રુમાનિયા
પૂર્વ યુરોપમાં આવેલાં બાલ્કન રાજ્યો પૈકીનો મોટામાં મોટો દેશ. ભૌગોલિક સ્થાન : તે 43° 30´થી 48° 30´ ઉ. અ. અને 20° 00´થી 30° 00´ પૂ. રે. વચ્ચેનો આશરે 2,37,500 ચોકિમી. જેટલો લગભગ ગોળાકાર વિસ્તાર આવરી લે છે. દેશના અગ્નિકોણને બાદ કરતાં બાકીની બધી જ દિશાઓમાં તે ભૂમિભાગોથી ઘેરાયેલો છે. તેની ઉત્તરે અને ઈશાનમાં રશિયા (યુક્રેન), પૂર્વમાં મોલ્દાવિયા (મોલ્દોવા), અગ્નિકોણમાં કાળો સમુદ્ર, દક્ષિણે બલ્ગેરિયા, નૈર્ઋત્યમાં સર્બિયા–યુગોસ્લાવિયા તથા વાયવ્યમાં હંગેરી જેવા દેશો આવેલા છે. પાટનગર બુખારેસ્ટ (સ્થાનિક નામ : બુકુરેસ્તી) દેશના દક્ષિણ ભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ : રુમાનિયાના ભૂપૃષ્ઠ પર ઉત્તર તરફથી વિસ્તરેલી કાર્પેથિયન પર્વતમાળાની વિશેષ અસર જોવા મળે છે. દેશમાં તે ઉત્તર તરફ અને પૂર્વમાં તથા મધ્ય ભાગોમાં અર્ધચંદ્રાકારે પથરાયેલી છે. તે અનુક્રમે કાર્પેથિયન–ઑરિયેન્ટલ અને ટ્રાન્સિલ્વેનિયન આલ્પ્સ નામોથી ઓળખાય છે. પશ્ચિમ તરફનો તેનો ભાગ કાર્પેથિયન–ઑક્સિડેન્ટલ કહેવાય છે. પૂર્વમાં આવેલી હારમાળા યુક્રેનની સીમાએથી શરૂ થઈને પ્રાહોવા નદીના ખીણ વિસ્તાર સુધી વિસ્તરેલી છે. અહીં આવેલા રોડના પર્વતોનું પિત્રોસુ શિખર 2,303 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ હારમાળા ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી છે. હારમાળાના મધ્યના ખડકો સખત અને સ્ફટિકમય છે, જ્યારે પૂર્વ ભાગમાં મૃદુ ખડકો આવેલા છે. પશ્ચિમ બાજુએ ઓઆસ (Oas) અને હર્ગીતા નામની જ્વાળામુખી પર્વતોની હારમાળાઓ આવેલી છે, તેમનાં કેટલાંક શિખરો શંકુ આકારનાં છે. અહીંના જ્વાળામુખી ખડકો સાથે તાંબા-સીસા-જસતનાં ખનિજો સંકળાયેલાં છે. એ જ રીતે કેટલીક જગાએ ગરમ પાણીના ઝરા પણ આવેલા છે. ત્યાં આરોગ્યકેન્દ્રો ઊભાં કરાયાં છે. આ ઉપરાંત આ હારમાળામાં ચૂનાખડકો અને કોંગ્લૉમરેટ પણ જોવા મળે છે. આ હારમાળામાં સેંટ અના નામનું એકમાત્ર જ્વાળામુખીજન્ય સરોવર (crater lake) તૈયાર થયેલું છે. અહીંની હારમાળાઓમાં બિસ્ત્રિતિ (Bistriti) અને બિકાઝુલ્વી (Bicazulvi) નદીઓનાં કોતરો નિર્માણ થયાં છે અને તેથી અહીંનાં સ્થળોની શોભા વધી છે.
દક્ષિણમાં આવેલો ટ્રાન્સિલ્વેનિયન આલ્પ્સ નામનો કાર્પેથિયન પર્વતમાળાનો ફાંટો પૂર્વે આવેલી પ્રાહોવા નદીખીણથી પશ્ચિમે આવેલી તિમિસ અને સેર્ના નદીખીણો સુધી વિસ્તરેલો છે. અહીં સખત સ્ફટિકમય ખડકો આવેલા છે. આ હારમાળામાં આવેલું માઉન્ટ મોલ્દાઉનું શિખર (2,544 મીટર) રુમાનિયાનું સર્વોચ્ચ શિખર છે, જ્યારે નીગૉઇઊલ (Negoiul) શિખર 2,535 મીટર ઊંચું છે. આ હારમાળાના વિસ્તારમાં ફગરાસ (Fagaras), બુસેજી (Bucegi), પરાંગ (Parang), રેતેઝાત-ગોદીનુ (Retezat-Godieanu) નામનાં શિખરજૂથો પણ આવેલાં છે.
રુમાનિયાનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન આ પ્રદેશમાં આવેલો છે. તેનો વિસ્તાર આશરે 56,000 હેક્ટર જેટલો છે. આ ઉપરાંત અહીં અભયારણ્યો પણ ઊભાં કરાયાં છે. અગાઉના વખતમાં યુરોપના દેશો સાથે માલની હેરફેર કે અવરજવર માટે 2,220 મીટરની ઊંચાઈ સુધીના બ્રાન, નોવાસીસુગાગ અને વાલ્કન ઘાટ વપરાતા હતા, પરંતુ હવે ઓલ્ત, ઝીઊલ [Giu(l)] અને ડેન્યૂબ નદીઓના ખીણપ્રદેશોનો
ઉપયોગ વધુ થાય છે. રુમાનિયા અને યુગોસ્લાવિયાની સરકારોના સહકારથી જળધોધ પર જળવિદ્યુતમથકો ઊભાં કરીને તેમની વીજળીનો ઉપયોગ રજ્જુમાર્ગો (rope-ways) જેવી સુવિધાઓ માટે કરવામાં આવેલો છે.
કાર્પેથિયન હારમાળાના ડેન્યૂબ અને સોમેસ નદીઓની વચ્ચે આવેલા પશ્ચિમતરફી ફાંટાની લંબાઈ 350 કિમી. જેટલી છે. અગાઉ આ વિસ્તાર ટ્રાન્સિલ્વેનિયાનું લોહદ્વાર (Iron Gate of Transylvania) ગણાતો હતો. અહીં ઘણાં ખનિજો મળે છે. પર્વત-વિસ્તારો વધુ અને જંગલો ઓછાં છે. આ પ્રદેશમાં પશુપાલન અને ખેતી થતી હોવાથી ઊંચાઈએ પણ વસાહતો આવેલી છે.
રુમાનિયાની પ્રાકૃતિક રચનામાં ઉચ્ચપ્રદેશોનો ફાળો વિશેષ મહત્વનો છે. ટ્રાન્સિલ્વેનિયાના વિસ્તારમાં કુદરતી વાયુ અને સિંધવના જથ્થા પુષ્કળ પ્રમાણમાં છે. આ ઉચ્ચપ્રદેશોની ઊંચાઈ 244 મીટરથી 467 મીટર જેટલી છે.
રુમાનિયામાં તેના કુલ વિસ્તારના 2 ભાગમાં મેદાનો દક્ષિણ અને પશ્ચિમમાં આવેલાં છે. દક્ષિણનું વાલાચીન (Walachin) મેદાન બે વિભાગોમાં વહેંચાયેલું છે : પૂર્વનું ઓલ્ત નદીનું મેદાન અને પશ્ચિમનું ઓલ્તેનિયનનું મેદાન. આ મેદાનો નદીનિક્ષેપજન્ય છે. તેની જમીનો કાળી – ચેર્નોઝેમ પ્રકારની છે. આ કારણે અહીં ખેતી વધુ વિકસી છે. ડેન્યૂબ નદીએ રચેલાં પૂરનાં મેદાનોનું પણ આર્થિક દૃષ્ટિએ ઘણું મહત્વ છે. કિનારાના વિસ્તારમાં આવેલાં વીલો અને પોપ્લર વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે. આ નદીકિનારે દસ જેટલાં શહેરો નદીબંદરો તરીકે વિકસ્યાં છે.
