રિહાન્ડ બંધ : ઉત્તર પ્રદેશના મિરઝાપુર જિલ્લાના દૂધીનગર તાલુકાના પીપરા પાસે સોન નદીની સહાયક નદી રિહાન્ડ પર આવેલો બંધ. ભૌગોલિક સ્થાન : 24° 12´ 30´´ ઉ. અ. અને 83° 0´ 30´´ પૂ. રે. નજીક તે બાંધેલો છે. તેની પાછળના જળાશયને ગોવિંદ વલ્લભ પંત સાગર નામ અપાયું છે.
સર્વેક્ષણ–શારકામ : રિહાન્ડ નદીની જળપ્રવાહ-ક્ષમતાનો અંદાજ સર્વપ્રથમ 1919માં આવેલો. 1936માં તેના પર બંધ બાંધવા રિહાન્ડ-સોન સંગમથી 32 કિમી. ઉપરવાસમાં આવેલા કોતરને બંધના સ્થળ તરીકે પસંદ કરાયેલું, પરંતુ અહીંનો તળખડક ફિલાઇટ હોવાથી સ્થળ અનુકૂળ પડ્યું નહિ. 1943માં પીપરી ગામથી આશરે 2 કિમી. અંતરે આવેલાં સાત સુરેખીય સ્થાનોની જાંચ કર્યા બાદ એ જ કોતરના હેઠવાસના ગ્રૅનાઇટધારક સ્થળ પર પસંદગી ઊતરી. 1946–52 દરમિયાન પૂર્વ-પ્રાથમિક અને પૂર્વ-નિર્માણ કક્ષાની ભૂ-તકનીકી તપાસ કરવામાં આવી તથા 1953માં બાંધકામ કક્ષાની શરૂઆત કરવામાં આવેલી, જે 1959 સુધી ચાલુ રહેલી. અહીં શરૂઆતમાં (કુલ 2,135 મીટર ઊંડાઈનાં) 110 શાર તેમજ બીજાં (બધાં મળીને 732 મી. ઊંડાઈનાં) 70 શાર કરવામાં આવેલાં. આશરે 200 શારમાંનાં દ્રવ્યોની છિદ્ર-કસોટીઓ દ્વારા પાયાના ખડકોની જળચુસ્તતાની ખાતરી પણ કરવામાં આવેલી. નદીના જમણા અવરોધમાં આશરે 25 મીટર ઊંડાઈ સુધી ખવાણયુક્ત ખડક મળેલો. અનુકૂળ પાયા-ખડક સુધી પહોંચવા 0.7 મિલિયન ઘનમીટર જેટલો અધિભાર વટાવવાનો હતો. ઊંડાઈના વધવા સાથે ખડક-સાંધા ખુલ્લામાંથી ચુસ્ત બનતા જતા હતા, જ્યારે ફાટ વિભાગનું દ્રવ્ય છૂટું થતું જતું હોવાથી ગ્રાઉટિંગની જરૂરિયાત હતી.
ખડકો : આ વિસ્તારના પ્રાદેશિક ખડકોમાં નિમ્ન કડાપ્પા-રચનાની બીજાવર-શ્રેણી, જળાશય હેઠળ નાઇસ, કેટલીક વિવૃતિઓમાં નિમ્ન ગોંડવાનાના તાલચીર ગુરુગોળાશ્મ અને શેલ, કિનારાના ભાગોમાં બારાકાર રચનાના રેતીખડક અને શેલનો સમાવેશ થાય છે. નદી-બંધ ખાતે ગ્રૅનાઇટ, દળદાર અને પત્રબંધીયુક્ત નાઇસ, ફિલાઇટ, શિસ્ટ, ઍમ્ફિબોલાઇટ તથા ક્વાર્ટ્ઝ-બ્રેક્સિયા પથરાયેલા છે. નદીપટ હેઠળ પાયામાં તેમજ બાજુઓ પરની ટેકરીઓના ખડકો નાઇસયુક્ત ગ્રૅનાઇટ છે. ગ્રૅનાઇટમાં ક્યાંક ક્યાંક પટસાંધા અને ફાટની અસરો છે. આ મુખ્ય ખડકપ્રકારો ઉપરાંત પાયામાં ફિલાઇટ, ક્વાર્ટ્ઝ-શિસ્ટ, અબરખ-શિસ્ટ, ઍમ્ફિબોલાઇટ, એપ્લાઇટ અને ક્વાર્ટ્ઝ-શિરાઓની પટ્ટીઓ પણ સંકળાયેલી છે. 1934માં થયેલા બિહાર-નેપાળ ભૂકંપની અસર અહીં સુધી પહોંચેલી હોવાથી બંધ-માળખાના નિર્માણ વખતે પૂરતા પ્રમાણમાં સાવચેતીનાં પગલાં લેવામાં આવેલાં છે.
જળાશયના ડૂબમાં જતા વિસ્તારમાં પૂરતું આર્થિક મૂલ્ય ધરાવતા કોઈ વિશિષ્ટ ખનિજ-નિક્ષેપો ન હોવાથી આર્થિક નુકસાનનો પ્રશ્ન ઊભો થતો ન હતો. મધ્યપ્રદેશના પીપરા સ્થળે જળાશયની કિનારી પર કોટા-કોલસા ક્ષેત્રો તેમજ કોરંડમ-નિક્ષેપો આવેલાં હોવાથી તેની પ્રાપ્તિની સમસ્યા પણ ઊભી થતી ન હતી.
ભૂ–તકનીકી સમસ્યાઓ અને પાયો : જમણી બાજુ પરની અવરોધ-ટેકરીમાં નાઇસયુક્ત ગ્રૅનાઇટ ખવાણવાળો હતો, જ્યારે જરૂરી દૃઢખડક સ્થાનભેદે 17.3થી 25 મીટરની ઊંડાઈ પર મળતો હતો. આ લક્ષણો હોવાને કારણે અહીં માત્ર માટી બંધ થઈ શકે, પરંતુ તે માટેની અનુકૂળ મૃદની પ્રાપ્તિ નજીકનાં સ્થળોમાંથી થઈ શકે તેમ ન હતું. તેથી અહીં કૉંક્રીટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. ખવાણયુક્ત ખડકો હોવા ઉપરાંત પાયામાં ખુલ્લા સાંધા, ફાટ-વિભાગો તથા ખડક-ખડક વચ્ચેના સંપર્કો નબળા હોવાથી એવા બધા વિભાગોને ખોદીને કૉંક્રીટ કે ગ્રાઉટિંગથી પૂરી દેવામાં આવ્યા. બંધની દીવાલને વધુ પડતો જળદાબ ન લાગે તે માટે નદીતળથી 22.8 મીટરની ઊંડાઈએ તેમજ બાજુઓ પર 15 મીટરની ઊંડાઈએ જળવહન-છિદ્રોનું નિર્માણ કરવામાં આવ્યું. ખવાણયુક્ત ગ્રૅનાઇટ 72 કલાક સુધી ભીનો રહ્યા કરે તો દાબથી તેની કચરાવાની ક્ષમતા 421 કિગ્રામ/ચોસેમી. જેટલી હોવાથી તેમજ બંધના વજનથી ઉદભવતી મહત્તમ પ્રતિદાબક્ષમતા (stress value) 4.9 કિગ્રામ/ચોસેમી.ની હોવાથી આ લક્ષણો બંધનિર્માણ માટે અનુકૂળ હતાં.
પાવર-હાઉસ માટે ઍમ્ફિબોલાઇટ અને અબરખ-શિસ્ટ તેમાં રહેલી ફાટો અને ખવાણને કારણે નબળા ગણાતા હોવાથી તેમને જરૂરી ઊંડાઈ સુધી ખોદી કાઢવામાં આવ્યા અને તેનાથી પડેલી ખાલી જગા કૉંક્રીટથી પૂરી દેવામાં આવી તથા પાયા માટે મરામત કરીને મજબૂતી આપવામાં આવી.
બાંધકામ-નિર્માણસામગ્રી : રિહાન્ડ બંધના બાંધકામ માટે અંદાજે 18 લાખ ઘનમીટર કૉંક્રીટની જરૂર હતી. બંધસ્થાનથી આશરે 5 કિમી. અંતરે નદીના ડાબા કાંઠે મળતો ગ્રૅનાઇટ તે માટે યોગ્ય જણાવાથી સ્થૂળ કાંકરાઓ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવેલો છે. સૂક્ષ્મ દાણાદાર દ્રવ્ય તરીકે નદીના ઉપરવાસ અને હેઠવાસમાંની રેતી વાપરવામાં આવી છે. પોઝોલન દ્રવ્ય તરીકે નજીકનાં બીજાવર-ફિલાઇટ કે બારાકાર-મૃદ યોગ્ય ન હોવાથી બોકારો તાપવિદ્યુત એકમની રાખનો ઉપયોગ કરેલો છે.
રિહાન્ડ બંધનાં મુખ્ય લક્ષણો
સ્રાવ-વિસ્તાર | : | 13,310 ચોકિમી. |
સરેરાશ વાર્ષિક વરસાદ | : | 1,420 મિમી. |
સરેરાશ જળઆવક | : | 6,320 મિલિયન ઘનમીટર |
બંધનો પ્રકાર | : | સુરેખીય ભારાશ્રિત કૉંક્રીટ બંધ |
મહત્તમ ઊંચાઈ | : | 93.27 મીટર |
લંબાઈ | : | 934.21 મીટર |
નદીપટ સપાટી | : | 192.02 મીટર R.L. |
મથાળાની ઊંચાઈ | : | 268.22 મીટર R.L. |
છલતીની લંબાઈ | : | 190.20 મીટર |
છલતીનું શીર્ષ | : | 259.7 મીટર |
છલતી પરથી છોડી શકાય એટલો જળપાત | : | 23,800 ઘનમીટર/સેકંડ |
કુલ જલસંગ્રહ (268.22 મીટર સુધી) | : | 10,600 મિલિયન ઘનમીટર |
બકેટનો પ્રકાર | : | 19 મીટર ત્રિજ્યાવાળી સ્વીપ બકેટ |
ગિરીશભાઈ પંડ્યા