રિયાલ્તો ટાપુઓ (Rialto Islands) : ભૂમધ્ય સમુદ્રના ભાગરૂપ ઍડ્રિયાટિક સમુદ્રના ઉત્તર છેડે આવેલો નાનો ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : 45° 38´ ઉ. અ. અને 12° 30´ પૂ. રે.. ઇટાલીનું વેનિસ શહેર તેના પર વસેલું છે. આ ટાપુઓ કાંપ તેમજ દરિયાઈ નિક્ષેપોથી તૈયાર થયેલા છે અને નજીકની મુખ્ય ભૂમિથી પૂર્વ તરફ આશરે 4 કિમી.ના અંતરમાં ભરતીથી બનેલાં છીછરાં ખાડી સરોવરોમાં આવેલા છે. તે સડકમાર્ગ તથા રેલમાર્ગ દ્વારા મુખ્ય ભૂમિ સાથે જોડાયેલા છે.
સમુદ્રસપાટી ઊંચી આવવાથી અથવા પોપડાનું સ્થાનિક અવતલન થવાથી અથવા નજીકની નદીઓ ફંટાઈ જવાને કારણે વધુ પ્રમાણમાં ભૂગર્ભજળ ખેંચી લેવાથી અથવા ભારે ઇમારતોના નિર્માણથી આ ટાપુઓ 1970ના દાયકા દરમિયાન વાર્ષિક 3 સેમી.ના દરથી ડૂબતા જતા જણાયા હતા. 1980 સુધીમાં ભૂગર્ભજળની સપાટી ઊંચી લાવવાના હેતુને લક્ષમાં રાખીને બહારના સ્રોતોમાંથી પાણીનો ઉપયોગ કરવાના પ્રયાસો હાથ ધરવાથી ટાપુઓનું અવતલન અટકી ગયું છે.
જાહ્નવી ભટ્ટ