રિયો ગ્રાન્ડે (શહેર) : બ્રાઝિલના દક્ષિણ છેડે આવેલા રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યનું શહેર. બ્રાઝિલમાં મુખ્ય બંદરો પૈકીનું એક બંદર. ભૌગોલિક સ્થાન : 32° 02´ દ. અ. અને 52° 05´ પ. રે.. તે રિયો ડી જાનેરોથી નૈર્ઋત્યમાં 1,260 કિમી.ને અંતરે તથા સમુદ્રથી 13 કિમી.ને અંતરે માત્ર 1.5 મીટરની ઊંચાઈએ રહેલા દ્વીપકલ્પીય ભાગ પર લાગોસ દોસ પાટોસ નામના ખાડીસરોવરના મથાળે આવેલું છે. અહીં રેતીની આડ(sand bar)ના અવરોધ રચાતા રહે છે. રેતીના આ અવરોધોને ડ્રેજરની મદદથી ઉલેચીને દૂર કરવા પડે છે. અવરોધ દૂર થવાથી દરિયા તરફ જતાં વહાણો રિયો ગ્રાન્ડે બંદર ખાતે અને એ જ રીતે 32 કિમી. અંદર વાયવ્ય તરફ પેલોટસ (Pelotas) ખાતે લાંગરી શકે છે.
આ શહેરમાં માંસપ્રક્રમણના અને શાકભાજી પૅક કરવાના એકમો આવેલા છે. ઊન, કાપડ અને શણની મિલો છે. કપાસનું ઉત્પાદન લેવાય છે તથા બીજી કેટલીક ચીજવસ્તુઓનાં કારખાનાં છે. અહીં વિકસેલા ઉદ્યોગોમાં મત્સ્યપ્રક્રમણ અને ફળપ્રક્રમણ, તમાકુપ્રક્રમણનો તેમજ પીણાં, રસાયણો અને પગરખાંના ઉત્પાદનનો સમાવેશ થાય છે. તેલ-રિફાઇનરી છે તેમજ 1970ના દશકામાં તેલસંગ્રહમથક પણ સ્થપાયું છે તથા સિયેરા ગ્રાન્ડેમાં ખાણકાર્ય વિકસ્યું છે. 1958માં સ્થપાયેલી યુનિવર્સિટી તથા હવાઈ મથક આ શહેર ખાતે આવેલાં છે.
રિયો ગ્રાન્ડે રાજ્યમાં પેદા થતી ચામડાં, ઊન, ચોખા, ઘઉં, વાલ, તમાકુ, ઠારેલી માછલીઓ અને ગોમાંસ જેવી પેદાશોની આ બંદરેથી બ્રાઝિલના જુદા જુદા પ્રદેશોમાં નિકાસ કરવામાં આવે છે. રિયો ગ્રાન્ડે દો સુલમાં થતી પેદાશોની નિકાસ માટે રિયો ગ્રાન્ડે અને પેલોટસ વચ્ચે સ્પર્ધા રહે છે. રિયો ગ્રાન્ડે અને પેલોટસ બંને રેલમાર્ગ તથા ધોરી માર્ગથી બ્રાઝિલનાં અન્ય શહેરો સાથે સંકળાયેલાં છે. 1996 મુજબ રિયો ગ્રાન્ડે રાજ્યની વસ્તી 96,34,688ની છે, જ્યારે 1991 મુજબ રિયો ગ્રાન્ડે શહેરની વસ્તી 1,78,000 છે.
અહીંના ખાડીસરોવરના મુખ ખાતે કુદરતી પુશ્તો (break- water) રચાવાને કારણે તેમાં મળતો પ્રવાહ નદી જેવો જણાય છે, આથી અહીં આવીને વસનારા સર્વપ્રથમ વસાહતીઓએ આ બંદરી સ્થળને રિયો ગ્રાન્ડે નામ આપ્યું હશે. 1737માં અહીં પૉર્ટુગીઝો આવેલા. તેમણે સામુદ્રધુની નજીક એક કિલ્લો પણ બાંધેલો. ત્યાંની વસાહતો 1745માં આજના રિયો ગ્રાન્ડે સ્થળ પર આવીને વસેલી. આજનું સ્થળ 1751માં નગરમાં ફેરવાયું. તેને સાઓ પેટ્રો દ રિયો ગ્રાન્ડે દો સુલ નામ અપાયેલું. 1763 સુધી તે પાટનગર તરીકે પણ રહેલું. 1763માં બુએનૉસ આઇરિસમાંથી સ્પૅનિશ દળોએ તેનો કબજો લીધેલો. તે પછી 1835માં તેને શહેરનો દરજ્જો મળ્યો.
જાહ્નવી ભટ્ટ
ગિરીશભાઈ પંડ્યા