રૂપાટ ટાપુ (Rupat Island) : ઇન્ડોનેશિયાની મલાક્કાની સામુદ્રધુનીમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 2° 00´ ઉ. અ. અને 102° 00´ પૂ. રે. ઇન્ડોનેશિયાના રિયાઉ પ્રાંતના વહીવટ હેઠળનો ટાપુ. તે સુમાત્રાના પૂર્વ કિનારાથી થોડેક દૂર આવેલો છે. બંને વચ્ચે 5 કિમી.ની પહોળી ખાડી છે.
આ ટાપુ સમુદ્રસપાટીથી ઓછી ઊંચાઈ ધરાવે છે, તે ગોળાકાર અને કળણથી ભરપૂર છે. તેનો વ્યાસ આશરે 50 કિમી. જેટલો છે. ટાપુની આબોહવા ગરમ અને ભેજવાળી છે. વિષુવવૃત્તીય પ્રદેશ હોવાથી અહીં આખું વર્ષ ભારે વરસાદ પડે છે. ક્યારેક તે અનિયંત્રિત પૂરથી છવાઈ જાય છે. પરિણામે અહીં ખેતી કરવાનું અશક્ય બની રહે છે. આ ઉપરાંત તેમાં ખનિજો માટે ખનનકાર્ય પણ મુશ્કેલ છે. જે થોડીઘણી વસ્તી અહીં જોવા મળે છે તે કિનારાના સૂકા નીચા ભાગ પૂરતી સીમિત છે. ટાપુની મુખ્ય વસાહત તેના નૈર્ઋત્ય કિનારા પર આવેલા બાટુપાજંગ ખાતે જોવા મળે છે.
જાહ્નવી ભટ્ટ