રૅવેના (Ravenna) : ઉત્તર ઇટાલીમાં ઍૅડ્રિયાટિક સમુદ્રના પૂર્વ કિનારા પર આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 44° 25´ ઉ. અ. અને 12° 12´ પૂ. રે.. તે તેનાં કલાભંડારો અને સ્થાપત્યો માટે ખ્યાતિ પામેલું છે. આ ઉપરાંત તે ખેતીની પેદાશો અને અન્ય ઉત્પાદકીય ચીજવસ્તુઓનું મથક પણ છે. અહીં આવેલી 10 કિમી. લાંબી નહેર રૅવેના શહેરને ઍડ્રિયાટિક સમુદ્ર સાથે જોડે છે.
440ના અરસામાં બંધાયેલો ગાલા પ્લેસિડિયાનો રૅવેનાનો મકબરો અહીંનાં શરૂઆતનાં ખ્રિસ્તી સ્થાપત્યો પૈકીનો જૂનામાં જૂનો છે, એટલું જ નહિ, તે સ્થાપત્યનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. તેમાં રૅવેનાનાં કેટલાંક ખૂબ જ સુંદર ભાતચિત્રો (mosaics) તેમજ સાન વિતેઇલ, સેન્ટ એપૉલિનેર ન્યોવો ચર્ચમાં અને સેન્ટ એપૉલિનેર ઇન ક્લાસના ચર્ચમાં પણ સુંદર ભાતચિત્રો જોવા મળે છે.
આશરે 402થી 476માં અહીંના સામ્રાજ્યને ચાંચિયા અગ્રણી ઓડોસરે કબજે કરી લીધેલું. આ સમયગાળા સુધી તો રૅવેના પશ્ચિમ રોમન સામ્રાજ્યનું પાટનગર રહેલું. ત્યારબાદ ઑસ્ટ્રોગૉથના રાજા થિયોડૉરિકે ઓડોસરની હત્યા કરી અને રૅવેના કબજે કર્યું. તે પછીથી આશરે 540થી આઠમી સદી સુધી રૅવેના બાયઝેન્ટાઇન સામ્રાજ્યનો ભાગ રહેલું. 755થી 1860 સુધી રૅવેના પોપ-સંચાલિત રાજ્ય રહેલું. 1860માં તે ઇટાલીના સામ્રાજ્યનો ભાગ બન્યું.
જાહ્નવી ભટ્ટ