રિગા : લૅટવિયાનું પાટનગર અને તે દેશનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 57° 00´ ઉ. અ. અને 24° 30´ પૂ. રે. તે બાલ્ટિક સમુદ્રના ભાગરૂપ રિગાના અખાતના દક્ષિણ છેડે ડ્વિના (ડૌગોવા) નદીના મુખ પર આવેલું છે. તે એક મહત્વનું જહાજી મથક હોવા ઉપરાંત લૅટવિયામાં થતા ઔદ્યોગિક ઉત્પાદનનો 50 %થી વધુ માલસામાન અહીં લાવવામાં આવતો હોવાથી તે આ વિસ્તારનું ઘણું અગત્યનું વેપારી મથક બની રહેલું છે. આ ઉપરાંત સેંકડો વર્ષોથી તે લૅટવિયાનું પાટનગર હોવાથી રાજકીય, વહીવટી અને સાંસ્કૃતિક કેન્દ્ર પણ છે.
આ શહેર ડ્વિના નદીના કાંઠા પર વસેલું છે. શહેરમાં આધુનિક ઢબનાં ઇમારતી મકાનોનાં સંકુલો આવેલાં છે. તેમની આજુબાજુ સુંદર ચર્ચ તથા વેપારીઓના આવાસો આવેલાં છે. અહીંના આ આવાસો તેમજ કેટલોક વિસ્તાર મધ્યકાલીન તવારીખની યાદ અપાવે છે.
આ શહેર લગભગ 800 વર્ષ જૂનું છે. 1201માં જર્મન દળોએ તે વસાવેલું. 1918માં લૅટવિયાને સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો મળતાં રિગા તેનું પાટનગર બન્યું. 1940માં સોવિયેટ સંઘે તે પડાવી લીધેલું અને તેને પોતાના પ્રદેશનો ભાગ બનાવી દીધેલું. 1991માં સોવિયેટ સંઘના ભાગલા પડતાં લૅટવિયા ફરીથી સ્વતંત્ર બનતાં રિગા તેના પાટનગર તરીકે વિકસ્યું છે. તેની વસ્તી 1995 મુજબ 8,40,000 જેટલી છે.
જાહ્નવી ભટ્ટ
ગિરીશભાઈ પંડ્યા