રી ભોઈ : મેઘાલય રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો. તે 25° 45´ ઉ. અ. અને 92° 00´ પૂ. રે.ની આજુબાજુનો 2,448 ચોકિમી. વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય, ઉત્તર અને ઈશાન તરફ આસામ રાજ્યની સીમા, અગ્નિ તરફ અને દક્ષિણમાં ઈસ્ટ ખાસી હિલ્સ જિલ્લો તથા નૈર્ઋત્યમાં વેસ્ટ ખાસી હિલ્સ જિલ્લો તેમજ પશ્ચિમે આસામ રાજ્યની સીમા આવેલાં છે. નોંગપોહ આ જિલ્લાનું મુખ્ય મથક છે.

ભૂપૃષ્ઠ–જળપરિવાહ : જિલ્લાનો દક્ષિણ ભાગ ટેકરીઓથી બનેલો છે. આ ટેકરીઓના ઢોળાવો કામરૂપ અને નાઉગોંગ(આસામ)નાં મેદાનોમાં ભળી જાય છે. જિલ્લાનો મોટો ભાગ અયનવૃત્તીય–સમશીતોષ્ણ પ્રકારની વનસ્પતિથી સમૃદ્ધ છે. સાગ અને સાલ અહીંનાં મુખ્ય વૃક્ષો છે. ખાસી દેવદાર અહીં પુષ્કળ પ્રમાણમાં ઊગે છે. આ ઉપરાંત ચેસ્ટનટ, ઓક, ફર, ઔષધીય વનસ્પતિ, સખત અને પોચા લાકડાનાં વૃક્ષો પણ અહીં જોવા મળે છે.

રી ભોઈ જિલ્લો

શિલોંગની ઉત્તરેથી ઉમખેન નદી નીકળીને ઉત્તર તરફ વહે છે અને આસામમાં પ્રવેશે છે. શિલોંગની પશ્ચિમેથી ઉમિયામ નદી નીકળીને રી ભોઈમાંથી પસાર થાય છે, ત્યાંથી વાયવ્ય તરફ વળીને ઊંડાં કોતરો બનાવી ઉમસિયાંગ નદીને મળે છે. આ ઉપરાંત જિલ્લામાં નાની નાની ઘણી નદીઓ છે.

ખેતી–પશુપાલન : અહીંની ભૂમિ ખેતી માટે અનુકૂળ ન હોવા છતાં પણ લોકો તેના પર આધાર રાખે છે. પહાડી ભાગોમાં ફરતી ખેતી થાય છે. રાજ્ય સરકાર તેમાં સહકાર પણ આપે છે. ડાંગર અને બટાટા અહીંના મુખ્ય કૃષિપાકો છે. ડાંગરનો પાક બે વખત લેવાય છે. રોકડિયા પાકોમાં ફળો, શાકભાજી, મકાઈ, સોપારી, નાગરવેલનાં પાન, મરી, હળદર, આદું વગેરેનો સમાવેશ થાય છે. લોકો ઘર આગળ પશુઓ તેમજ મરઘાં-બતકાં પાળે છે. અહીં પશુદવાખાનાં, પશુચિકિત્સાલયોની સગવડ પણ છે. જિલ્લામાં દૂધ-ઉત્પાદન વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ઉદ્યોગ–વેપાર : જિલ્લાનો મોટો ભાગ પહાડી હોવાથી ઉદ્યોગો વિકસેલા નથી. અહીંથી શાકભાજી, જંગલ-પેદાશો, લાકડાંની નિકાસ તથા ચોખા, ઘઉં અને ખાંડની આયાત કરવામાં આવે છે.

વાહનવ્યવહાર–પ્રવાસન : રાજ્યનું પાટનગર શિલોંગ નજીક આવેલું હોવાથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 40 અહીંથી પસાર થાય છે. એ રીતે આ જિલ્લો રાજ્યનાં ગુઆહાટી અને નાઉગોંગ જેવાં મુખ્ય શહેરો સાથે સડકમાર્ગોથી જોડાયેલો છે. જિલ્લા માટે ગુઆહાટી નજીકનું રેલમથક છે. જિલ્લાનાં મુખ્ય મથકો અરસપરસ રસ્તાઓથી સંકળાયેલાં છે.

જિલ્લામાં વિશિષ્ટ મહત્વ ધરાવતાં પ્રવાસી સ્થળો નથી, પરંતુ કુદરતી દૃશ્યો ધરાવતાં સ્થળો ઘણાં છે. જિલ્લા નજીકનું શિલોંગ, વૉર્ડ્ઝ લેક, લેડી હૈદરી પાર્ક, પોલો ગ્રાઉન્ડ, મિની સ્ટેડિયમ, એલિફન્ટ ફૉલ્સ, શિલોંગ શિખર અને ભારતખ્યાત ગૉલ્ફ કોર્સ અહીંનાં જોવાલાયક સ્થળો ગણાય છે. શિલોંગ–ગુઆહાટી માર્ગ પરનું ઉમિયામ સરોવર તેના રમણીય કુદરતી દૃશ્ય માટે જાણીતું છે. વળી શિલોંગથી પશ્ચિમે આશરે 55 કિમી. દૂર કિલોંગ રૉક આવેલો છે, ત્યાં 30 મીટર ઊંચો ગ્રૅનાઇટનો ઘૂમટ છે. આ જિલ્લો તેનાં ધાર્મિક નૃત્યો માટે પૂર્વ ભારતમાં ખૂબ જાણીતો બનેલો છે. અહીં ખીરીમના મુખ્ય મથક સ્મિત ખાતે નોંગખેમ નૃત્ય ખેતીની લણણી, સમૃદ્ધિ અને શાંતિ માટે યોજાય છે. ઈશ્વર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા વર્ષમાં એક વાર પાંચ દિવસનો ધાર્મિક ઉત્સવ અહીં ઊજવાય છે. એ જ રીતે ખાસી કોમના લોકો ‘શાદ સુકમિન્શિયમ’ (Dance of the joyful heart) નામના નૃત્યનો ઉત્સવ યોજે છે, તેમાં છોકરા-છોકરીઓ રંગબેરંગી પોશાકમાં સજ્જ થઈ ઢોલ-વાંસળી વગાડતાં જઈ, ઈશ્વર પ્રત્યે પોતાની આભારની લાગણી વ્યક્ત કરે છે. આ ઉત્સવ દર વર્ષે એપ્રિલના બીજા સપ્તાહમાં ત્રણ દિવસ માટે યોજાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 1,92,795 જેટલી છે. અહીં માત્ર ગ્રામીણ વસ્તી જ છે, એક પણ નગર નથી. અહીંના ખાસી જાતિના લોકો અસંખ્ય જૂથોમાં વહેંચાયેલા છે. દરેક જૂથ પોતાની બોલી બોલે છે. અહીંની મુખ્ય ભાષા ખાસી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને એક ઉપવિભાગમાં અને બે સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં કુલ 442 (13 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. નોંગપોહ ખાતે એક કૉલેજ આવેલી છે.

ઇતિહાસ : 1992માં ઈસ્ટ ખાસી હિલ્સ જિલ્લાનું વિભાજન કરીને આ જિલ્લાની રચના કરવામાં આવેલી છે.

ગિરીશભાઈ પંડ્યા