રૂસો, હેન્રી (Rousseau, Henri) (જ. 21 મે 1844, લાવા, ફ્રાન્સ; અ. 12 સપ્ટેમ્બર 1910, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેન્ચ બિનતાલીમી (naive) ચિત્રકાર. સિંહ, વાઘ, મગર, ડાયનોસૉર જેવાં હિંસક પશુઓથી ભરચક વિષુવવૃત્તીય વરસાદી જંગલોનાં બારીક વિગતપૂર્ણ ચિત્રો સર્જવા માટે તે પ્રસિદ્ધ થયા હતા. પિતા લુહાર હતા. પોતે સાવ સાધારણ વિદ્યાર્થી હતા. શાળાનો અભ્યાસ પડતો મૂકી લશ્કરમાં ભરતી થયા અને ચાર વરસ સુધી સૈનિક રહ્યા. આ દરમિયાન મેક્સિકો જઈ આવેલા અન્ય ફ્રેન્ચ સૈનિકો પાસેથી વિષુવવૃત્તીય અને અયનવૃત્તીય ભૂમિનાં રસપ્રદ, રોચક, રંગીન અને અજાયબ સંભારણાં સાંભળી રૂસો મંત્રમુગ્ધ થઈ ગયા. એમની કલ્પનાશક્તિમાં અસાધારણ જાગૃતિ આવી. આમ છતાં, પોતે કદી ફ્રાન્સની ભૂમિની બહાર પગ ન મૂક્યો !
1868માં લશ્કરી સેવામાંથી નિવૃત્તિ લઈ લગ્ન કર્યું અને પૅરિસમાં સ્થિર થયા. અહીં સરકારી નોકરી સ્વીકારી અને પૅરિસ ટૉલ ઑફિસમાં અફસર બન્યા. હવે તે ‘લે દુનિયે’ (Le Douniev) [‘customs officer’] નામે પ્રસિદ્ધ બન્યા. જોકે પૅરિસ ટૉલ ઑફિસ કસ્ટમ્સનું કામ કરતી જ નહોતી. રૂસોને ચિત્રકામ માટે હજી પણ પૂરતો સમય મળતો. નવપ્રશિષ્ટતાવાદી (neo-classicist) રૂઢ ચિત્રો ચીતરવાનો તેમણે મનસૂબો કર્યો અને તેની તેઓ જાહેરાત પણ કરતા ફરતા. 1886માં તેમનું પ્રથમ ચિત્ર 1886ના વાર્ષિક ‘સેલોં દે ઇન્દિપેન્દાં’(Salon des Independants)માં પ્રદર્શિત થયું. આ સેલોંના પ્રદર્શનમાં ફ્રેન્ચ ઑફિશ્યલ અકાદમીના પ્રદર્શનમાં હડધૂત થતા ચિત્રકારો પોતાની કૃતિઓ પ્રદર્શિત કરતા. ફ્રેન્ચ ઑફિશ્યલ અકાદમીના સંકુચિત વિષયો અને શૈલી સાથે જે ચિત્રો બંધ ન બેસે તે બધાં અહીં પ્રદર્શિત થતાં, જેમાં મોટેભાગે ઇમ્પ્રેશનિસ્ટ (પ્રભાવવાદી) ચિત્રો રહેતાં. આવી રીતે લગાતાર સાત વરસ લગી રૂસોએ પોતાનાં ચિત્રો પ્રદર્શિત કર્યાં. આ ચિત્રોમાં ચિત્રિત પ્રત્યેક પદાર્થ બાલસહજ નિષ્ઠાથી બારીકીપૂર્ણ રીતે ચીવટપૂર્વક ચીતરવામાં આવ્યો હોવાથી રૂસોનો સાહજિક (naive) અભિગમ (રવૈયો) સ્પષ્ટ થતો જોવા મળે છે. એમણે આત્મચિત્રો ઉપરાંત પોતાની ઑફિસમાંની પોતાની બેઠકનાં ચિત્રો પણ ચીતર્યાં.
1888માં તેમની પત્ની મૃત્યુ પામી. 1893માં તેઓ ટૉલ ઑફિસમાંથી નિવૃત્ત થયા. એ જ વર્ષે તેઓ આલ્ફ્રેડ જેરી નામના યુવાન ફ્રેન્ચ લેખકને મળ્યા. જેરીએ સંપૂર્ણ સ્વશિક્ષિત ચિત્રકાર રૂસોની ફ્રેન્ચ બૌદ્ધિકો સાથે ઓળખાણ કરાવી. ફ્રાન્સની શીત ભૂમિની બહાર પગ ન મૂકનાર રૂસો દ્વારા ચિત્રિત ઉષ્ણ વિષુવવૃત્તીય અને અયનવૃત્તીય ઘનઘોર વરસાદી જંગલોનાં ચિત્રોથી ફ્રેન્ચ બૌદ્ધિકો ખૂબ પ્રભાવિત થયા. તેમનામાં રહેલો રૂઢ (conventional) ટૅકનિકલ કૌશલ્યનો અભાવ તેમનાં ચિત્રો માટે ઉપકારક અને તેથી જ એક આશીર્વાદસમાન સાબિત થયો. ચિત્રકારો પાબ્લો પિકાસો, રૉબર્ટ દેલોને તથા કવિ ગીલોમ ઍપોલિનેરે (Guillaume Appolinaire) તેમના મુખ્ય પ્રશંસકો બન્યા. વિડંબના એ હતી કે રૂસોનાં ચિત્રો સહેજ પણ એકૅડેમિક ન હોવા છતાં રૂસો એમ માનતા કે પોતાનાં ચિત્રો એકૅડેમિક શૈલીને પૂરી રીતે અનુસરે છે !
