રાસાયણિક યુદ્ધ (chemical warfare) : લશ્કરી હેતુઓ માટે પરંપરાગત શસ્ત્રો કે આયુધોને બદલે માનવી, પ્રાણીઓ અને વનસ્પતિ ઉપર સીધી વિષાળુ કે હાનિકારક અસર નિપજાવતા ઘન, પ્રવાહી કે વાયુરૂપ પદાર્થોના ઉપયોગથી થતાં યુદ્ધો. આમાં આમ તો પ્રકોપન (irritation), બળતરા (દાહ, burning), શ્વાસાવરોધન (asphyxiation) અથવા ઝેરીકરણ (poisoning) દ્વારા મૃત્યુ નિપજાવતા, ભૂમિને પ્રદૂષિત કરતા તથા નાપામ (napalm) જેલ (gel), મૅગ્નેશિયમ અને થર્માઇટ જેવા આગ લગાડનાર પદાર્થોનો સમાવેશ થાય; પરંતુ સામાન્ય રીતે યુદ્ધમાં માનવીના ચેતાતંત્રને લકવાગ્રસ્ત બનાવી દેતા ઘાતક (lethal) અને બિનઘાતક (nonlethal); હંગામી ધોરણે અંધાપો, બધિરતા, લકવો, ઊબકા કે ઊલટી પેદા કરતા; ત્વચા, આંખો અથવા ફેફસાં માટે તીવ્રપણે દાહક અથવા શ્વાસોચ્છ્વાસમાં રુકાવટ પેદા કરતા રાસાયણિક પદાર્થોના ઉપયોગ માટે આ પદ (term) વપરાય છે. વળી તેમાં વિયેટનામ યુદ્ધમાં વપરાયેલાં નિષ્પત્રકારકો (defoliants) અને તૃણનાશકો-(herbicides)નો પણ સમાવેશ થાય છે. આ પ્રકારનાં રસાયણોને બૉબ દ્વારા ફેંકવામાં આવે છે અથવા વિમાનમાંથી તેનો છંટકાવ થાય છે. તોપના વિસ્ફોટક ગોળારૂપે પણ તે ફેંકી શકાય છે અથવા ભૂ-સુરંગો (land mines) ફોડીને તેમને પ્રક્ષેપિત (disperse) કરી શકાય છે.

લશ્કરી તાલીમ અને વ્યૂહરચનામાં હવે તો રાસાયણિક (chemical), જૈવિક (biological) અને વૈકિરણિક (radiological) (CBR) શસ્ત્રોના વિકાસ અને તે સામેના રક્ષણની કાર્યવહીનો સમાવેશ થાય છે. આ પ્રકારનાં શસ્ત્રો મોટા પાયા પર લોકોની જાનહાનિ કરવા, તેમને પાંગળા બનાવવા અથવા તેમના અન્ન-પુરવઠાનો નાશ કરવાના ઉપયોગમાં લઈ શકાય છે; પણ તેમના ઉપયોગથી માલમિલકતનો નાશ થતો નથી.

ઈ. પૂ. 431-404માં પેલોપોનેશિયન યુદ્ધ વખતે ગ્રીક સૈનિકોએ ખૂબ મોટા પ્રમાણમાં ડામર (pitch) તથા ગંધક વાપરી ધુમાડો ઉત્પન્ન કરી શત્રુ ઉપર આક્રમણ કર્યાનો ઉલ્લેખ મળે છે. રોમનો દ્વારા કૂવાના પાણીને ઝેરી બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 1900નાં શરૂઆતનાં વર્ષોમાં સુવિકસિત રાસાયણિક ઉદ્યોગો અસ્તિત્વમાં આવતાં વિવિધ દેશો દ્વારા યુદ્ધમાં વાપરી શકાય તેવાં રસાયણો વિકસાવવાના પ્રયત્નો શરૂ થયા. 1907માં હેગ ખાતે ભરાયેલી શાંતિ પરિષદે યુદ્ધમાં ઝેરી વાયુઓ વાપરવા પર મનાઈ ફરમાવી હતી.

પ્રથમ વિશ્વયુદ્ધ(1914-1918)માં ફ્રેન્ચોએ જર્મન સૈનિકો ઉપર અશ્રુવાયુનો ઉપયોગ કર્યો તો તેના પ્રતિકાર રૂપે જર્મનોએ ફ્રેન્ચ સૈનિકો પર ક્લોરિન વાયુ વાપર્યો. પરિણામે 500 સૈનિકોનાં મૃત્યુ થયાં અને લગભગ 10,000 વ્યક્તિઓને તેની ઝેરી અસર થઈ. મિત્ર રાજ્યોએ કલૉરિનથી છ-ગણો વધુ ઝેરી ફૉસ્જિન વાયુ જર્મન સૈનિકો ઉપર વાપર્યો હતો. આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધમાં લગભગ 1,25,000 ટન વિષાળુ રસાયણો વપરાયેલાં, જેના કારણે એક લાખનાં મૃત્યુ નીપજેલાં અને 13 લાખને અસર થઈ હતી.