ઉત્તરે આવેલો ડોબ્રુજાનો પ્રદેશ મોલ્દેવિયન ઉચ્ચપ્રદેશ સાથે સંકળાયેલો છે. ડેન્યૂબનો મુખત્રિકોણ પ્રદેશ પંકભૂમિવાળો બની રહેલો છે. આ મુખત્રિકોણ પ્રદેશમાંથી રુમાનિયાનું 50 % જેટલું મત્સ્ય-ઉત્પાદન તથા વનસંપત્તિ અને પ્રાણીસંપત્તિ મેળવાય છે. વળી અહીં આવતાં યાયાવર પંખીઓ માટે આ વિસ્તાર એક આશ્રયસ્થાન બની રહેલો છે. પેલિકન, હંસ, ગીધ અને સુરખાબ પક્ષીઓ અહીં આવે છે. સુરખાબનો શિકાર ન થાય તે માટે તેમજ પ્રાણીસંપત્તિને જાળવી રાખવા માટે સરકાર તરફથી નિયમો જાહેર કરેલા છે. અહીં જંગલી ભુંડ અને શિયાળ પણ જોવા મળે છે. આ વિસ્તારમાં લગભગ ચોવીસ જેટલી વસાહતો ઊભી કરાઈ છે, પરંતુ પૂરનો ભય સતત રહ્યા કરે છે. અહીં સુલિના અને તૂલ્ચા (Tulcea) નામનાં મુખ્ય બંદરો આવેલાં છે.
કાળા સમુદ્રના કિનારાનું પર્યાવરણ વિશિષ્ટ લક્ષણો ધરાવે છે. અહીંનું વાતાવરણ સમધાત રહે છે. અહીંનો દરિયાઈ કંઠારનો રેતીપટ ઉત્તમ પ્રકારનો છે. આ ઉપરાંત તસાઉલ, સિઉતગિયોલ, ઍગીગા, તેચિરગિયોલ અને મંગાલિયા જેવાં સરોવરોનું મહત્વ વધુ છે.
અહીંના ગરમ પાણીના ઝરા પંક અને ગંધકયુક્ત જળ ઠાલવે છે. અગાઉ તેઓ રોગનિવારક કેન્દ્રો તરીકે જાણીતાં બન્યાં હતાં, પરંતુ વીસમી સદીમાં તેઓનો આરોગ્યકેન્દ્રો અને પ્રવાસીધામો તરીકે વિકાસ કરવામાં આવ્યો છે. અહીં નાવોદરી, મામૈયા અને એફોરી જેવાં શહેરો ઊભાં થયાં છે. જૂનાં વસાહતી કેન્દ્રોમાં મંગાલિયા અને તેચિરગિયોલ મુખ્ય છે.
આબોહવા : આ દેશ યુરોપના દક્ષિણ ભાગમાં, મહાસાગરથી દૂર અંતરિયાળ ભૂમિભાગમાં, સમશીતોષ્ણ કટિબંધમાં, વિષમ આબોહવા ધરાવતા પ્રદેશોની વચ્ચે આવેલો છે. દેશના મધ્ય અને પશ્ચિમ ભાગમાં આબોહવા ભેજવાળી, અગ્નિ બાજુએ ખંડીય પ્રકારની અને વધુ દૂરના અગ્નિભાગમાં ભૂમધ્ય પ્રકારની આબોહવા પ્રવર્તે છે. આ દેશની આબોહવામાં જે વિવિધતા જોવા મળે છે, તેમાં ભૂપૃષ્ઠનો ફાળો મહત્વનો છે.
રુમાનિયાની દક્ષિણે સરેરાશ તાપમાન 11° સે. અને ઉત્તરે 7° સે. જેટલું રહે છે. ભૂપૃષ્ઠની વિવિધતાને કારણે દેશનાં જુદાં જુદાં સ્થાનોમાં તાપમાનમાં ઘણો તફાવત જોવા મળે છે. બારાગાનમાં 44° સે. અને બ્રાશૉવમાં 38° સે. અનુભવાય છે. અહીંનો સરેરાશ વરસાદ 660 મિમી. જેટલો છે, પરંતુ કાર્પેથિયન હારમાળામાં 1,300 મિમી. અને ડોબ્રુજામાં 400 મિમી. પડે છે. અહીં વાયવ્ય દિશામાંથી ભેજવાળા અને ઈશાનમાંથી વધુ તીવ્ર સૂકા પવનો ફૂંકાય છે. ઉનાળામાં નૈર્ઋત્યના ગરમ પવનોની અસર પશ્ચિમ રુમાનિયામાં વધુ થાય છે. આ પવનો ઑસ્ત્રુ તરીકે જાણીતા છે. શિયાળામાં ઠંડા વાયુસમુચ્ચયોની અસર દેશના પૂર્વભાગમાં વધુ થાય છે. પૂર્વ યુરોપમાંથી વાતા ઠંડા ઈશાની પવનો ક્રિવાત નામથી ઓળખાય છે. પશ્ચિમ તરફથી, મહાસાગરીય પવનો વરસાદ લાવે છે અને ઠંડીની તીવ્રતામાં ઘટાડો કરે છે.