1899માં તેમણે બીજું લગ્ન કર્યું. બીજી પત્ની 1903માં મૃત્યુ પામી. હવે તેઓ ગરીબીમાં ખૂંપી ગયા હતા. કવિ ઍપોલિનેરે તેમને મદદ કરતા. એ જમાનાના મૉડર્ન આર્ટના સૌથી વધુ શક્તિશાળી અને વિખ્યાત આર્ટ ડીલર ઍમ્બ્રોઇસે વોલાર્દે રૂસોનાં ચિત્રો ખરીદવાં શરૂ કર્યાં. 1908માં પાબ્લો પિકાસોએ રૂસોના માનમાં મોટી મિજબાની ગોઠવી. તેમાં ફ્રાન્સના તે જમાનાના સૌથી વધુ જાણીતા વિવેચકો, આધુનિક ચિત્રકારો, શિલ્પીઓ, સાહિત્યકારો અને નટનટીઓ આમંત્રિત હતાં.
જાતભાતની વનસ્પતિઓના ઉપરાછાપરી વિકાસથી વીંટળાયેલાં જંગલોનાં તેમનાં ચિત્રોમાં પ્રત્યેક પાન બાલસહજ નિષ્ઠાથી વિગતવાર ચીતરાયેલું જોવા મળે છે. તેમાં કોઈ હિંસક પ્રાણી દર્શક સામે સંતાઈને ચુપકીદીથી તાકી રહેલું કે શિકાર કરતું જોવા મળે છે. આ માટે પૅરિસ બૉટનિકલ ગાર્ડનનાં ગ્રીન હાઉસિઝમાં જઈ રૂસોએ વિષુવવૃત્તીય ગરમ પ્રદેશોની વનસ્પતિઓનો અભ્યાસ કરેલો. ‘યેદીવીઘા’ઝ ડ્રીમ’ને રૂસોની શ્રેષ્ઠ કૃતિ ગણવામાં આવે છે. તેમાં ગીચ વિષુવવૃત્તીય જંગલની વનરાજિમાં મૂકેલા એક વિક્ટોરિયન સોફા પર એક રૂપાળી નગ્ન નવયૌવના આડી પડી છે. એના માથા પર પાછળથી મોટાં ફૂલો ઝૂલી રહ્યાં છે. આજુબાજુની ઝાડીમાં છુપાયેલા બે સિંહ અને એક હાથી ભાજીપાલા હેઠળ અર્ધ-આચ્છાદિત સ્થિતિમાં ડોકાય છે. નગ્ન નવયૌવના પાછળ ઘેરા રંગની ચામડી ધરાવતો એક બંસીધર બંસરી વગાડે છે. આ ચિત્ર અંગે ખુલાસો આપતાં રૂસોએ કહેલું : ‘પોતાના ઘરમાં સોફા પર ઊંઘતી પડેલી નવયૌવના ‘અસંભવિત’ ધરતી પર પહોંચી ગઈ હોવાનું સ્વપ્ન જુએ છે.’
અરૂઢ અને સાદી બાળસહજ રીતે ચીતરેલાં ચિત્રોના રૂસોએ આપેલા આવા બાળસહજ ખુલાસાઓએ તેનાં ચિત્રોને વધુ લોકપ્રિય અને આકર્ષક બનાવ્યાં. તેનાં અન્ય પ્રમુખ ચિત્રોમાં ‘વૉર’, ‘કાર્નિવલ ઈવનિંગ’, ‘ધ સ્લીપિંગ જિપ્સી’ અને ‘માયસેલ્ફ : પૉર્ટ્રેટ-લૅન્ડસ્કેપ’નો સમાવેશ થાય છે. રૂસોનો આધુનિક ચિત્રકલા પર ઘેરો પ્રભાવ પડ્યો. બિનતાલીમી (naive) ચિત્રકારોની પરંપરા શરૂ થઈ, જેમણે સીધી અભિવ્યક્તિના સરળતમ માધ્યમ રૂપે ટૅકનિકને નેવે મૂકી.
અમિતાભ મડિયા