રેઇનર, ઍર્નુલ્ફ (Rainer Arnulf) (જ. 1929, વિયેના નજીક બાડેન, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન ચિત્રકાર. 1947માં તેઓ પૉલ નૅશ, ફ્રાંસિસ બેકન, સ્ટૅન્લી સ્પેન્સર અને હેન્રી મુરની કલાકૃતિઓથી પ્રભાવિત થયા. 1948માં પરાવાસ્તવવાદી કલાસિદ્ધાંતોનો અભ્યાસ કર્યો, જેની ચિરસ્થાયી અસર તેમના કલાસર્જન પર પડી. રેઇનરે 1949માં વિયેનાની સ્કૂલ ઑવ્ એપ્લાઇડ આર્ટ તેમજ વિયેના એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટમાં વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો, પણ બંનેનો તેમણે એક જ સપ્તાહમાં ત્યાગ કર્યો.
1950માં ઑસ્ટ્રિયન ચિત્રકારો અર્ન્સ્ટ ફૂક્સ (Ernst Fuchs), ઍન્ટૉન લેહ્મ્ડન (Anton Lehmden), એરિક બ્રૉર (Eric Brauer), વૉલ્ફગૅન્ગ હોલેગા (Wolfgang Hollega) અને જોસેફ મિકલ (Joseph Mikl) સાથે ‘હુન્ડ્સ્ગ્રૂપ’ (Hundsgruppe) નામે કલાકારજૂથની સ્થાપના કરી, જેનો અર્થ થાય છે ‘કૂતરાંનું ટોળું’ !
1951માં રેઇનરે મારિયા લેસિન્ગ સાથે પૅરિસનો પ્રવાસ કર્યો. અહીં આંદ્રે બ્રેતોં સાથે તેમની મુલાકાત થઈ. અહીં આંખે પાટા બાંધીને તેમણે ‘બ્લાઇન્ડ પેઇન્ટિંગ’ કરવાં શરૂ કર્યાં. 1952માં બર્લિન અને ફ્રૅંકફર્ટમાં તેમણે પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. રેઇનરે 1953થી 1960 સુધી ઑટો મોઅર(Otto Mauer)ની સેંટ સ્ટીફન ગૅલરીમાં ઘણી વાર ચિત્રો પ્રદર્શિત કર્યાં. 1953થી 1964ની વચ્ચે કૅન્વાસની ખેંચને પરિણામે અન્ય સમકાલીન ચિત્રકારોનાં ચિત્રો સફેદ રંગથી ઢાંકી તેની પર પણ પોતાનાં ચિત્રો સર્જ્યાં. આવી રીતે 1961માં એક ઇનામવિજેતા કૃતિને ઢાંકી દેતાં રેઇનરની ધરપકડ થઈ.
1956થી ‘ક્રૂસિફિક્શન’ ચિત્રશ્રેણી ચીતરવી શરૂ કરી. અર્ન્સ્ટ ફૂક્સ સાથે 1959માં ઍકેડેમિક કલાનો વિરોધ કરતી ‘પિન્ટોરેરિયમ’ (Pintorarium)ની સ્થાપના કરી. 1963થી તેમણે માનસિક બીમાર માણસો દ્વારા ચિત્રિત ચિત્રો એકઠાં કરવાં શરૂ કર્યાં. 1963થી પશ્ચિમ બર્લિનમાં વસી તેમણે કલાસાધના કરી. 1965થી સ્વશરીર પર ચિતરામણ કરવાનું (body painting) શરૂ કર્યું. 1973થી પીંછીઓ નેવે મૂકી આંગળીઓ અને પંજાથી ચીતરવું શરૂ કર્યું.
1975માં તેમણે વનસ્પતિ અને પ્રાણીઓના ફોટોગ્રાફ પર ચીતરવું શરૂ કર્યું. 1977થી મૃત્યુ એમનાં ચિત્રોનો મુખ્ય વિષય બન્યો. 1978માં વિયેનામાં પોતાનાં ચિત્રોનું વૈયક્તિક પ્રદર્શન યોજ્યું. 1980માં ઑસ્ટ્રિયા તેમજ બેવેરિયામાં સ્ટુડિયો રાખી આંગળીઓ અને પંજા વડે ઈસુના ક્રૂસિફિક્શનનાં ચિત્રો ચીતરવાં શરૂ કર્યાં. 1981માં વિયેના એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટમાં તેઓ પ્રાધ્યાપક નિમાયા તેમજ બર્લિન એકૅડેમી ઑવ્ આર્ટના સભ્ય બન્યા. 1983માં હૅનોવર ખાતે પોતાનાં ચિત્રોનું વૈયક્તિક પ્રદર્શન યોજ્યું.
1985માં ઑસ્ટ્રિયાના ઝૂરિચ, ઇટાલીના તુરિન અને જર્મનીના આકેન નગરમાં પોતાની ચિત્રકલાનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. 1985થી વનસ્પતિ અને પ્રાણીઓ જ તેમની ચિત્રકલાનાં મુખ્ય અંગ બન્યાં. 1987માં તેમણે બ્રસેલ્સ ખાતે અને 1988માં કાસેલ ખાતે પોતાની ચિત્રકલાનું વૈયક્તિક પ્રદર્શન યોજ્યું. વળી 1989માં ન્યૂયૉર્ક, શિકાગો અને વિયેનામાં પોતાની ચિત્રકલાનાં વૈયક્તિક પ્રદર્શનો યોજ્યાં. હાલમાં (2003) તેઓ બેવેરિયા, તેમજ અપર ઑસ્ટ્રિયા અને વિયેનામાં રહી કલાસર્જન કરે છે અને વિયેનાની વિયેના એકૅડેમી ઑવ્ આર્ટમાં કલાનું અધ્યાપન કરે છે.
અમિતાભ મડિયા