રિયો ગ્રાન્ડે દો સુલ

January, 2004

રિયો ગ્રાન્ડે દો સુલ : બ્રાઝિલના દક્ષિણ છેડે આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 30° 00´ દ. અ. અને 54° 00´ પ. રે.ની આજુબાજુનો 2,82,184 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની દક્ષિણે ઉરુગ્વે અને પશ્ચિમે આર્જેન્ટીના આવેલા છે. રાજ્યનો દક્ષિણ ભાગ પહાડી છે અને પ્રેરિઝનાં મેદાનોથી છવાયેલો છે. ઉત્તર ભાગ ઉચ્ચપ્રદેશીય છે. તેના ઢોળાવો પશ્ચિમતરફી છે. આબોહવા ઉપઅયનવૃત્તીય છે, તેથી વનસ્પતિ પણ ઉપઅયનવૃત્તીય લક્ષણો ધરાવતી, પાઇનવુડનાં જંગલોવાળી છે. ઉત્તર તરફના ઉચ્ચપ્રદેશીય વિસ્તારમાં ધાન્યપાકો, તમાકુ અને ફળો થાય છે. ખેતી વસાહતોના વિસ્તારોની આજુબાજુ થાય છે. દારૂ અહીંની મહત્વની પેદાશ છે. રાજ્યના દક્ષિણ ભાગના ખીણવિસ્તારમાં ધાન્યપાકોનું વાવેતર અને પશુપાલન થાય છે. જાકુઈની ખીણમાં ડાંગરનો પાક લેવાય છે. માંસપ્રક્રમણ, ચામડાં કમાવવાની પ્રવૃત્તિ, ચીઝ, ઊન વગેરેના વ્યવસાયો વિકસાવાયા છે. રાજ્યમાં થતી અન્ય પેદાશોમાં રસાયણો, પેટ્રોકેમિકલ્સ, લાકડાં, ધાતુપેદાશો અને રાચરચીલાંનો સમાવેશ થાય છે.

ઓગણીસમી સદીમાં યુરોપના અને વિશેષે કરીને તો જર્મનીના લોકો અહીં આવીને વસ્યા. પૉર્ટો એલિગ્રી (પાટનગર), રિયો ગ્રાન્ડે (મુખ્ય બંદર), પેલોટસ, કૅક્સિઆસ દો સુલ અને નોવા હૅમ્બર્ગ અહીંનાં મુખ્ય શહેરો છે. વસ્તી : 1996 મુજબ 9,634,688 જેટલી છે.

જાહ્નવી ભટ્ટ