રુહર : જર્મનીના પશ્ચિમ ભાગમાં આવેલો કોલસાનાં ક્ષેત્રો સાથે સંકળાયેલો વિશાળ ઔદ્યોગિક વિસ્તાર. ભૌગોલિક સ્થાન : તે 51° 27´ ઉ. અ. અને 6° 44´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 7,330 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તે રહાઇન નદીની સહાયક નદી રુહરની નજીક વિસ્તરેલો હોવાથી તેનું નામ રુહર પડેલું છે. આખોય વિસ્તાર લંબચોરસ આકારમાં પથરાયેલો છે. તેના ચાર ખૂણાઓ નજીક હૅમ, લુડેનશીલ્ડ, મૉન્શેન-ગ્લૅડબાક અને વેસેલ આવેલાં છે. અહીંના લોકો આ પ્રદેશને બૃહદ રુહર-વિસ્તાર તરીકે પણ ઓળખે છે, તેમાં દક્ષિણે આવેલાં કૉલોન અને બૉનનો પણ સમાવેશ થાય છે.
લોકો : રુહર યુરોપનો અતિ ગીચ વિસ્તાર ગણાય છે. પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું 1991માં એકીકરણ થવાથી આ પ્રદેશની વસ્તી અંદાજે 90 લાખ સુધી પહોંચી છે (2001). ડૉર્ટમન્ડ, ડુઇસબર્ગ, ડસેલડૉર્ફ, એસ્સેન અને વુપર્ટલ આ વિસ્તારનાં મોટાં ગણાતાં ઔદ્યોગિક શહેરો છે. ડુઇસબર્ગથી ડૉર્ટમન્ડ સુધીનો રુહર નદી પરનો સમગ્ર વિસ્તાર એક સળંગ શહેર વિસ્તાર બની રહેલો છે.
રુહર ઔદ્યોગિક દૃષ્ટિએ દુનિયામાં ખૂબ જાણીતા બનેલા વિશાળ પ્રદેશો પૈકીનો એક ગણાય છે. અહીં કોલસાનાં વિશાળ ક્ષેત્રો આવેલાં છે. આ ક્ષેત્રોને આજુબાજુનાં લગભગ બધાં જ ઔદ્યોગિક મથકો સાથે સડકમાર્ગો, રેલમાર્ગો, જળમાર્ગો તેમજ નહેરમાર્ગોથી સાંકળી લેવામાં આવેલાં છે. રસાયણો, લોખંડ-પોલાદ અને કાપડ અહીંના અન્ય મુખ્ય ઉદ્યોગો છે.
ઇતિહાસ : ઓગણીસમી સદીના મધ્યકાળથી રુહર-વિસ્તારે જર્મનીના ઉદ્યોગોમાં મહત્વની ઓળખ ઊભી કરી છે. તેનાં વિશાળ કોલસાક્ષેત્રોએ પરિવહન માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડી છે, પરિણામે તે દુનિયાભરમાં અગત્યનું સ્થાન મેળવી શક્યો છે. 1871માં ફ્રાન્કો-પ્રશિયન યુદ્ધ થઈ ગયા બાદ આલ્સેસનો સંપૂર્ણપણે અને લોરેઇનના કેટલાક ભાગનો કબજો જર્મનીના હાથમાં ગયો. આને લીધે જર્મનીને એક લાભ એ થયો કે લોરેઇનનું લોહઅયસ્ક સરકારી જકાત વિના મળતું ગયું. આમાંથી રુહર એક વિશિષ્ટ ઔદ્યોગિક મથક તરીકે વિકસ્યું; પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોરેઇન ફરીથી ફ્રાન્સને હસ્તક ગયું. ફ્રાન્સને એમ લાગ્યું કે રુહર હવે માત્ર ખાણમથક જ બની રહેશે. જર્મન સરકારે લોરેઇનનું લોહઅયસ્ક ગુમાવવું પડ્યું હોવાથી, લોહ-ઉત્પાદકોને મોટી રકમો આપવા માંડી, તેમાંથી ઉદ્યોગપતિઓએ ધાતુગાળણ-એકમો શરૂ કર્યા, જેથી સ્વીડનના લોહઅયસ્કમાંથી લોખંડ બનાવી શકાય.
પ્રથમ વિશ્વયુદ્ધમાં ફ્રાન્સ અને બેલ્જિયમને થયેલું નુકસાન 1922 સુધીમાં ભરપાઈ કરી આપવામાં જર્મની પાછું પડવાથી ફ્રેન્ચ-બેલ્જિયન દળોએ જાન્યુઆરી 1923માં રુહરનો કબજો લઈ લીધો. આમ જર્મનીને નુકસાન ભરપાઈ કરી આપવાની ફરજ પાડી. આની સામે જર્મન સરકારે રુહરના કર્મચારીઓને નિષ્ક્રિય રહેવાની, ઉત્પાદન ઓછું કરવાની અને પ્રતિકાર કરવાની નીતિ અપનાવવા જણાવ્યું. ઉત્પાદન વધારવા ફ્રેન્ચોએ જર્મની પર સખત પગલાં લીધાં; પરંતુ તેઓ તેમાં નિષ્ફળ રહ્યા. રુહરનું ઉત્પાદન ઓછું થવાથી ફ્રાન્સ અને જર્મની બંને આર્થિક રીતે નબળાં પડતાં ગયાં. બંને દેશો રાષ્ટ્રીય નાદારી તરફ આગળ વધી રહ્યા હતા. છેવટે 1923ના સપ્ટેમ્બરની 27મી તારીખે જર્મનીએ નકારાત્મક વલણ બંધ કરીને રુહરમાં કામકાજના પ્રતિકારનો અંત આણ્યો; સાથે સાથે ફ્રાન્સને પણ લાગ્યું કે રુહરનો કબજો રાખવાથી કોઈ અર્થ સરશે નહિ. ડૉવેસ યોજનાની શરતો પ્રમાણે, ફ્રેન્ચ અને બેલ્જિયન દળોએ 1925ના ઑગસ્ટની પહેલી તારીખે રુહર પ્રદેશનો કબજો છોડી દીધો.
1933માં ઍડૉલ્ફ હિટલર જર્મનીમાં સત્તા પર આવ્યા. તેમણે નાઝી-યુદ્ધને યંત્રસામગ્રી પૂરી પાડવા માટે રુહર-ઉદ્યોગનો ઉપયોગ કરવા માંડ્યો. 1939–45ના બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, મિત્રરાજ્યો દ્વારા રુહર પર ઘણી બૉંબવર્ષા કરવામાં આવી. અમેરિકી લશ્કરે છેવટે રુહરનો કબજો મેળવી લીધો અને બ્રિટિશ દળોએ પણ આ વિસ્તારનો કબજો મેળવ્યો. 1946માં રહાઇનલૅન્ડ અને વેસ્ટફાલિયા વચ્ચેની પ્રાંતીય સીમાઓને રદ કરવામાં આવી અને રુહરને એક ઘનિષ્ઠ વિસ્તાર ગણવાનું ઠરાવ્યું. 1950ના દાયકાથી આ વિસ્તારનું અને પશ્ચિમ જર્મનીનું વિસ્તરતું અર્થતંત્ર રુહરની ઉત્પાદનવૃદ્ધિમાં પરિણમતું ગયું.
ગિરીશભાઈ પંડ્યા