રેખીય રચના (lineation) : ખડકની સપાટી પર કે ખડકદળની અંદર ખનિજ-ગોઠવણીથી અથવા સંરચનાથી ઉદભવતું દિશાકીય-રેખીય લક્ષણ. અગ્નિકૃત ખડકોમાં ઉદભવતી પ્રાથમિક પ્રવાહરચનાને કારણે અથવા જળકૃત ખડકોમાં જોવા મળતી સ્તરરચનાને કારણે અથવા વિકૃત ખડકોમાં પરિણામી ખનિજોથી ગોઠવાતા એક-દિશાકીય આકારથી, જુદી જુદી પ્રસ્તર-તલસપાટીઓ અને સંભેદના આડછેદથી, સ્ફટિકોના વિશિષ્ટ વિકાસથી રેખીય સ્થિતિ ઉદભવે છે.
દાબનાં પ્રતિબળોને કારણે ખડકોમાં ઉદભવતું ગેડીકરણ એક-દિશાકીય ગેડ-અક્ષ દર્શાવે છે. મૃદુ-ખડકોની સપાટીઓ પર નાની નાની એક-દિશાકીય કરચલીઓ ઉદભવતી હોય છે. તણાવનાં પ્રતિબળોને કારણે એક દિશામાં લંબાયેલી સ્તરભંગરચના થતી હોય છે. ખડકવિભાગો ખસતી વખતે સ્તરભંગ-સપાટીઓ પર અમુક ચોક્કસ દિશામાં (સંચલન-દિશામાં) સળ, ઘસરકા, મુલિયન (તરંગશીર્ષ-તરંગગર્ત જેવી) સંરચના જેવાં લક્ષણો તૈયાર થતાં હોય છે. તણાવથી બરડ ગુણધર્મવાળી શિરાઓ ખેંચાઈને વીક્ષાકાર સ્વરૂપે તૂટે ત્યારે રેખીય લક્ષણ દર્શાવે છે (દા.ત., બૉડિનેજ). ખડકોમાં ઉદભવતા સાંધા, શિસ્ટ-સંરચના, નાઇસ-સંરચના, પત્રબંધી, સ્લેટ-સંભેદ, શિસ્ટમાં ગોઠવાતા ગાર્નેટ ખનિજ-સ્ફટિકોની હાર, પ્રિઝ્મૅટિક કે સોયાકાર હૉર્નબ્લેન્ડ સ્ફટિકોની રેખીય સ્થિતિ, અબરખ કે ક્લોરાઇટ જેવાં પતરીમય કે તકતીઆકાર ખનિજોની રેખીય ગોઠવણી, ક્વાર્ટ્ઝ કે ફેલ્સ્પારનાં દબાઈ-ખેંચાઈને ચપટાં કે અંડાકાર કે વીક્ષાકાર થયેલાં સ્વરૂપોની વિકૃત ખડકોમાં સમાંતર-રેખીય ગોઠવણી, અંતર્ભેદનો સાથેની ખડક-સંપર્ક-સપાટીઓ પર તૈયાર થતાં ખનિજોની રેખીય સ્થિતિ – આ બધાં જ રેખીય રચનાનાં ઉદાહરણો છે.
કેટલાંક રેખીય લક્ષણો ખડક-સહજાત ઉત્પત્તિસ્થિતિથી તો કેટલાંક પરિણામી કે વારસાગત હોય છે. રેખીય લક્ષણની સ્થિતિ પરથી તે કેવી રીતે ઉદભવ્યાં હશે તેનો અને તે વિસ્તાર પર લાગેલા દાબનાં કે તણાવનાં પ્રતિબળોની તત્કાલીન પરિસ્થિતિનો તાગ મેળવી શકાય છે.
રેખીય રચના સાથે સંબંધિત પણ વિશાળ વિસ્તાર આવરી લેતું મહાલક્ષણ ‘લિનિયામેન્ટ’ તરીકે ઓળખાય છે; દા.ત., મહાસીમાસ્તરભંગ, ફાટખીણો, લંબાયેલી ટેકરીઓ/ડુંગરધારો, પર્વતમાળા, સીધી તટરેખા, દ્વીપચાપ, જ્વાળામુખીની કે અંતર્ભેદકોની હાર. ઘણી લાંબી રેખીય સ્થિતિમાં ગોઠવાયેલાં આવાં ભૂમિસ્વરૂપોનું સ્થળદૃશ્ય નકશા-કાર્ય દ્વારા જાણી શકાય છે અને તેમના અભ્યાસ પરથી ત્યાંના પ્રાદેશિક ભૂસંચલન-ઇતિહાસનો તાગ મેળવી શકાય છે.
ગિરીશભાઈ પંડ્યા