રિયો ગ્રાન્ડે (નદી) : ઉત્તર અમેરિકાની લાંબામાં લાંબી નદીઓ પૈકીની એક. તે યુ.એસ.ના નૈર્ઋત્ય ભાગને વીંધીને 3,034 કિમી.ની લંબાઈમાં વહે છે. લંબાઈની દૃષ્ટિએ અહીં તે પાંચમા ક્રમે આવે છે. આ નદી મેક્સિકોના અખાતમાં ઠલવાય છે. તે અગાઉ ટેક્સાસમાં આવેલો અલ પાસો વટાવ્યા પછી યુ.એસ. અને મેક્સિકો વચ્ચેની 1,996 કિમી. જેટલી લંબાઈની સરહદ રચે છે. તેનો કુલ સ્રાવવિસ્તાર 4,45,000 ચોકિમી. જેટલો છે. નદીમાં થતા જળવહનનું પ્રમાણ એપ્રિલથી ઑક્ટોબર દરમિયાન વધુ રહે છે. હિમગલનથી તેમજ વર્ષા-વાવાઝોડાંથી ઉપરવાસ તરફ મે–જૂનમાં તથા હેઠવાસ તરફ જૂન–સપ્ટેમ્બરમાં તે ભરેલી રહે છે.

જૂના સ્પૅનિશ સાહસખેડુઓએ આ નદીને ‘રિયો ગ્રાન્ડે’ નામ આપેલું છે, મેક્સિકોવાસીઓ તેને ‘રિયો બ્રેવો’ અથવા ‘રિયો બ્રેવો દેલ નૉર્તે’ (અર્થ : પ્રગલ્ભ નદી અથવા ઉત્તરની પ્રગલ્ભ નદી) નામથી સંબોધે છે.

ઉપરવાસનો પ્રવાહપથ : આ નદી નૈર્ઋત્ય કૉલોરાડોની દક્ષિણ રૉકીઝ પર્વતમાળાના ખંડીય જળવિભાજક સાન જુઆન પર્વતોના 3,700 મીટરની ઊંચાઈએ રહેલા હિમાચ્છાદિત ભાગમાંથી નીકળે છે. શરૂઆતમાં કૉલોરાડો રાજ્યમાં તે અગ્નિ તરફ અને પછીથી ન્યૂ મેક્સિકો રાજ્યમાં ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. અહીં સુધીમાં તેને ઘણી સહાયક નદીઓ આવી મળે છે. અલ્બુકર્કથી ઉત્તરે તેનો પટ પહોળો બને છે. ત્યાંથી તે સૂકા ઉચ્ચપ્રદેશમાં થઈને પસાર થાય છે. અહીં એલિફન્ટ બુટે બંધને કારણે આશરે 65 કિમી. જેટલી લંબાઈનું જળાશય રચાયેલું છે. હેઠવાસ તરફ કૅબૅલો જળાશય પણ છે. આ બંને જળાશયોથી લાસ ક્રુસેસ ખાતેની રિયો ગ્રાન્ડે નવસાધ્ય યોજના માટે જરૂરી જળસંગ્રહપ્રમાણ જળવાઈ રહે છે. અમેરિકી બંધ નિર્માણ વિભાગ અહીંથી ઉત્તર તરફના પ્રદેશો માટે તથા મેક્સિકો માટે જળનિયંત્રણનો ખ્યાલ રાખે છે.

પાણીના વિપુલ જથ્થા સાથે કૉલોરાડો રાજ્ય(યુ.એસ.)માંથી વહેતી રિયો ગ્રાન્ડે નદી

મધ્યભાગનો પ્રવાહપથ : અલ પાસોથી છેક મેક્સિકોના અખાત સુધી આંતરરાષ્ટ્રીય સરહદ બનાવતી આ નદી પ્રેસિડિયો સુધી અગ્નિ તરફ અને પછી પહાડી અવરોધને કારણે ઉત્તરતરફી ગોળાકાર વળાંક લે છે. ત્યારબાદ તે પૂર્વ તરફ અને અગ્નિ તરફ વહી મેક્સિકોના અખાતને મળે છે. ટેક્સાસ રાજ્યની સરહદ પાસે તે ઍૅમિસ્ટેડ બંધનું 20 કિમી. લંબાઈનું જળાશય બનાવે છે. મધ્યનો પ્રવાહપથ સૂકા વિસ્તારમાં થઈને પસાર થતો હોવાથી ઉનાળામાં ક્યારેક તે સુકાઈ જાય છે. પાણી હોય ત્યારે સિંચાઈમાં ઉપયોગમાં લેવાય છે. અલ પાસો અને પ્રેસિડિયો નજીક તેના પર રેલમાર્ગો બાંધવામાં આવેલા છે.

હેઠવાસનો પ્રવાહપથ : હેઠવાસમાં ‘ઈગલ પાસ’ અને લારેડો વચ્ચે આ નદી પહોળો પટ બનાવે છે. અહીંનાં આ બંને સ્થળો અગત્યનાં રેલમથકો પણ છે. લારેડોથી 80 કિમી. અંતરે મેક્સિકોની કૉન્કૉસ, સૅલેડો અને સાન જુઆન જેવી મહત્વની નદીઓ તેને મળે છે. સૅલેડો સાથેના સંગમથી હેઠવાસમાં આશરે 32 કિમી.ના અંતરે તેમજ રિયો ગ્રાન્ડે શહેરથી ઉપરવાસમાં 1953માં બાંધેલો ફાલ્કન બંધ અને તેની પાછળ 55 કિમી.માં પથરાયેલું ફાલ્ક્ધા જળાશય આવેલાં છે. ફાલ્કન બંધ બંધાયો તે અગાઉ આ નદીની કુલ જળઆવક વાર્ષિક દસ અબજ ઘન મીટર (10 લાખ હેક્ટર/મીટર) જેટલી હતી, હવે તેનો માત્ર 2 ભાગ જ મેક્સિકોના અખાતને જઈ મળે છે. મેક્સિકોના કૅમાર્ગો ખાતે અલ અઝુકર જળાશય અને ત્યાંથી વધુ આગળ મિશન જળાશય પણ તૈયાર કરાયાં છે. આ નદીથાળાના પાણીથી 12 લાખ હેક્ટર જમીનને સિંચાઈ ઉપલબ્ધ થાય છે. અને તે પૈકીના B ભાગનાં પાણી યુ.એસ.ને મળે છે. રિયો ગ્રાન્ડે શહેર અને બ્રાઉન્સ વિલે વચ્ચેના વિસ્તારના ખેડૂતો કપાસ, ખાટાં ફળો અને શાકભાજીની ખેતી માટે તથા કૉલોરાડોના પ્રદેશના લોકો બટાટા અને આલ્ફા-આલ્ફાની ખેતી માટે તેના પાણીનો ઉપયોગ કરે છે.

1936માં બ્રાઉન્સવિલેથી લગુના માદ્રે સુધી 27 કિમી.ની લંબાઈની એક નહેર બાંધવામાં આવેલી છે. તે મેક્સિકોના અખાત સુધી પહોંચે છે. આ નદી તેના આખાય પ્રવાહપથમાં છીછરી રહેતી હોવાથી જળમાર્ગ તરીકે ઉપયોગમાં લઈ શકાતી નથી.

ગિરીશભાઈ પંડ્યા