રૂપાણી, વિજય (જ. 2 ઑગસ્ટ 1956, રંગૂન, બર્મા) : ગુજરાતના 16મા મુખ્યમંત્રી. રાજકોટ(પશ્ચિમ)ની બેઠક પરથી ધારાસભ્ય. વિજય રૂપાણીનો જન્મ ગુજરાતી પરિવારમાં મ્યાનમારના રંગૂનમાં થયો હતો. મ્યાનમારમાં રાજકીય અસ્થિરતા સર્જાતાં તેમના પિતા 1960ના દશકામાં રાજકોટ આવી ગયા હતા. વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલએલ.બી.નો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ દરમિયાન રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની વિદ્યાર્થીપાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા હતા. પછીથી સંઘમાં સક્રિય થઈને પ્રચારક તરીકે પણ કામ કર્યું હતું. ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ની સ્થાપના થઈ ત્યારથી તેમાં જોડાયા હતા અને સૌરાષ્ટ્રમાં પાર્ટીના પ્રચારક બન્યા હતા. રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનની 1987ની ચૂંટણી જીતીને તેઓ પ્રથમ વખત કૉર્પોરેટર બન્યા હતા. 1988થી 1996 દરમિયાન તેમણે રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન તરીકે જવાબદારી નિભાવી હતી. 1996થી 1997 સુધી તેઓ રાજકોટના મેયર બન્યા હતા. એ અરસામાં ગુજરાત ભાજપના જનરલ સેક્રેટરીની જવાબદારી મળી હતી. 2006માં તેમને ગુજરાત ટૂરિઝમના ચૅરમૅન બનાવાયા હતા. વિજયભાઈ 2006થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા.
2014માં રાજકોટ(પશ્ચિમ)ની બેઠક પરથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2014માં આનંદીબહેન પટેલ મુખ્યમંત્રી બન્યાં ત્યારે તેમની કૅબિનેટમાં વિજયભાઈને પરિવહન, શ્રમ અને રોજગાર તેમજ વૉટર સપ્લાયના મંત્રી તરીકેની જવાબદારી મળી હતી. 19મી ફેબ્રુઆરી, 2016ના રોજ વિજય રૂપાણી ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા હતા. ઑગસ્ટમાં મુખ્યમંત્રીપદની નવી જવાબદારી મળી ત્યાં સુધી તેઓ પ્રમુખપદે રહ્યા હતા.
7મી ઑગસ્ટ, 2016ના રોજ વિજય રૂપાણીએ ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણી વિજયભાઈના નેતૃત્વમાં લડાઈ હતી. ભાજપને ફરી વખત બહુમતી મળતાં વિજય રૂપાણી મુખ્યમંત્રીપદે સક્રિય રહ્યા હતા. વિજય રૂપાણીની આગેવાનીમાં જ તાલુકા પંચાયત- જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી થઈ હતી, જેમાં ભાજપને ઐતિહાસિક વિજય મળ્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રીપદે પાંચ વર્ષ કરતાં વધુ સમય રહેનારા વિજય રૂપાણી નરેન્દ્ર મોદી પછી બીજા મુખ્યમંત્રી છે. 11મી સપ્ટેમ્બર, 2021ના રોજ તેમણે મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું.
હર્ષ મેસવાણિયા