રૂટાઇલ : ટિટેનિયમધારક ખનિજ. રૂટાઈલ ઑક્સાઇડ – ખનિજ છે જે સામાન્ય કુદરતી રૂપે ટાઇટેનિયમ ઑક્સાઇડ (TiO2) તરીકે ઓળખાય છે. આ ખનિજ એનાટેઝ (TiO2) અને બુકાઇટ (TiO2) સાથે ત્રિરૂપતા ધરાવે છે. આની સ્ફટિક વ્યવસ્થા (Crystal System) ટ્રેટાગોનલ છે. આના સ્ફટિકો ટૂંકા પ્રિઝમેટિક તદ્ઉપરાંત પાતળા, લાંબા સોયાકાર, ઊભા રેખાંકનવાળા અને ખૂબ અલ્પપ્રમાણમાં પિરામિડલ સ્ફટિકોવાળા જોવા મળે છે.
આ ખનિજની અન્ય વિશિષ્ટતાઓમાં (1) પારદર્શકથી પારભાસક, (2) અપારદર્શક, (3) સંભેદઃ (Cleavage) સ્પષ્ટ, અસ્પષ્ટ, અંશતઃ હોઈ શકે. ચમક : તેજસ્વી, હીરક કે આછી ધાત્વિક. રંગ : રાતો (લાલ), કથ્થાઈથી રાતો પીળો, કેસરી, ભૂરાશ પડતો કે રાખોડી.
આ ખનિજમાં સામાન્ય રીતે impuritiesમાં Fe, Nb અને Ta જોવા મળે છે.
રૂટાઈલ કુદરતી રીતે રૂપાંતર (ઊંચા ઉષ્ણતામાન અને ભારે દબાણ હેઠળ) થયેલ અગ્નિકૃત ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. તદ્ઉપરાંત આ ખનિજ ભૌતિક સંકેન્દ્રણ સ્વરૂપે કંઠાર પ્રદેશમાં પણ પ્રાપ્ત થાય છે.
પ્રાપ્તિસ્થાનો : યુ.એસ.એ., કૅનેડા, બ્રાઝિલ, નૉર્વે, સ્વીડન, ફ્રાન્સ, ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ, જર્મની, ઑસ્ટ્રિયા, ચૅકોસ્લોવેકિયા, રૂમાનિયા, રશિયા તેમજ ભારતમાં મળે છે. સોય જેવા સ્ફટિકો ક્વાર્ટ્ઝની અંદર રહેલા હોય એવા રૂટાઈલ સ્વિટ્ઝર્લૅન્ડ અને બ્રાઝિલમાંથી મળી રહે છે.
ગિરીશભાઈ પંડ્યા
પ્રકાશ ભગવતી
