રેડિયોલેરિયન મૃદ : છિદ્રાળુ, બિનસંશ્લેષિત મૃણ્મય કણજમાવટ. ઓપલસમ સિલિકાથી બનેલા રેડિયોલેરિયાના દૈહિક માળખાના અવશેષોમાંથી તે તૈયાર થાય છે. ઊંડા મહાસાગરના તળ પર જામતાં રેડિયોલેરિયન સ્યંદનોમાંથી તે બને છે. તેનાં છિદ્રો સિલિકાથી ભરાઈ જાય ત્યારે તૈયાર થતા કઠણ ખડકને રેડિયોલેરાઇટ કહે છે. રેડિયોલેરિયન મૃદ અને રેડિયોલેરાઇટ (ખડક) બંને શ્વેત કે ક્રીમ રંગનાં હોય છે. આ પ્રકારની મૃદમાં જોવા મળતા ગૌણ ઘટકોમાં મૅંગેનીઝના ગઠ્ઠા, શાર્કના દાંત તેમજ અપૃષ્ઠવંશી પ્રાણીઓના સખત અવશેષોનો સમાવેશ થાય છે. રેડિયોલેરાઇટ ડેવોનિયનથી માંડીને તૃતીય જીવયુગ સુધીની રચનાઓમાંથી મળી આવે છે.
ગિરીશભાઈ પંડ્યા