જળપરિવાહ : રુમાનિયાનું ભૂપૃષ્ઠ ઊંધી રકાબી આકારનું હોવાથી વિકેન્દ્રિત જળપરિવાહ રચાયેલો છે. અહીંની નદીઓ મધ્યમાંથી દેશની સીમા તરફ ત્રિજ્યાકારે વહે છે. તિમિસ, મ્યુરેસ, ક્રિસુલ ઍલ્બ, ક્રિસુલ નેગ્રુ, ક્રિસુલ રેપીડ અને સોમેસ મધ્યમાંથી નીકળી પશ્ચિમે હંગેરી તરફ વહે છે; ઝીઊલ, ઓલ્ત, અર્જિસ દક્ષિણ તરફ વહીને ડેન્યૂબને મળે છે; લાલોમિતા, બુઝાઊલ પૂર્વ તરફ વહીને ડેન્યૂબને મળે છે. એવી જ રીતે બિસ્ત્રિજા, મોલ્દોવા, સિરેત (Siret) અને પ્રુત (prut) ઉત્તરથી દક્ષિણ તરફ વહીને ડેન્યૂબને મળે છે. ડેન્યૂબને ઘણી સહાયક નદીઓ મળતી હોવાથી તે દર વર્ષે આશરે 40 અબજ ઘનમીટર પાણી કાળા સમુદ્રમાં ઠાલવે છે. તેની લંબાઈ આશરે 1,400 કિમી. જેટલી છે. તે પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. રુમાનિયામાં 2,500 જેટલાં નાનાં સરોવરો આવેલાં છે. તેમાં સૌથી મોટું સરોવર ન્યુમેરોસ્તિની (Numeroustiny) છે.
પ્રાણી–વનસ્પતિજીવન : રુમાનિયામાં લાલ હરણ, વરુ, શિયાળ, જંગલી ભુંડ અને કથ્થાઈ રીંછ તેમજ જુદી જુદી જાતનાં પક્ષીઓ જોવા મળે છે. ડેન્યૂબ નદીના મુખત્રિકોણ-વિસ્તારમાં માછલીની ઘણી જાતો થાય છે.
રુમાનિયાની 25 % ભૂમિ જંગલોથી છવાયેલી છે. ભૂપૃષ્ઠની વિવિધતાને કારણે વનસ્પતિમાં વિભિન્નતા જોવા મળે છે. 900થી 2,000 મીટર ઊંચાઈએ શંકુદ્રુમ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. ઉચ્ચપ્રદેશ અને મેદાની વિસ્તારોમાં પણ આબોહવાને અનુરૂપ વનસ્પતિ મળે છે.
જમીન અને ખેતી : ભૂપૃષ્ઠના પ્રકાર અને ઊંચાઈ અનુસાર કૃષિપાકોમાં પણ વિવિધતા જોવા મળે છે. અહીં ઘઉં અને મકાઈ મુખ્ય કૃષિપાકો છે. આ ઉપરાંત જવ, ઓટ, બટાટા, અન્ય શાકભાજી તથા શર્કરાકંદની ખેતી થાય છે. ખેતી આધારિત પશુપાલન પણ થાય છે. ગાય, ઘોડા, ભુંડ જેવાં પશુઓ અને મરઘાં-બતકાં મુખ્ય છે.
મત્સ્યપ્રવૃત્તિ : કાળા સમુદ્રને કિનારે અને સરોવરોમાં મત્સ્ય પકડવાની પ્રવૃત્તિ વિકસી છે. માછલીઓનો વિપુલ જથ્થો ડેન્યૂબ અને તેના મુખત્રિકોણમાંથી મળે છે. તુલ્ચા, કૉન્સ્ટન્ટા અને ગલાટી મત્સ્યઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો છે.
ખનિજસંપત્તિ : રુમાનિયાના પહાડી વિસ્તારો અને ઉચ્ચપ્રદેશો ખનિજસંપત્તિના ભંડાર સમાન છે. અહીં ખનિજતેલ અને કુદરતી વાયુનો વિપુલ જથ્થો સંગ્રહાયેલો છે. અન્ય ખનિજોમાં બૉક્સાઇટ, કોલસો, તાંબું, સોનું, લોહ, સીસું, ચાંદી અને જસત પણ મળે છે.
