રેખાંશ (longitude) : પૃથ્વીના ગોળા પર ઉત્તર-દક્ષિણ પસાર થતાં કાલ્પનિક અર્ધવર્તુળો. પૃથ્વીના મધ્યબિંદુમાંથી વિષુવવૃત્તીય પરિઘ તરફ જતી 360 ત્રિજ્યાઓ જો તેના 360 સરખા ભાગ પાડે, તો વિષુવવૃત્ત પર છેદાતા પ્રત્યેક બિંદુમાંથી ગોળા પર ઉત્તર-દક્ષિણ પસાર થતી અને ઉ.-દ. ધ્રુવોને જોડતી આવી 360 રેખાઓ દોરી શકાય. આ રેખાઓ અન્યોન્ય પૂર્વ-પશ્ચિમ કોણીય અંતર દર્શાવતી હોવાથી તેમને રેખાંશ કહેવાય છે.
જો કોઈ એક વ્યક્તિ વિષુવવૃત્ત પરના કોઈ એક બિંદુએથી સીધેસીધી ઉત્તર (કે દક્ષિણ) તરફ સફર કરતી જાય અને બીજી વ્યક્તિ તે બિંદુથી 111 કિમી. (કે કોઈ પણ) અંતરે પૂર્વ કે પશ્ચિમે રહેલા વિષુવવૃત્ત પરના બીજા સ્થળેથી સીધેસીધી ઉત્તર (કે દક્ષિણ) તરફ સફર કરતી જાય, તો બંનેના પથ અલગ હોવા છતાં તે બંને ઉત્તર (કે દક્ષિણ) ધ્રુવના બિંદુ પર ભેગા થઈ જશે. આ પથ-રેખાઓને રેખાંશ તરીકે ઓળખાવી શકાય. આમ રેખાંશો એ પૃથ્વીના ગોળા પરનાં, ઉ.-દ. ધ્રુવોને જોડતાં અર્ધવર્તુળો છે. નકશાકારો પૃથ્વીના ગોળાને ત્રિપરિમાણી ચાપ આકારના 360 સરખા આડછેદોમાં વહેંચી નાખે છે. નજીક નજીકના બે આડછેદ વચ્ચેની તલસપાટી બહાર પડે ત્યારે રેખા તરીકે વર્તે છે, જેને નકશા પર રેખાંશ તરીકે ઓળખાવાય છે. જેમ કોઈ પણ સ્થાનના અક્ષાંશ માટે વિષુવવૃત્તના સંદર્ભમાં દિશાસૂચક સંજ્ઞા ઉ. કે દ. લખવાની પ્રથા છે, તેમ રેખાંશ માટે પણ ગ્રિનિચના સંદર્ભમાં દિશાસૂચક સંજ્ઞા પૂ. કે પ. લખાય છે.
રેખાંશ અને સ્થાન : લંડનમાં આવેલું ગ્રિનિચ એક વખત રૉયલ વેધશાળાનું મથક હોવાથી, આંતરરાષ્ટ્રીય કરાર મુજબ, ગ્રિનિચ પરથી પસાર થતી રેખાને 0° રેખાંશ અથવા માનક રેખાંશવૃત્ત અથવા વિશેષ રેખાંશવૃત્ત તરીકે સર્વમાન્ય રાખવામાં આવેલી છે. બધા દેશો આ રેખાને 0° રેખાંશ તરીકે માન્ય ગણીને પૂર્વ અને પશ્ચિમ તરફના રેખાંશોની ગણતરી મૂકે છે. ગ્રિનિચથી પૂર્વ તરફ પૂર્વ રેખાંશ અને પશ્ચિમ તરફ પશ્ચિમ રેખાંશ કહેવાય છે. પૂર્વ તરફ 180° અને પશ્ચિમ તરફ 180° મળીને કુલ 360° ગણાય છે; જેમાં 180°નો રેખાંશ બંને તરફની ગણતરીમાં એકરૂપ થઈ રહે છે, તેથી તે એક જ રેખાંશ છે, બે નથી. પૂર્વ તરફના રેખાંશોવાળો ભાગ પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ તરફના રેખાંશોવાળો ભાગ પશ્ચિમ ગોળાર્ધ કહેવાય છે.
રેખાંશો દ્વારા નકશામાં પૂર્વ અને પશ્ચિમનાં અંતરો માપી શકાય છે. અક્ષાંશ-રેખાંશના છેદબિંદુ પરથી જે તે સ્થળનું સ્થાન નિશ્ચિત કરી શકાય છે. દા.ત., અમદાવાદનું સ્થાન 23° 01´ ઉ. અ. અને 72° 37´ પૂ. રેખાંશના છેદબિંદુ પર, કોલકાતાનું સ્થાન 22° 30´
ઉ. અ. અને 88° 30´ પૂ. રે.ના છેદબિંદુ પર આવેલું છે. નાવિકો અને વિમાનચાલકો તેમનાં જહાજ હંકારવા માટે સ્થાન નક્કી કરવામાં રેખાંશની મદદ લે છે.
વિષુવવૃત્ત પરના કોઈ પણ બે રેખાંશ વચ્ચેનું અંતર 111 (111.32) કિમી. જેટલું એકસરખું રહે છે, પરંતુ ઉ. કે દ. તરફ જતાં તે ક્રમશ: સાંકડા થતા જાય છે, રેખાંશો વચ્ચેનું અંતર ઘટતું જાય છે અને ધ્રુવબિંદુઓ પર શૂન્ય બની રહે છે; દા.ત., સ્પેનના મૅડ્રિડ નજીકના બે રેખાંશ વચ્ચેનું અંતર 61 કિમી., લંડન નજીક તે 48 કિમી. અને વધુ ઉત્તરે આવેલા ઉત્તર ધ્રુવ નજીકના અલાસ્કામાં તે ઘણું ઘટી જાય છે. આમ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતાં રેખાંશો વચ્ચેનાં કોણીય અંતર ઘટતાં જાય છે. કોઈ પણ એક અક્ષાંશ પર તે એકસરખું રહે છે, વિષુવવૃત્ત પર તે મહત્તમ હોય છે.
રેખાંશ અને સમય : પૃથ્વી અક્ષભ્રમણ કરતી હોવાથી, પૃથ્વીની સપાટી પરનું કોઈ પણ સ્થાન 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. આ આંટો તે સ્થાન માટે વર્તુળ બનાવે છે; જેના 360 સરખા ભાગ પાડી શકાય છે. પૃથ્વી પરનું કોઈ પણ બિંદુ 24 કલાકમાં એક વાર સૂર્યની બરોબર નીચે આવે છે, એટલે કે એક કલાકમાં 360ના ભાગ અર્થાત્ 15° સૂર્યની નીચેથી પસાર થાય. આમ એક કલાકના સમયગાળામાં 15° રેખાંશ વચ્ચેનું અંતર પસાર થયું ગણાય.
પ્રત્યેક રેખાંશ 60 સરખા વિભાગોમાં અને પ્રત્યેક વિભાગ 60 પેટાવિભાગોમાં વહેંચી નાખવામાં આવેલો છે. રેખાંશના એક વિભાગને મિનિટ (કળા) અને એક પેટાવિભાગને સેકંડ (વિકળા) કહે છે. એક મિનિટ 1´ અને એક સેકંડ 1´´ જેવી સંજ્ઞાથી દર્શાવાય છે, જે અંતરની સમજ આપે છે. નીચેની સારણી સમયના પાંચ એકમો અને સમકક્ષ અંતરની સમજ આપે છે.
જેમ ગ્રિનિચ પરથી પસાર થતું 0° રેખાંશવૃત્ત માનાંક-રેખાંશ ગણાય છે, તેમ 180° નું રેખાંશવૃત્ત આંતરરાષ્ટ્રીય તિથિરેખા (દિનાંતર રેખા) ગણાય છે. 180° રેખાંશવૃત્ત ઓળંગીને પશ્ચિમે આવેલ વ્યક્તિ
નવો દિવસ ગણે છે અને પોતાનાં તારીખ, વાર બદલે છે; પૂર્વ તરફ ગયેલ વ્યક્તિ એક દિવસ અગાઉનાં તારીખ, વાર ગણે છે; આમ તિથિરેખા ઓળંગનાર જે તે વિસ્તારનાં ચાલુ તારીખ, વાર અપનાવે છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર-રેખાનું આ વિશિષ્ટ મહત્વ છે.
સમયમાપન અને સમયગણતરીની અનુકૂળતા માટે દરેક દેશ પોતપોતાનો સમયવિસ્તાર (time zone) નક્કી કરે છે. ઓછા રેખાંશો આવરી લેતા નાના વિસ્તારવાળા દેશો, મધ્યનું કોઈ એક સ્થળ પસંદ કરી પોતાનો પ્રમાણસમય (standard time) નક્કી કરે છે; જ્યારે યુ.એસ., કૅનેડા, રશિયા જેવા પૂર્વ-પશ્ચિમ વધુ વિસ્તારવાળા દેશોમાં એક કરતાં વધુ પ્રમાણસમય હોય છે. ભારત માટે મધ્યમાં આવેલું અલ્લાહાબાદ (82° 30´ પૂ. રે.) પસંદ કરવામાં આવેલું છે, જેના સ્થાનિક સમયને આખા દેશ માટેનો પ્રમાણસમય ગણવામાં આવે છે. ભારતનો રેખાંશ-વિસ્તાર 68° 7´ પૂર્વ રેખાંશથી 97° 45´ પૂર્વ રેખાંશ સુધીનો છે.
ગિરીશભાઈ પંડ્યા