રૂથીનિયા (Ruthenia) : યૂક્રેનમાં આવેલો ઐતિહાસિક પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 49° ઉ. અ. અને 32° પૂ. રે.ની આજુબાજુનો મધ્ય યુરોપનો આશરે 12,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે કાર્પેથિયન પર્વતોના દક્ષિણ ઢોળાવો પર તથા નજીકના નૈર્ઋત્યના ઊંચાણવાળા પ્રદેશો પર આવેલો છે. તેની પશ્ચિમે ચેકોસ્લોવૅકિયા, વાયવ્યમાં પોલૅન્ડ, નૈર્ઋત્યમાં હંગેરી, દક્ષિણે રુમાનિયા અને બાકીના ભાગમાં રશિયાઈ વિસ્તારો આવેલા છે. આ પ્રદેશની કુલ વસ્તી આશરે 11,96,000 (1990) જેટલી છે. ઊઝગોરોડ આ વિસ્તારનું મુખ્ય શહેર છે. તે રૂથિન-નિવાસીઓ અને રુસ્નિયાકોનો પ્રદેશ હોવાથી તેને રૂથીનિયા નામ અપાયેલું છે.

અહીંના મોટાભાગના લોકો ખેડૂતો છે. લાકડાં અને સિંધવ આ પ્રદેશની કુદરતી સંપત્તિ છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં લાકડાંની ચીજવસ્તુઓ, દારૂ, ટોપલીઓ, ભરતકામના નમૂનાઓ તથા ચામડાંની ચીજવસ્તુઓ બનાવવાના એકમોનો સમાવેશ થાય છે.

આજનો યૂક્રેન વિસ્તાર મધ્યયુગ દરમિયાન રૂથીનિયા તરીકે ઓળખાતો હતો. તે પછીથી ઑસ્ટ્રિયાના યૂક્રેનિયનો રૂથીનિયનો કહેવાતા થયેલા. દસમી સદીથી આ વિસ્તાર પર હંગેરીનું વર્ચસ્ અને શાસન હતું. પ્રથમ વિશ્વયુદ્ધ સુધી તે ઑસ્ટ્રિયા-હંગેરીનો એક ભાગ હતું. 1918માં તે ચેકોસ્લોવૅકિયા, પોલૅન્ડ અને રુમાનિયા વચ્ચે વિભાજિત થયું. ભૌગોલિક દૃષ્ટિએ તે ઘણા દેશોની સીમાઓ નજીક આવેલું હોવાથી તેમજ તેનું લશ્કરી વ્યૂહાત્મક સ્થાન મહત્ત્વનું હોવાથી જર્મની, હંગેરી, પોલૅન્ડ અને સોવિયેત સંઘ જેવા દેશોએ વીસમી સદી દરમિયાન આ પ્રદેશનો કબજો મેળવવા પ્રયાસો કરેલા. 1938માં તે માત્ર એક દિવસ પૂરતું સ્વતંત્ર રહી શકેલું, પરંતુ પ્રથમ વિયેના લવાદી કરાર હેઠળ હંગેરીએ તેની દક્ષિણ સીમા તરફની રૂથીરિયન ભૂમિપટ્ટી મેળવી લીધી; રૂથીનિયાનો બાકીનો ભાગ ચેકોસ્લોવૅકિયા અંતર્ગત સ્વ-વહીવટી પ્રાંત બન્યો. 1939માં હંગેરીએ બીજું વિશ્વયુદ્ધ શરૂ થવાના થોડા મહિનાઓ અગાઉ તેનો કબજો મેળવી લીધેલો. 1944માં સોવિયેત સંઘે તે લઈ લીધેલું; 1945–47માં તેને ટ્રાન્સ-કાર્પેથિયન વિસ્તાર તરીકે પોતાના વિસ્તાર(યૂક્રેન પ્રજાસત્તાક)માં જોડી દીધું. 1991ની સોવિયેત સંઘનાં રાજ્યોની ઊથલપાથલમાં યૂક્રેન પ્રજાસત્તાકે પોતાને સ્વતંત્ર રાજ્ય તરીકે જાહેર કરી દીધું, પરંતુ સોવિયેટ પ્રજાસત્તાક વિસ્તારોના સમવાયતંત્રના એક ભાગ તરીકે રહેવાની સંમતિ તેણે દર્શાવેલી છે.

ગિરીશભાઈ પંડ્યા