ઉદ્યોગ–વેપાર : આ દેશમાં સામ્યવાદશાહી અસ્તિત્વ ધરાવતી ન હતી ત્યારે ઉદ્યોગો ખૂબ ઓછા હતા. સામ્યવાદના આગમન બાદ અહીં વિવિધ ઉદ્યોગો સ્થપાયા છે. આજે અહીં ખાણ-ઉદ્યોગ; ખેતી-યંત્રસામગ્રી બનાવવાના એકમો; બૉક્સાઇટ આધારિત ઍલ્યુમિનિયમ ઉદ્યોગ, લોખંડ-પોલાદ, ખનિજતેલની આડપેદાશોના, લાકડામાંથી બનતી ચીજવસ્તુઓના તેમજ ખાદ્ય પદાર્થો, કાપડ, કાગળ, પગરખાં, રમતગમતનાં સાધનો વગેરે બનાવવાના એકમો વિકસ્યા છે. આ બધા ઉદ્યોગો કે કારખાનાં કે એકમોના સંચાલન માટે ઊર્જાશક્તિનાં સાધનો પણ ઊભાં કરાયાં છે. એ રીતે તાપવિદ્યુતમથકો અને બાર જેટલાં જળવિદ્યુતમથકો સ્થપાયાં છે. ક્રાસ્કો (Krastko) ખાતે 664 મૅગાવૉટ વિદ્યુત ઉત્પન્ન કરતું અણુવિદ્યુતમથક પણ ઊભું થયું છે. બુખારેસ્ટ અહીંનું મુખ્ય ઔદ્યોગિક મથક છે. આ ઉપરાંત બ્રાસૉવ, કલુજ-નાપોકા, પ્લૉઇસ્તી અને તિમિશ્વારા પણ અહીંનાં મહત્વનાં ઔદ્યોગિક કેન્દ્રો છે.
આ દેશમાં યંત્રો, બળતણ અને રસાયણોની આયાત-નિકાસ થાય છે. સિમેન્ટ, વસ્ત્રો, પગરખાં, ખાદ્ય પદાર્થો અને લાકડાંની નિકાસ તથા લોહઅયસ્ક, કોલસો અને કપાસની આયાત થાય છે. 1960 સુધી આ દેશનો 80 % વેપાર રશિયા અને સામ્યવાદી દેશો જોડે થતો હતો; પરંતુ વર્તમાન સંજોગોમાં રુમાનિયાએ તેના વ્યાપારી સંબંધો પશ્ચિમ યુરોપના દેશો, યુ.એસ. તેમજ ભારત સાથે પણ સ્થાપ્યા છે.
પરિવહન–સંદેશાવ્યવહાર : રુમાનિયામાં લાંબી મુસાફરી માટે રેલમાર્ગોનો વિશેષ ઉપયોગ થાય છે. મોટરવાહનની મુસાફરી માત્ર શહેરો પૂરતી જ મર્યાદિત છે, તેથી ખાનગી મોટરોનું પ્રમાણ અહીં 60 : 1 નું છે. બુખારેસ્ટ અહીંનું એકમાત્ર હવાઈ મથક છે. રુમાનિયામાંથી આશરે 40 જેટલાં વર્તમાનપત્રો પ્રગટ થાય છે. રેડિયો અને ટેલિવિઝન પ્રસારણ-મથકો પણ આ દેશમાં છે. 2000ના અંદાજ મુજબ રુમાનિયાની વસ્તી 2 કરોડ 25 લાખ જેટલી છે. દેશમાં રુમાનિયનોની બહુમતી છે. આ ઉપરાંત અહીં ગોથિક, હૂણ અને સ્લાવ પ્રજા પણ વસે છે. અહીં 85 % રુમાનિયન, 8 % હંગેરિયન, 2 % જર્મન તથા બાકીના 5 % પૈકી વિચરતી જાતિના લોકો, યહૂદીઓ, તુર્કો અને યૂક્રેનિયનો વસે છે. દેશની મુખ્ય ભાષા રુમાનિયન છે તે ફ્રેન્ચ, ઇટાલિયન, પૉર્ટુગીઝ અને સ્પેનિશ ભાષાઓને મળતી આવે છે. અહીંના લોકો જર્મન અને હંગેરિયન ભાષાઓ પણ બોલે છે.
