રુય્યક (બારમી સદીનો પૂર્વાર્ધ) : કાશ્મીરી અલંકારશાસ્ત્રી. તેઓ ‘અલંકારસર્વસ્વ’ના લેખક તરીકે જાણીતા છે. તેમના પિતાનું નામ રાજાનક તિલક હતું. પિતા તિલકે આચાર્ય ઉદભટના ‘અલંકારસારસંગ્રહ’ ઉપર ટીકા લખી હતી. રુય્યકનું બીજું નામ રુચક હતું. કાશ્મીરી લેખકોને અપાતું ‘રાજાનક’ બિરુદ પણ તેમને આપવામાં આવ્યું હતું. પોતાના વિદ્વાન પિતા પોતાના ગુરુ હતા, એવો ઉલ્લેખ તેમણે મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પરની ‘સંકેત’ નામની ટીકામાં અને અન્ય ગ્રંથોમાં કર્યો છે. રુય્યકનો સમય બારમી સદીના પૂર્વાર્ધમાં નક્કી કરી શકાય, કારણ કે ‘શ્રીકંઠચરિત’ના લેખક મંખ પોતાના વિદ્વાન ગુરુ તરીકે રુય્યકનો પ્રશંસાભાવે ઉલ્લેખ કરે છે. રુય્યકના શિષ્ય મંખ રાજા જયસિંહના દરબારમાં તેમના સાંધિવિગ્રહિક તરીકે બેસતા હતા. રાજા જયસિંહનો સમય 1129થી 1150નો ઇતિહાસકારોએ નક્કી કરેલો છે તેથી તેમના સમસામયિક મંખ અને તેમના ગુરુ રુય્યક પણ એક જ સમયે જીવતા હશે. પરિણામે રુય્યક અગિયારમી સદીના અંતભાગથી બારમી સદીના પૂર્વાર્ધમાં અસ્તિત્વ ધરાવતા હોવાનું અનુમાની શકાય.
રુય્યકે ઘણા ગ્રંથોની રચના કરી હશે, પરંતુ તેમની લેખક તરીકેની કીર્તિ ‘અલંકારસર્વસ્વ’ પર નિર્ભર છે. ‘સહૃદયલીલા’, ‘વ્યક્તિવિવેક-વ્યાખ્યાન’, ‘કાવ્યપ્રકાશસંકેત’ ટીકા અને ‘અલંકારસર્વસ્વ’ – એ ચાર રુય્યકની પ્રકાશિત રચનાઓ છે. જ્યારે ‘અલંકારવિમર્શન ટીકા’, ‘નાટકમીમાંસા’, ‘સાહિત્યમીમાંસા’, ‘શ્રીકંઠસ્તવ’, ‘હર્ષચરિતવાર્તિક’, ‘બૃહતી ટીકા’, ‘અલંકારમંજરી’, ‘અલંકારાનુસારિણી’, ‘અલંકારવાર્તિક’ વગેરે રચનાઓ રુય્યકની છે એવા ઉલ્લેખો મળે છે, પરંતુ એ ગ્રંથો અપ્રાપ્ય છે.
એમાં ‘વ્યક્તિવિવેકવ્યાખ્યાન’માં મહિમભટ્ટના કાવ્યાનુમિતિના સિદ્ધાંતનું ખંડન કરી ધ્વનિવાદનું તેમણે કરેલું મંડન તેમને આલંકારિક આચાર્ય તરીકે સ્થાપવા સક્ષમ છે. ‘અલંકારસર્વસ્વ’માં અલંકારશાસ્ત્રના અન્ય વાદોમાં ધ્વનિવાદનું બીજ બતાવવાનો મૌલિક પ્રયાસ અને અલંકારનો નિર્ણાયક અન્વયવ્યતિરેકભાવને બદલે આશ્રયાશ્રયિભાવ છે એવો મત – બંને રુય્યકને વિશિષ્ટતા ધરાવતા આલંકારિક આચાર્ય સિદ્ધ કરે છે. તેમની ‘કાવ્યપ્રકાશસંકેત’ નામની ટીકા આચાર્ય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પર ઉપલબ્ધ થતી સૌથી પ્રાચીન ટીકા છે.
પ્ર. ઉ. શાસ્ત્રી