રીન્સ, ફ્રેડરિક (Reines, Frederick)

January, 2004

રીન્સ, ફ્રેડરિક (Reines, Frederick) (જ. 16 માર્ચ 1918, પેટરસન, ન્યૂજર્સી, યુ.એસ.એ.; અ. 26 ઑગસ્ટ 1998, ઑરેન્જ, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : લૅપ્ટૉન ભૌતિકશાસ્ત્રમાં મૂળભૂત પ્રાયોગિક સંશોધનો માટે – ટાઉ લૅપ્ટૉનની શોધ માટે 1995નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર ફ્રેડરિક રીન્સ અને માર્ટિન એલ. પર્લને સંયુક્ત રીતે મળ્યો હતો.

ફ્રેડરિક રીન્સ

ફ્રેડરિક રીન્સનાં માતા-પિતા યહૂદી હતાં. જેઓએ રશિયાથી અમેરિકા સ્થળાંતર કર્યું હતું. 1935માં તેમણે યુનિયન સિટી શાળા, ન્યૂજર્સીમાં શાળાકીય શિક્ષણ પૂરું કર્યું. 1939માં તેમણે સ્ટીવન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી મિકૅનિકલ ઇજનેરીમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી તથા 1941માં ગાણિતિક ભૌતિકશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી.

તેમને 1944માં પ્રખ્યાત વૈજ્ઞાનિક રિચર્ડ ફાઈનમૅને લૉસ આલમૉસ પ્રયોગશાળાના સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર વિભાગમાં સંશોધનકાર્ય માટે પસંદ કર્યા. પછીના 15 વર્ષનો સમયગાળો તેમણે અહીં પસાર કર્યો. રીન્સે ઘણા ન્યૂક્લિયર પ્રયોગોમાં ભાગ લીધો અને તેનાં પરિણામો પર અહેવાલો લખ્યા. તેમણે જ્હૉન ન્યૂમૅન સાથે માક રચના/નિર્માણ પર અગત્યનું સંશોધનપત્ર લખ્યું.

ફ્રેડરિક રીન્સે ન્યૂટ્રિનો, જે એક મૂળભૂત કણ છે, તેના પર મહત્વનાં સંશોધનો હાથ ધર્યાં. 1966માં તેઓએ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, અરવાઈન(UCI)ના અધ્યક્ષનું પદ સંભાળ્યું. 1981માં તેમને ઓપનહાઈમર મેમોરિયલ ઇનામ પ્રાપ્ત થયું અને 1985માં નૅશનલ મેડલ ઑવ્ સાયન્સ પ્રાપ્ત થયો. તેમને માઇકલસર-મોરલી પુરસ્કાર, પૅનોફસ્કી ઇનામ તથા બ્રુનો રોસી ઇનામ જેવા પ્રતિષ્ઠિત ખિતાબો મળેલા છે. 1974માં તેઓ નિવૃત્ત થયા અને ત્યારબાદ નિવૃત્ત પ્રાધ્યાપક તરીકે તેમના મૃત્યુ સુધી કાર્યરત રહ્યા.

પૂરવી ઝવેરી