રૅમ્બો, જોહાન ઍન્ટૉન આલ્બાન (જ. 1790, જર્મની; અ. 1866, જર્મની) : રંગદર્શી જર્મન ચિત્રકાર. લક્ઝમબર્ગમાં બેનેડિક્ટાઇન મૉન્ક ફ્રેરે અબ્રાહમ દ’ ઓવલ પાસે 1803થી 1807 સુધી ચિત્રકલાની તાલીમ લીધી. આ પછી પૅરિસમાં 4 વરસ સુધી પ્રસિદ્ધ ફ્રેન્ચ ચિત્રકાર જાક લુઈ દાવિદ પાસે ચિત્રકલાની તાલીમ લીધી. 1812થી 1815 સુધી ટ્રાયર નગરમાં વ્યક્તિચિત્રકાર તરીકે નામના મેળવી. 1815થી 1816 સુધી જર્મનીની મ્યૂનિક અકાદમીમાં કલાનો વધુ અભ્યાસ કર્યો. 1816થી 1818 લગી સ્વિટ્ઝર્લૅન્ડ અને ઇટાલીનો વ્યાપક પ્રવાસ ખેડ્યો. 1818માં તેઓ રોમમાં સ્થિર થયા. 1819થી 1822 લગી ફરી ઇટાલીનો પ્રવાસ કર્યો અને તેનાં પ્રાચીન રોમન શિલ્પોનો અભ્યાસ કર્યો. 1822થી 1828 સુધી ટ્રાયરમાં ભીંતચિત્રો ચીતર્યાં. 1832થી 1842 લગી ફરી ઇટાલીનો વિસ્તૃત પ્રવાસ કર્યો. ઇટાલીના આટલા બધા લાંબા પ્રવાસો દરમિયાન એકઠી કરેલી મૂર્તિઓ માટે તેમજ રેનેસાંસ કાળનાં એકઠાં કરેલાં ચિત્રો માટે તેઓ ખ્યાતનામ બન્યા. 1844માં કોલોનના વાર્લાફ્શન મ્યુઝિયમના ક્યુરેટર બન્યા. 1849માં નેધરલૅન્ડ્ઝ, બેલ્જિયમ અને ઉત્તર ફ્રાન્સના પ્રવાસો કર્યા. 1854માં જેરૂસલેમની યાત્રા કરી.
રૅમ્બોનાં પોતે સર્જેલાં ચિત્રો પર રોમન, રેનેસાંસ સમયની કળાઓ ઉપરાંત ડ્યુરર અને હૉલ્બિનનો ઊંડો પ્રભાવ છે. પ્રશિયાના રાજા રૅમ્બોની કલાના સંગ્રાહક હતા.
અમિતાભ મડિયા