રિગાનો અખાત : ઉત્તર ગોળાર્ધમાં આવેલા બાલ્ટિક સમુદ્રના પૂર્વ ભાગમાં વિસ્તરેલો અખાત. ભૌગોલિક સ્થાન : 57° 30´ ઉ. અ. અને 23° 35´ પૂ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. તે લૅટવિયાના ઉત્તર કિનારાથી, ઍસ્ટોનિયાના પશ્ચિમ કિનારાથી તથા ઉત્તર-વાયવ્ય તરફ આવેલા ટાપુથી ઘેરાયેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 18,000 ચોકિમી. જેટલું છે. તેની વધુમાં વધુ ઊંડાઈ 54 મીટર જેટલી છે. ઍસ્ટોનિયાના મુહુ દ્વીપકલ્પ દ્વારા તે બાલ્ટિક સમુદ્રથી જુદો પડે છે. વાયવ્ય તરફ આવેલી સામુદ્રધુનીઓને માર્ગે તેનો જળવ્યવહાર ચાલે છે. ડિસેમ્બરથી એપ્રિલ માસ સુધી તે ઠંડીને કારણે હિમથી આચ્છાદિત રહે છે. તેના કિનારાના ભાગો પ્રમાણમાં નીચા અને રેતાળ છે. આજુબાજુના ભૂમિભાગો તરફથી ડ્વિના તેમજ અન્ય નદીઓ તેમાં ઠલવાય છે. તેના કિનારા પર કેટલાંક બંદરો તેમજ વિહારધામો (resorts) આવેલાં છે. લૅટવિયાનું પાટનગર રિગા તેના દક્ષિણ કિનારે આવેલું મહત્વનું શહેર અને બંદર છે.
જાહ્નવી ભટ્ટ