રૂઢ સંજ્ઞાઓ (conventional signs) : પૃથ્વી પરનાં ભૂપૃષ્ઠ લક્ષણો, જળપરિવાહનાં લક્ષણો તેમજ સાંસ્કૃતિક લક્ષણો રજૂ કરતી લઘુલિપિ. નકશો એ પૃથ્વીનું કે તેના કોઈ પણ ભાગનું ચોક્કસ માપમાં, પ્રક્ષેપની મદદથી કાગળની સમતલ સપાટી પર દર્શાવેલું સ્વરૂપ છે. વિવિધ પ્રકારના ભૌગોલિક નકશા જુદી જુદી જાતની માહિતી પૂરી પાડે છે. નકશામાં દર્શાવવામાં આવતી વિગતોનું પ્રમાણ તેના પ્રમાણમાપ (scale) ઉપર આધાર રાખે છે; પરંતુ નકશામાં દર્શાવેલ વિગતો તેમના પોતાના મૂળ સ્વરૂપમાં હોતી નથી; કારણ કે નકશો તૈયાર કરવા માટે વિગતોના પ્રમાણ ઉપરાંત કાગળ તેમજ વિસ્તારનું પરિમાણ પણ ધ્યાનમાં લેવાતું હોય છે. આથી વધુ સરળતા માટે નકશાઓમાં દર્શાવાતી વિગતોને રંગો, રેખાઓ, પ્રમાણભૂત ચિહનો કે ટૂંકા શબ્દોથી દર્શાવવામાં આવે છે. આ પ્રમાણે નકશાઓમાં ઉપયોગમાં લેવાતાં લક્ષણોને રૂઢ સંજ્ઞાઓ કહે છે.
સામાન્ય રીતે ઊંચાણ-નીચાણ કથ્થાઈ રંગથી; જળલક્ષણો વાદળી રંગથી; વનસ્પતિ લીલા રંગથી; કૃષિપેદાશોનો પ્રદેશ પીળા રંગથી; સીમાઓ અને વાહનવ્યવહાર માર્ગો કાળા રંગની રેખાઓથી તથા ધાર્મિક સ્થળો, શહેરો કે ગામડાંઓ જેવી વિગતો પ્રમાણભૂત ચિહનોથી કે ટૂંકા શબ્દો(અક્ષરો)થી કાળા રંગમાં દર્શાવાય છે; જેમ કે, પોસ્ટ ઑફિસ PO, પોલિસ સ્ટેશન PS, રેલવે સ્ટેશન RS, અનામત જંગલ RF, વિશ્રામગૃહ RH, ડાક બંગલો DB જેવા અક્ષરોથી દર્શાવાય છે.
રૂઢ સંજ્ઞાઓ : 1. કોટ વગરનું ગામડું, 2. કોટવાળું ગામડું, 3. ખંડિયેર ગામડું, 4. ઉજ્જડ સ્થાન (Deserted Site), 5. છૂટાંછવાયમી મકાનો અને ઝૂંપડાં, 6. છૂટાંછવાયાં કામચલાઉ (હંગામી) મકાનો અને ઝૂંપડાં, 7. કારખાનાનું ધુમાડિયું (Factory Chymney), 8. દેવળ, 9. મંદિર, 10. કબર, 11. બૌદ્ધ મંદિર (Pagoda), 12. મસ્જિદ, 13. ઇદગાહ, 14. કિલ્લો, 15. ટાવર (Watch-tower), 16. રણક્ષેત્ર (નામ અને વર્ષસહિત), 17. કબ્રસ્તાન, 18. રાઇફલ રેઇન્જ (Rifle Range), 19. હવાઈમથક, 20. ખનીજ તેલનો કૂવો, 21. કાચો કૂવો, 22. પાકો કૂવો, 23. ઝરો, 24. પાણીની પાઇપલાઇન, 25. ખનીજ તેલની પાઇપલાઇન, 26. વનસ્પતિ અને કાદવવાળી ભીની જમીન (Swamp or Marsh), 27. સામયિક તળાવ કે સરોવર, 28. કાયમી તળાવ કે સરોવર, 29. પથ્થરની ખાણ, 30. સાંકડા પટવાળો જલપ્રવાહ (ઝરણું) (એકવડી રેખાથી દર્શાવેલો), 31. પહોળા પટવાળો સામયિક જલપ્રવાહ (બેવડી રેખાથી દર્શાવેલો), 32. પહોળા પટવાળો કાયમી જલપ્રવાહ (બેવડી રેખાથી દર્શાવેલો), 33. જળધોધ, 34. જળપ્રપાત (Rapids), 35. નહેર, 36. બંધ, 37. ટેલિફોન લાઇન, 38. રજ્જુમાર્ગ, 39. બિનતારી સંદેશામથક, 40. બેમાર્ગી પહોળો રેલવે માર્ગ (Broad gauge railway double