રેડફીલ્ડ, રૉબર્ટ (જ. 4 ડિસેમ્બર 1897, શિકાગો; અ. 16 ઑક્ટોબર 1958) : અમેરિકાના નૃવંશશાસ્ત્રી. તેમના પિતા બેરથા ડ્રેઇર રેડફીલ્ડ શિકાગોના ખ્યાતનામ વકીલ હતા. તેમનાં માતા પણ સુશિક્ષિત અને સંસ્કારી હતાં. રૉબર્ટ રેડફીલ્ડે શાળા અને કૉલેજ-શિક્ષણ શિકાગોમાંથી મેળવ્યું હતું. ઈ. સ. 1915માં તેમણે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ઈ. સ. 1920માં કાયદાની પદવી પ્રાપ્ત કરીને થોડોક સમય વકીલાત કરી.
1923માં તેમને મેક્સિકો જવાની તક મળી. ત્યાં તેમણે મેક્સિકન ઇન્ડિયન લોકો સાથે રહીને તેમનાં સમાજ અને સંસ્કૃતિનો અભ્યાસ કર્યો. આ અભ્યાસથી જ તેમને નૃવંશશાસ્ત્રમાં રસ જાગ્યો. નૃવંશશાસ્ત્રની પ્રથમ શોધના સ્વરૂપમાં એમણે સિસિલી અને મેક્સિકો-નિવાસીઓ પર કાર્ય કર્યું હતું. ત્યારપછી તેમણે મેક્સિકો અને મધ્ય અમેરિકાની સંસ્કૃતિઓના પ્રાચીન અને વર્તમાન સ્વરૂપનું પરીક્ષણ કર્યું હતું. સભ્યતા વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે ‘સભ્યતા વસ્તુત: એક પ્રકારનો પરંપરાગત વિવેક હોય છે.’ આ વિચારે રેડફીલ્ડને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી.
મેક્સિકોથી પાછા ફર્યા પછી તેમણે શિકાગો યુનિવર્સિટીમાંથી ઈ. સ. 1924માં નૃવંશશાસ્ત્રમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ઈ. સ. 1927માં તેઓ શિકાગો યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્ર વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયા. ઈ. સ. 1928માં તેમણે ડૉક્ટરેટની પદવી શિકાગો યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી. તેઓ સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્ર વિભાગના સહાયક પ્રાધ્યાપક બન્યા. ઈ. સ. 1930માં નૃવંશશાસ્ત્ર વિભાગને સમાજશાસ્ત્રથી અલગ પાડીને રૉબર્ટ રેડફીલ્ડને એસોસિયેટ પ્રોફેસર બનાવવામાં આવ્યા. 1934માં તેમને સમાજવિજ્ઞાન વિભાગના પ્રાધ્યાપક અને ડીન બનાવવામાં આવ્યા. આ પદે તેઓ 1946 સુધી રહ્યા. ઈ. સ. 1946માં તેઓ નૃવંશશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ અને પ્રમુખ બન્યા. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાં બાયૉલોજીનો અભ્યાસ કર્યો હતો.
રૉબર્ટ રેડફીલ્ડે 1940–1950ના સમયગાળા દરમિયાન નૃવંશશાસ્ત્રના ક્ષેત્રે સૈદ્ધાંતિક ભૂમિકાનું નિર્માણ કરીને મેસો-અમેરિકન નૃવંશશાસ્ત્રનો વ્યાપ વધાર્યો. તેમણે પછાત જાતિની સભ્યતાનો તુલનાત્મક અભ્યાસ કરીને સિદ્ધાંતો બાંધી આપ્યા.
નિવૃત્તિ બાદ રેડફીલ્ડે કાર્નેલ યુનિવર્સિટી, પૅરિસ યુનિવર્સિટી, ઉપસલા યુનિવર્સિટી, સ્વીડન અને અન્ય યુનિવર્સિટીમાં મુલાકાતી વ્યાખ્યાતા તરીકે અને કૂપર ફાઉન્ડેશનમાં સલાહકાર-પરામર્શક તરીકે સેવાઓ આપી. આ સિવાય ચીન, ભારત, યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘણા સંશોધન-અભ્યાસો હાથ ધર્યા. ફૉર્ડ ફાઉન્ડેશનની મદદથી અનેક સેમિનારો અને સંશોધન-પ્રકલ્પો હાથ ધર્યા. તેમાં તેમણે મિલ્ટન સિંગર જેવા વિદ્વાન માનવશાસ્ત્રીઓ અને માનવતાવાદીઓની મદદ લીધી હતી. તેમના આ અભ્યાસો સર્વગ્રાહી હતા.
ઈ. સ. 1955માં રેડફીલ્ડે ભારતની મુલાકાત લીધી. ડાઇમેન્શન ઑવ્ ઇન્ડિયન સિવિલાઇઝેશન કૉન્ફરન્સમાં ભાગ લીધો. તેઓ ભારતની સંસ્કૃતિનો, ભારતના આદિવાસીઓનો, ગ્રામીણ અને કૃષક સમાજનો અભ્યાસ કરવા માંગતા હતા, પરંતુ ગંભીર બીમારીને કારણે તેમને શિકાગો પાછા ફરવું પડ્યું.
ઈ. સ. 1958માં તેમણે એક સેમિનારમાં ભાગ લીધો. આ સેમિનારનું સંચાલન સેન્ટર ફૉર એડ્વાન્સ્ડ સ્ટડી ઇન બિહેવિયરલ સાયન્સ દ્વારા થયું હતું. આ પછી તેઓ બીમાર પડ્યા અને તેમણે ચિરવિદાય લીધી.
તેમનાં પ્રકાશનોમાં ‘ટેપોઝથાન’ (Tepoztuau) : – અ મેક્સિસન વિલેજ’ (1930); ‘ચન્કોમ્’ (1934); ‘ફોક કલ્ચર ઑવ્ યુકાન્ટન’ (1941); ‘ધ લિટલ કમ્યૂનિટી ઍન્ડ પેઝન્ટ સોસાયટી ઍન્ડ કલ્ચર’ (1956); ‘ધ પ્રિમિટિવ વર્લ્ડ ઍન્ડ ઇટ્સ ટ્રાન્સફર્મેશન’ (1953); ‘થિન્કિંગ અબાઉટ સિવિલાઇઝેશન’ (1955); ‘ધ સોશિયલ યૂસેજ ઑવ્ સોશિયલ સાયન્સિઝ’ વગેરેનો સમાવેશ થાય છે. તેમનું પ્રદાન નૃવંશશાસ્ત્રમાં મહત્વનું છે.
હર્ષિદા દવે