રુદ્રમાળ : ગુજરાતનું સોલંકીકાલીન શૈવ મંદિર. સોલંકી રાજા સિદ્ધરાજે સિદ્ધપુર(જિ. મહેસાણા)માં બંધાવેલ રુદ્રમાળ હાલ અવશેષરૂપે ઊભો છે. મૂળમાં આ મંદિર ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, ગૂઢમંડપ અને ત્રણેય દિશાએ શૃંગારચોકીઓનું બનેલું હતું. હાલ ગૂઢમંડપના પશ્ચિમ બાજુના ચાર સ્તંભ અને ઉત્તરની બાજુના ચાર સ્તંભ જળવાઈ રહ્યા છે. અવશેષો જોતાં જણાય છે કે મૂળમાં આ મંદિર બે મજલાનું હશે. મુખ્ય મંદિરની સામે નંદીમંડપ હોવાનું પણ જણાય છે. મંદિરને ફરતી 11 દેવકુલિકાઓ પૈકી ચાર દેવકુલિકાઓ જુમ્મા મસ્જિદમાં રૂપાંતરિત થઈ ગયેલી છે. પૂર્વની શૃંગારચોકીની બંને બાજુએ અને ઉત્તર તથા દક્ષિણની ચોકીની બાજુએ એક એક કીર્તિતોરણ આવેલું હતું. તેમાંથી ઉત્તરનું તોરણદ્વાર સારી સ્થિતિમાં જળવાઈ રહેલું છે. ગૂઢમંડપના સ્તંભોનું રૂપવિધાન આકર્ષક છે. કુંભીથી માંડીને શીર્ષ સુધી સ્તંભદંડો અષ્ટકોણીય છે. પૂર્વની ચોકી ખંડિત અવસ્થામાં છે. ઉત્તરની ચોકી તેના બે મજલા સાથે કંઈક સારી અવસ્થામાં ઊભી છે. તેથી તેના શિલ્પવૈભવનો ખ્યાલ આવે છે. ચોકીની કુંભીના ભાગમાં ગજથર (અસ્પષ્ટ) અને નરથર જોવા મળે છે.
ચોકીને ફરતી વેદિકાના કક્ષાસનમાં દેવ-દેવાંગનાઓનાં શિલ્પ છે. બીજા મજલાના આસનપટ્ટ પર વામનસ્તંભ આવેલા છે. મંદિરના પાટ પરનું કોતરકામ ઊંચી કોટિનું છે. ઊર્મિવેલા, ત્રિદલ પુષ્પલતા, દેવ-દેવીના થર વડે તે સુશોભિત છે. મસ્જિદમાં પરિવર્તિત થઈ ગયેલી દેવકુલિકાઓમાં ઘણી શિલ્પસમૃદ્ધિ જળવાઈ રહી છે. ઉત્તરની દિશાએ ઊભું રહેલું કીર્તિ-તોરણ શિલ્પકળાની દૃષ્ટિએ ઘણું સુંદર છે.
થૉમસ પરમાર