રિસ હિમજન્ય કક્ષા (Riss glacial stage) : પ્લાયસ્ટોસીન કાલખંડ દરમિયાન પ્રવર્તેલા હિમકાળ અને આંતરહિમકાળ પૈકીનો એક તબક્કો. તેની પહેલાં મિન્ડેલ-રિસ આંતરહિમજન્ય કાળ પ્રવર્તેલો, તે વખતે ઠંડીની તીવ્રતા ઘટેલી અને તેની પણ પહેલાં મિન્ડેલ હિમજન્ય કાળ શરૂ થયેલો. રિસ હિમજન્ય કાળ ગ્રેટબ્રિટનના જિપિંગ હિમકાળ(Gipping glacial stage)ની ઉત્તર યુરોપના સાલ હિમકાળની અને ઉત્તર અમેરિકાની ઇલિનૉય હિમકાળ-કક્ષાઓની સમકક્ષ (સમકાલીન) ગણાય છે.
પ્લાયસ્ટોસીન હિમયુગોના કાળગાળા અને રિસ હિમજન્ય કક્ષાની સ્થિતિ
રિસ-વર્મ આંતરહિમકાળ : રિસ હિમજન્ય કક્ષા પછી અને વર્મ હિમજન્ય કક્ષા પહેલાં પ્રવર્તેલો ઘટેલી ઠંડી આબોહવાનો આંતરહિમકાળ. તેને ગ્રેટબ્રિટનના ઇપ્સવિચિયન અને ઉત્તર અમેરિકાના સૅન્ગામૉન આંતરહિમજન્ય તબક્કાનો સમકાલીન ગણેલો છે. આલ્પ્સમાં મૂસબર્ગ ગ્રૅવલ નિક્ષેપની જમાવટથી તેનો સંકેત મળે છે.
ગિરીશભાઈ પંડ્યા