દેશના લોકો ખ્રિસ્તી, મુસ્લિમ અને યહૂદી ધર્મો પાળે છે. અહીં શિક્ષણનો પ્રસાર વધુ છે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ફરજિયાત છે. ત્યારબાદનું શિક્ષણ વિવિધ શાખાઓમાં વહેંચાઈ જાય છે. દેશમાં અભ્યાસ કરતા 50 % વિદ્યાર્થીઓ વ્યવસાયલક્ષી અભ્યાસમાં જોડાય છે. દેશમાં સાત જેટલી યુનિવર્સિટીઓ છે. દેશની સૌથી મોટી યુનિવર્સિટી બુખારેસ્ટમાં આવેલી છે.
પ્રવાસન : કાળો સમુદ્ર અને ડેન્યૂબનો મુખત્રિકોણ વિસ્તાર પ્રવાસીઓ માટેનાં આકર્ષણનાં સ્થળો છે. આ સ્થળોમાં હોટલ-ઉદ્યોગ વિકસ્યો છે. અહીંનાં પહાડી સરોવરો, ભૂગર્ભીય ગુફાઓ અને ચૌદમીથી સોળમી સદીનાં ગિરજાઘરો પણ પ્રવાસીઓ માટેનાં આકર્ષણનાં સ્થળો છે.
ઇતિહાસ : રુમાનિયામાં આશરે ઈ. પૂ. 300 વર્ષ પહેલાં ડૅસિયન લોકો વસતા હતા એવું કહેવાય છે. તે સમયે રુમાનિયાનો વિસ્તાર ‘ડૅસિયા’ નામથી ઓળખાતો હતો. ઈ. સ. 106માં ટ્રૅજાન નામના રાજાએ આ વિસ્તાર જીતી લીધેલો. તે પછી 275ના સમયગાળામાં રુમાનિયાનો પ્રદેશ રોમના આધિપત્ય હેઠળ આવ્યો. ચોથી સદીથી દસમી સદી સુધી હૂણો, બલ્ગેરિયનો અને મૉંગોલિયનોએ રુમાનિયા પર આક્રમણો કર્યાં હતાં. 1250થી 1350માં મોલ્દાવિયા અને વાલાચિયા ક્રમશ: સ્વતંત્ર બન્યાં. 1500માં સ્વતંત્ર થયેલાં રાજ્યો તુર્કીની હકૂમત હેઠળ આવ્યાં. 1861માં મોલ્દાવિયા અને વાલાચિયા ભળી જતાં રુમાનિયા એક રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું. 1919માં ટ્રાન્સિલ્વેનિયા અને તેની આસપાસનો પ્રદેશ રુમાનિયામાં સમાવવામાં આવ્યો, તેથી તેનો વિસ્તાર બમણો થઈ ગયો. 1940થી 1945 દરમિયાન ધરી-રાજ્યોને તરફેણમાં લઈને બીજા વિશ્વયુદ્ધમાં રુમાનિયા જોડાયું. 1947માં સત્તાવાર રીતે તે સામ્યવાદી દેશ તરીકે ઊભરી આવ્યું. 1950માં યુ.એસ.એસ.આર. દેશે રુમાનિયા ઉપર સંપૂર્ણ પ્રભુત્વ મેળવી લીધું. 1965માં રુમાનિયામાં નવું બંધારણ અસ્તિત્વમાં આવ્યું. 1977માં થયેલા વિનાશક ભૂકંપને કારણે 1,500 જેટલા માણસો મૃત્યુ પામ્યા. 1989માં લાંચ-રુશવતના સંદર્ભમાં સામ્યવાદી પક્ષના નેતા નિકોલ(Nicolae Ceausescu)ને પદભ્રષ્ટ કરવામાં આવ્યા. બીજા વિશ્વયુદ્ધ પછી 1990માં પ્રથમ વાર સ્વતંત્ર રીતે ચૂંટણી થઈ શકી. 1992માં નિકોલાઈ(Nicolai Valaroiu)ની વડાપ્રધાન તરીકે નિમણૂક થઈ. 1997માં ભૂતપૂર્વ રાજા મિશેલ 50 વર્ષ પછી ફરી વાર પોતાના દેશમાં પાછા આવ્યા.
નીતિન કોઠારી