રિયાધ : સાઉદી અરેબિયાનું પાટનગર અને મોટામાં મોટું શહેર તથા તે જ નામ ધરાવતો વિસ્તાર. આ વિસ્તાર મધ્ય અરબ દ્વીપકલ્પના નજ્દ વિભાગમાં આવેલો છે. તે વાદી હનીફાહ, વાદી અયસાન અને વાદી અલ-બાથાની મધ્યમાં રહેલા ઉચ્ચપ્રદેશ વિભાગને આવરી લે છે. ભૌગોલિક સ્થાન : 24° 45´ ઉ. અ. અને 46° 40´ પૂ. રે. તે દેશના લગભગ મધ્યભાગમાં રણદ્વીપો વચ્ચે સૂકા, ખડકાળ ઉચ્ચપ્રદેશ પર આવેલું છે. રિયાધ સાઉદી અરેબિયાના વિશાળ તેલઉદ્યોગનું મુખ્ય મથક છે. ખનિજતેલના વેપારને કારણે તે દુનિયામાં ઘણું મહત્વનું મથક ગણાય છે.
1930ના દાયકામાં અહીં ખનિજતેલના ભંડારો મળી આવ્યા પછીથી અર્થાત્ વીસમી સદીના મધ્યકાળથી રિયાધ દુનિયાનાં ઝડપથી વિકસતાં જતાં શહેરો પૈકીનું એક શહેર બની રહેલું છે. આ શહેરનો મોટો ભાગ ફરીથી બંધાયો છે. શહેરની મધ્યમાં તેમજ આજુબાજુ પોલાદ અને કાચની આધુનિક ઢબની ઇમારતો (હોટેલો, હૉસ્પિટલો અને શાળાઓ) ઊભી થઈ છે. સાંકડી ગલીઓ અને શેરીઓથી ઘેરાયેલાં ઈંટ અને માટીથી બનાવેલાં જૂનાં મકાનોની જગાએ હવે નવા આવાસો તૈયાર થયા છે તથા રસ્તાઓ પહોળા બન્યા છે. નવી ઢબનાં આવાસી મકાનો રિયાધમાં બધે જ નજરે પડે છે. આજે આ શહેર પચરંગી વસ્તીવાળું બની રહેલું છે. ઘણા શ્રીમંત અધિકારીઓ, વિદેશોના પ્રતિનિધિઓ અને સાઉદી રાજવંશના નબીરાઓ કોટથી આરક્ષિત સુંદર આવાસોમાં રહે છે. મધ્યમ વર્ગના ઘણાખરા લોકો ગગનચુંબી ફ્લૅટોમાં રહે છે. જ્યારે અહીંના મોટાભાગના ગરીબ લોકો ઝૂપડાંમાં, તો કેટલાક સરકાર તરફથી અપાયેલાં નવાં મકાનોમાં રહે છે.
રિયાધમાં આવેલું નૅશનલ આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ જોવાલાયક છે. તેમાં દેશના ભૂતકાળના લગભગ બધા જ સમયગાળાઓને આવરી લેતી ચીજવસ્તુઓ પ્રદર્શિત કરેલી છે. રિયાધની કિંગ સાઉદ (I) યુનિવર્સિટી (1957) હવે સાઉદી અરેબિયાની રિયાધ યુનિવર્સિટીમાં ફેરવાઈ છે. શહેરમાં ફૂટબૉલની રમત માટેનું એક સ્ટેડિયમ છે. વળી ઘોડા અને ઊંટની દોડસ્પર્ધા માટેનો માર્ગ પણ છે. આ ઉપરાંત અહીં નાના નાના પાર્ક અને પ્રાણીસંગ્રહાલયો પણ છે. તે ધોરી માર્ગે કિનારા સુધી સંકળાયેલું છે. જેટ હવાઈ મથકનું બાંધકામ 1978માં શરૂ થયેલું તે પૂર્ણ થઈ ગયું છે અને ત્યાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે.
સાઉદી અરેબિયાની સરકાર દેશના તેલઉદ્યોગ પર કાબૂ ધરાવે છે. અહીંના ઉદ્યોગોમાં ખનિજતેલ રિફાઇનરી અને સિમેન્ટ ઉદ્યોગનો સમાવેશ થાય છે. રિયાધ તેલના વેપારનું મથક હોવાથી સરકાર અન્ય ધંધાઓ કરતાં તેલના ધંધામાં રિયાધના નિવાસીઓની નિમણૂક કરે છે. આ શહેરમાં બાંધકામનિર્માણ-ક્ષેત્રનો પણ વિકાસ થયો છે. તેમાં શ્રમિકો ઉપરાંત ઘણા લોકો રોકાયેલા છે. બાંધકામ માટે જરૂરી સિમેન્ટનું પણ અહીંની ફૅક્ટરીઓમાં ઉત્પાદન લેવાય છે. રિયાધમાં બે મોટાં બજારો (સ્થાનિક નામ સુક્સ–suqs) આવેલાં છે. તેમાં વેપારીઓ નજીકના રણદ્વીપોમાં ઉગાડાતી ખજૂર, અનાજ, શાકભાજી અને રેસાઓના ધંધા કરે છે. આમ વહીવટી પાંખ ઉપરાંત રિયાધ હવે વેપાર-વાણિજ્ય, શિક્ષણ અને પરિવહન ક્ષેત્રે સાઉદી અરેબિયાની ધરી બની રહ્યું છે.
વિદ્વાનો માને છે કે આજે જ્યાં રિયાધ છે ત્યાં ઈ. પૂ. 700થી અઢારમી સદી સુધી નાનાં નાનાં ઘણાં ખેતરો અને વસાહતો હતાં. 1746માં અહીંના એક સ્થાનિક અગ્રણીએ આ બધી વસાહતોને એક કરી. 1824માં રિયાધ સાઉદી વંશના રાજાથી શાસન કરાતા વિસ્તારનું પાટનગર બન્યું અને 1881માં અહીં હાયલના રશીદ વંશે નજ્દ પર વર્ચસ્ જમાવ્યું ત્યાં સુધી સાઉદી વંશના શાસન હેઠળ રહેલું. સાઉદી વંશે અરેબિયાનો ફરીથી કબજો મેળવવા માટે આ શહેરનો ઉપયોગ કરેલો અને 1930માં અસીર લઈને આ પ્રદેશને જીતી લીધો. 1932માં સાઉદી અરેબિયાના સમગ્ર વિસ્તારનું એકીકરણ કરવામાં આવ્યું અને રિયાધને ફરીથી પાટનગર તરીકે સ્થાપ્યું.
1932માં સાઉદી અરેબિયાને રાષ્ટ્રનો દરજ્જો મળ્યો અને રિયાધ પાટનગર તરીકે સ્થાપિત થઈ ગયું. દેશમાં તેલની આવક જેમ જેમ વધતી ગઈ તેમ તેમ 1950ના દશકામાં તેમજ 1970ના દશકામાં તે વધુ ઝડપથી વિકસતું ગયું. રિયાધની વસ્તી 1960ના દશકામાં જે હતી તેના કરતાં 1990ના દશકામાં ત્રણગણી થઈ ગઈ છે. 2000 મુજબ તેની વસ્તી 21.66 લાખ જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા