રૅમ્ઝી, નૉર્મન ફૉસ્ટર

December, 2024

રૅમ્ઝી, નૉર્મન ફૉસ્ટર (Ramsey, Norman Foster) (જ. 27 ઑગસ્ટ 1915, વૉશિન્ગટન ડી. સી., યુ.એસ.એ.; અ. 4 નવેમ્બર 2011,  મૅસેચૂસેટ્સ, યુ.એસ.એ.)  : પૃથક્કૃત દોલનશીલ ક્ષેત્રપદ્ધતિની શોધ માટે તથા હાઇડ્રોજન મેસર અને પરમાણ્વીય ઘડિયાળોમાં તેના ઉપયોગ માટે 1989નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ તેમને એનાયત થયો હતો.

પંદર વર્ષની ઉંમરે રિમ્ઝેએ કાન્સાસની લીવનવર્થ હાઈસ્કૂલમાંથી શાળાકીય અભ્યાસ પૂરો કર્યો. 1931માં તેઓએ કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી ઇજનેરીનો અભ્યાસ શરૂ કર્યો. તે દરમિયાન ગણિતમાં રસ જાગૃત થવાથી ગણિતને મુખ્ય વિષય તરીકે પસંદ કરી 1935માં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી પણ તે દરમિયાન ભૌતિકશાસ્ત્રમાં રુચિ કેળવાઈ. કેમ્બ્રિજ યુનિવર્સિટીની કેલેટ ફૅલૉશિપ મળતાં તેઓએ કૅવેન્ડિરા લૅબોરેટરીમાં લૉર્ડ રધરફર્ડ અને ગોલ્ડાબેરના હાથ નીચે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો. અહીં તેઓ ઍપલટન, બૉર્ન, ચૅડવિક, ડિરાક, ઍડિન્ગટન તથા જે.જે.થૉમસન જેવા પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોના સંપર્કમાં આવ્યા. અહીં કેમ્બ્રિજમાં તેમણે ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રનો અભ્યાસ કરી બીજી વખત સ્નાતકની પદવી પ્રાપ્ત કરી.

રૅમ્ઝીએ ગોલ્ડાબેર સાથે ચુંબકીય આઘૂર્ણ(magnetic moment) પર લખેલા સંશોધનપત્રને કારણે તેઓ ઈસિડોર રાબીના સંપર્કમાં આવ્યા અને કોલમ્બિયા યુનિવર્સિટીમાં રાબીના માર્ગદર્શન હેઠળ આણ્વિય પુંજ પર પીએચ.ડી.નો અભ્યાસ શરૂ કર્યો. રૅમ્ઝી હવે રાબીના સંશોધન-જૂથના સભ્ય બન્યા અને ડ્યૂટેરૉન ચુંબકીય ચતુર્ધ્રુવી (quadruole) છે તેવી શોધ કરી. 1940માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી અને વૉશિન્ગટન ડી.સી.ના કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટમાં તેઓ અધ્યેતા(fellow) બન્યા. તે પછી તેઓ અર્બાના-શેમ્પેઈનમાં આવેલી યુનિવર્સિટી ઑવ્ ઈલિનૉયમાં શૈક્ષણિક કાર્યમાં જોડાયા. તે સમયમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું અને મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(MIT)માં રેડિયેશન લૅબોરેટરીની સ્થાપના થઈ અને અહીં રાબી દ્વારા રૅમ્ઝીની નિમણૂક કરવામાં આવી. અહીં રેડારમાં કોટર દિષ્ટકારક(cavity magnetron)ના ઉપયોગ વડે ક્રાંતિકારી પરિવર્તન મેળવવાનું હતું. આ મહત્વના કાર્યમાં રૅમ્ઝીએ ભાગ ભજવ્યો.

1943માં રૅમ્ઝી મૅનહટન પ્રોજેક્ટમાં જોડાયા, જેમાં તેમણે ન્યૂક્લિયર શસ્ત્રોની રચના અને ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવવાની હતી. શસ્ત્ર સમિતિના તેઓ વડા હતા. તેઓ ફૅટ મૅન બૉમ્બ(Fat man bomb)ની રચનામાં સામેલ હતા તથા હિરોશીમા પર સફળતાપૂર્વક બૉમ્બ ફેંકાયાના સમાચાર તેમના દ્વારા વૉશિન્ગ્ટન ડી. સી.માં પહોંચાડવામાં આવ્યા હતા.

વિશ્વયુદ્ધ સમાપ્ત થતાં તેમણે  ફરીથી ભૌતિકશાસ્ત્રમાં સંશોધનકાર્ય શરૂ કર્યું. 1946માં રાબીને લૉન્ગ       આઈલૅન્ડમાં બ્રૂકહેવન નૅશનલ લૅબોરેટરીની સ્થાપના કરવામાં મદદ કરી અને અહીં ભૌતિકશાસ્ત્રના વડા તરીકે જવાબદારી નિભાવી. 1947માં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક બન્યા, જ્યાં તેમણે 40 વર્ષ કામ કર્યું. 1950માં તેઓ NATO(નૉર્થ ઍટલૅન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન)ના પ્રથમ વૈજ્ઞાનિક સલાહકાર બન્યા, જે દરમિયાન તેમણે યુરોપિયન વૈજ્ઞાનિકોની તાલીમ માટે અધ્યેતાવૃત્તિ (Fellowships), અનુદાન (grant) અને ઉનાળુ શૈક્ષણિક કાર્યક્રમોની શરૂઆત કરી.

રૅમ્ઝીએ તથા તેમના પીએચ.ડી. વિદ્યાર્થી ડૅનિયલ ક્લેપ્નરે આણ્વિક હાઇડ્રોજન મેસરની રચના કરી, જેના વડે હાઇડ્રોજન, ડ્યૂટેરિયમ તથા ટ્રિશિયમના અતિસૂક્ષ્મ બંધારણનો અભ્યાસ થઈ શકે. વળી આ અતિસૂક્ષ્મ બંધારણ (hyperfine structure) પર બાહ્ય વિદ્યુત તથા ચુંબકીય ક્ષેત્રની કેટલી અસર થાય છે તેનો અભ્યાસ કર્યો. હાઇડ્રોજન મેસર પર આધારિત પારમાણ્વીય ઘડિયાળોની રચનામાં પણ તેમણે ભાગ ભજવ્યો. આ કાર્ય માટે તેમને 1989માં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયેલો.

ફર્મી લૅબની રચના અને સ્થાપનામાં રૅમ્ઝીની મહત્વની ભૂમિકા હતી. 1982માં તેઓ નૅશનલ રિસર્ચ કાઉન્સિલના પણ વડા બન્યા. હાર્વર્ડ યુનિવર્સિટીમાં તેઓએ યુજીન હિગિન્સ પ્રોફેસર ઑવ્ ફિઝિક્સનું પદ શોભાવ્યું. 1996માં તેઓ નિવૃત્ત થયા અને નિવૃત્તિ પછી પણ સંશોધનક્ષેત્રે તેઓ કાર્યરત રહ્યા અને વિવિધ યુનિવર્સિટીઓમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. તેમના માર્ગદર્શન હેઠળ 84 વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1989ના નોબેલ પુરસ્કાર ઉપરાંત તેમને અનેક બીજા પુરસ્કારો, ચંદ્રકો અને ઇનામો મળેલાં છે. તેમનું 96 વર્ષની ઉંમરે અવસાન થયું.

પૂરવી ઝવેરી