line), 41. એકમાર્ગી પહોળો રેલવે માર્ગ, રેલવે સ્ટેશનસહિત, 42. (અ) એકમાર્ગી અન્ય (સાંકડા) રેલવે માર્ગ (Other gauge railway – Single line); (બ) બેમાર્ગી અન્ય (સાંકડો) રેલવે માર્ગ, 43. રેલમાર્ગ અને સડક એક જ સપાટીએ એકબીજાને ઓળંગે (કાપે) તે સ્થાન (Level crossing), 44. રેલ ઉપર સડક, 45. સડક ઉપર રેલમાર્ગ, 46. નદી ઉપર પુલ, 47. કાચી સડક (માઈલદર્શક પથ્થર સાથે), 48. પાકી સડક, 49. ગાડાનો રસ્તો, 50. કેડી અથવા પગદંડી, 51. આંતરરાષ્ટ્રીય સીમા, 52. રાજ્યની સીમા, 53. જિલ્લાની સીમા, 54. તાલુકાની સીમા, 55. છાવણી-મેદાન (Camping Ground), 56. વાડી કે બગીચો, 57. છૂટાંછવાયાં વૃક્ષો, 58. ઝાંખરાંવાળી જમીન, 59. ઘાસ (ઊંચાઈ સાથે), 60. શંકુદ્રુમ જંગલો, 61. તાડનાં વૃક્ષો, 62. વાંસનાં જંગલો, 63. કેળનાં વૃક્ષો (Plantain Trees), 64. સમોચ્ચતામાન રેખાઓ, 65. ઊંચાઈદર્શક બેંચમાર્ક, 66. ઊંચાઈદર્શક ત્રિકોણમિતિ સ્થાન, 67. સ્પોટ હાઇટ (Spot height), 68. ડાકઘર (Post-Office), 69. તારઘર (Telegraph Office), 70. ડાક અને તારઘર (Post and Telegraph Office), 71. પોલીસ સ્ટેશન (Police Station), 72. ડાક બંગલો (Dak Bunglow), 73. આરામગૃહ (Rest House), 74. પ્રવાસીઓનું વિરામસ્થાન (Traveller’s Bunglow), 75. સર્કિટ હાઉસ (Circuit House), 76. અઠવાડિક બજાર, 77. અનામત જંગલો (Reserved Forest), 78. રક્ષિત જંગલો (Protected Forest), 79. રાજ્ય-જંગલો (State Forest), 80. ભરતી-ઓટવાળી નદી, 81. દીવાદાંડી, 82. રણપ્રદેશ, 83. દીવાપ્રકાશ (લાઇટ) સાથે જહાજ, 84. જકાતનાકું (ટોલનાકું).
દુનિયાના દરેક દેશના પ્રાકૃતિક નકશાઓમાં પણ ભૌગોલિક બાબતો દર્શાવવા માટે આ જ રંગો સ્વીકારાયેલા છે. એવી જ રીતે નકશામાં દર્શાવવામાં આવેલી રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ પણ આ જ દૃષ્ટિકોણને લક્ષમાં રાખીને કરવામાં આવે છે; જેથી કોઈ પણ પ્રવાસી જે તે દેશની ભાષા જાણતો ન હોય તોપણ તે પ્રદેશની માહિતી જાણી શકે છે. લશ્કરમાં પણ આ જ રૂઢ સંજ્ઞાઓને ઉપયોગમાં લેવાય છે, જેથી તેમના નાના નકશામાં વધુ માહિતી આપી શકાય.
જુદા જુદા દેશમાં ઉપયોગમાં લેવાતી રૂઢ સંજ્ઞાઓ નિયત કરેલી હોય છે, જોકે તેના સિદ્ધાંતો લગભગ એકસરખા હોય છે. ભારતમાં ‘સર્વે ઑવ્ ઇન્ડિયા’ તરફથી આ પ્રકારની રૂઢ સંજ્ઞાઓ તૈયાર કરવામાં આવેલી છે, જે એક ખાસ પત્રક(characteristic sheet)માં આપવામાં આવેલી છે. નકશાઓના વાચનમાં તેમજ તેમના અર્થઘટનમાં રૂઢ સંજ્ઞાઓનો ઝીણવટભર્યો અભ્યાસ જરૂરી છે. અગત્યની રૂઢ સંજ્ઞાઓ ઉપર આપવામાં આવેલી છે.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી