેન્ડ સુરક્ષિત મોટા જથ્થામાં મળી આવે છે.
થોરીઆનાઇટ : થોરીઆનાઇટ ખનિજની યુરેનાઇટ સાથે સરખામણી સરખી ઊતરે, કારણ કે જેમ યુરેનિયમ યુરેનાઇટમાંથી મળે છે તેમ થોરિયમ થોરીઆનાઇટમાંથી ઉપલબ્ધ થાય છે.
આ અન્ય રેડિયો ઍક્ટિવ ખનિજ – થોરી ઓક્સાઇડના રાસાયણિક સ્વરૂપે મળે છે.
યુરેનિયમ કરતાં થોરિયમની રેડિયો ઍક્ટિવ માત્રા ઓછી છે, પરંતુ તેના થોરિયમનાંક રેડિયો ઍક્ટિવ, કિરણોના જોખમથી બચવાનું વધુ અઘરું અથવા મુશ્કેલ છે.
આ ખનિજ દક્ષિણ આફ્રિકા અને એશિયાના દેશોમાં રેતી અને પેગ્મેટાઇટમાં તથા મિસુરી, સ્કોટ નદીના તટ પરથી કાળી માટીમાંથી મળે છે.
મોનાઝાઇટ : રાસાયણિક ધાતુ (rare earth)
મોનાઝાઇટ અલ્પ પ્રમાણમાં મળતું ખનિજ છે, જેમાંથી થોરિયમ રેડિયો ઍક્ટિવ ખનિજ મળે છે. મોટે ભાગે આ ખનિજ ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં મળે છે. તદ્ઉપરાંત અમેરિકામાં ફ્લોરિડાના દરિયાઈ તટ પર રેતીના થરમાં ઉપલબ્ધ છે.
કાર્નોટાઇટ : કાર્નોટાઇટ એ ગૌણ (secondary) યુરેનિયમ ખનિજ છે. તેમાં યુરેનિયમ, વેનેડિયમ અને પોટૅશિયમ તત્ત્વો છે. તેની રેડિયો ઍક્ટિવ માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે.
બ્રેનેરાઇટ : સોનાની ખાણના વિસ્તારમાં બ્રેનેટાઇટ મળી આવે છે. તદ્ઉપરાંત quartzમાં સ્ફટિક સ્વરૂપે જોવા મળે છે. તેમાં યુરેનિયમ તત્ત્વ હોય છે.
બ્રેનેરાઇટ કાળા, સ્લેટ રંગ અથવા કથ્થાઈના રંગમાં જોવા મળે છે.
ડેવિડાઇટ : ખૂબ ગૌણ જથ્થામાં આ રેડિયો ઍક્ટિવ ખનિજ યુરોપ, રશિયા અને મધ્ય પૂર્વ એશિયાના દેશોમાં ઉપલબ્ધ છે.
દાણાદાર, ઘેરા રંગના સ્ફટિકો ડેવિડાઇટના ખડકોમાં જોવા મળે છે.
હરગોવિંદ બે. પટેલ
પ્રકાશ ભગવતી
