રિસર્પીન (reserpine) : રાઉવુલ્ફિયા સર્પેન્ટિના અથવા સર્પગંધા નામના એપોસાયનેસી વર્ગના ક્ષુપ(shrub)ના મૂળિયામાંથી મેળવાતું લોહીના ઊંચા દબાણમાં વપરાતું ઔષધ. તે એક આલ્કેલૉઇડ છે. રાઉવુલ્ફિયાની લગભગ 86 પ્રકારની જાતોમાં રિસર્પીન ઓછાવત્તા અંશે મળે છે, જેનો મુખ્ય સ્રોત ભારતમાંનો R. serpentina છે. ભારતીય ક્ષુપના મૂળિયામાં તેનું પ્રમાણ 0.05 %(જમ્મુ)થી 0.17 % (હલફાની) હોય છે. પૂર્વ-દક્ષિણ એશિયાના દેશોમાં પણ આ ક્ષુપ ઊગે છે. આ ઉપરાંત મધ્ય આફ્રિકામાં R. vomitaria તથા મધ્ય અને દક્ષિણ અમેરિકામાં ઊગતા R. Tetraphyllaમાં પણ રિસર્પીન મળે છે. ભારતમાં તે સદીઓથી લોહીનું ઊંચું દબાણ અને અનિદ્રા જેવા તેમજ માનસિક રોગો તથા સર્પદંશ સામે વપરાતું આવ્યું છે. આ ક્ષુપની અસરકારકતા પશ્ચિમમાં એટલી વ્યાપક રીતે જાણીતી થઈ તથા તેની માંગ એટલી બધી વધી ગઈ કે ભારત સરકારને તેની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવો પડેલો ! 1950ના અરસામાં પશ્ચિમના ડૉક્ટરો રિસર્પીનનો ઉપયોગ લોહીના મધ્યમ તથા ઊંચા દબાણ સામે તથા માંદા દર્દીઓને શાંત પાડવા માટે કરવા લાગ્યા. માનસિક રોગના દર્દીઓ માટે તો રિસર્પીન સિવાય ફિનોથાયાઝીન વર્ગનાં અન્ય ઔષધો (દા.ત., ક્લૉર પ્રોમેઝીન) વધુ અસરકારક જણાયાં છે.
રિસર્પીનનું નિષ્કર્ષણ તેના ક્ષુપમાંથી 1952માં કરવામાં આવ્યું તથા તેનું રાસાયણિક બંધારણ 1954માં ડોર્ફમૅને શોધ્યું. 1958માં મ્યુલરે આની અમેરિકન પેટન્ટ મેળવી. તેનું સંશ્લેષણ 1956માં વુડવર્ડે કર્યું.
રિસર્પીનનું રાસાયણિક નામ 3, 4, 5 – ટ્રાઇ મિથૉક્સિબેન્ઝોઇલ મિથાઇલ રેસર્પેટ છે. તેનું અણુસૂત્ર C33H40N2O9 તથા અણુભાર 608.7 છે. તેનું બંધારણ-સૂત્ર નીચે દર્શાવ્યું છે :
તે સફેદ યા આછો ગુલાબી કે પીળાશ પડતો સ્વાદવિહીન પાઉડર છે. મંદ એસિટોનમાંથી તે લાંબા સ્ફટિક રૂપે મળે છે. આ પાઉડર પ્રકાશની હાજરીમાં કાળો પડી જાય છે, જ્યારે તેનું દ્રાવણ ઝડપથી કાળું પડી જાય છે. તેનાં તાજાં દ્રાવણો રાખી મૂકતાં તે પીળા રંગનાં બને છે તથા પ્રકાશની હાજરીમાં અથવા ઍસિડ ઉમેરતાં પ્રતિદીપ્તિ દર્શાવે છે. તે પાણીમાં અદ્રાવ્ય, આલ્કોહૉલમાં અલ્પદ્રાવ્ય તથા ક્લૉરોફૉર્મ, ઇથાઇલ ઍસિટેટ તથા બેન્ઝીનમાં દ્રાવ્ય છે.
રિસર્પીનનું સંશ્લેષણ કરી શકાયું હોવા છતાં મુખ્યત્વે તે વનસ્પતિ-સ્રોતોમાંથી મેળવાય છે. મધ્યમ-ઊંચા લોહીના દબાણ સામે તે અસરકારક હોવા છતાં ખૂબ ઓછી માત્રામાં તેનાથી ઘેનની અસર થાય છે, માનસિક હતાશા જન્મે છે તથા હોજરીમાં ચાંદાં પડે છે. વધુ માત્રામાં લેતાં લોહીનું દબાણ વધુ પડતું ઘટી જાય છે અને દર્દી બેભાન થઈ જાય છે.
તેની મુખ્ય આડઅસરોમાં લોહીનું નીચું દબાણ, ચાંદાં, અશક્તિ, દુ:સ્વપ્ન, નાક બંધાઈ જવું, હતાશા વગેરેને ગણાવી શકાય. જાનવરોમાં તે કૅન્સરપ્રેરક છે. માનવોમાં પણ તેનાથી કૅન્સર થવાનું જોખમ રહે છે.
જ. પો. ત્રિવેદી