1930ના મધ્ય ભાગમાં ઇટાલિયન સૈન્યે ઈથિયોપિયા(તે વખતનું એબિસિનિયા)માં સ્થાનિક દળો સામે રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કરેલો, જ્યારે જાપાની સૈન્યે મંચુરિયામાં ચીન સામે રાસાયણિક અને જૈવિક શસ્ત્રો વાપરેલાં. બીજા વિશ્વયુદ્ધ વખતે બધી મુખ્ય સત્તાઓ – યુ.એસ., ગ્રેટ બ્રિટન, સોવિયેત સંઘ, જર્મની અને જાપાન -રાસાયણિક અને જૈવિક શસ્ત્રોના ભંડારો ધરાવતી હતી. જર્મનીએ ચેતાપ્રભાવી વાયુ (તંત્રિકા વાયુ, nerve gas) પણ વિકસાવ્યો હતો, પણ તેનો ઉપયોગ કર્યો ન હતો.

આધુનિક સમયમાં ઈરાન-ઇરાક યુદ્ધ (1980-1988) દરમિયાન રાસાયણિક શસ્ત્રોનો આઘાતજનક ઉપયોગ થયો હતો. બંને દેશોએ વિકસાવેલાં આવાં શસ્ત્રોની અસર હેઠળ હજારો નાગરિકો અને સૈનિકો વિવિધ પ્રકારનાં રસાયણોની અસર હેઠળ મૃત્યુ પામેલાં.

વિવિધ રીતો વડે ઉત્પાદિત કરાતાં રાસાયણિક શસ્ત્રો વિષાળુ રાસાયણિક સંયોજનો ધરાવે છે. આવાં રાસાયણિક કારકો (chemical agents) ચેતાતંત્ર, શ્વસનકેન્દ્રો, ત્વચા, આંખો, નાક અથવા ગળાને અસર કરે છે. રાસાયણિક યુદ્ધ (chemical war, CW) માટેનાં આ કારકોનું વર્ગીકરણ અનેક રીતે થાય છે.

એક પ્રકાર પદાર્થની બાષ્પશીલતા પ્રમાણેનો છે. ઉચ્ચપણે બાષ્પશીલ પદાર્થોનું વર્ગીકરણ દીર્ઘસ્થાયી (persistant) અને બિનદીર્ઘસ્થાયી (nonpersistant) – એ પ્રમાણે થાય છે. જો લક્ષ્ય (target) ઉપર ફેંકાયા બાદ 10 મિનિટ પછી કારકનું સંકેન્દ્રણ એટલું હોય કે રક્ષણની જરૂર પડે તો તેને દીર્ઘસ્થાયી કહે છે. ઉચ્ચપણે દીર્ઘસ્થાયી કારકો 12 કલાક પછી પણ અસરકારક હોય છે. 10 મિનિટથી ઓછા સમય માટે અસરકારક હોય તો તેને બિનદીર્ઘસ્થાયી કારક કહે છે.

માનવી સામે ઉપયોગમાં લેવાતાં CW(chemical warfare)-કારકોને (i) ઘાતક (મારી નાંખવા માટે ઉપયોગમાં લેવાતા) પદાર્થો અને (ii) પંગુતાકારકો (incapacitating agents) – એમ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. કેટલાકના મતે પ્રકોપકો (દાહક પદાર્થો)ને ત્રીજા વર્ગ તરીકે અલગ પાડી શકાય. તેમની દેહધાર્મિક (physiological) અસર પ્રમાણે રાસાયણિક કારકોના સાત ભાગ પાડી શકાય : (i) શ્વાસાવરોધી(choking) : શ્વાસનળીને અસર કરતાં કારકો; (ii) ફોલ્લાકારકો (blistering agents) : શરીરની બહારની તેમજ અંદરની પેશીઓ પર દાહ ઉત્પન્ન કરતા અને તેમનો નાશ કરતા પદાર્થો; (iii) રક્તપ્રભાવી કારકો (blood agents) : શ્વાસ, ત્વચા અથવા ગળા દ્વારા શરીરમાં શોષાવાથી લોહી ઉપરની પ્રક્રિયા દ્વારા શરીરની ક્રિયાઓને અસર કરતાં કારકો; (iv) ચેતાપ્રભાવી કારકો : ઉપરની રીતે શરીરમાં દાખલ થઈ ચેતાતંત્રને અસર કરતા પદાર્થો; (v) વમનેચ્છા (nausea) કરાવતા, છીંકો લાવતા અને માથામાં સખત દુખાવો ઉત્પન્ન કરતા પદાર્થો; (vi) અશ્રુવાયુ જેવાં નેત્રપ્રકોપકો (eye irritants) અને (vii) મન:પ્રભાવી રસાયણો (psychochemicals) અથવા માનસિક કે શારીરિક પંગુતા ઉત્પન્ન કરતાં રસાયણો. તે હંગામી ધોરણે માનવીની વર્તણૂક અને સ્નાયુઓના નિયંત્રણને અસર કરે છે. છેલ્લા ત્રણ પ્રકારનાં કારકોની બાબતમાં સારવાર વિના પણ તેમનાથી અસર પામેલ વ્યક્તિઓ ઘણી વાર સાજી થઈ શકે છે.

ઘાતક રાસાયણિક કારકો : લશ્કરી ઉપયોગમાં આવી શકે તેવા અનેક ઘાતક પદાર્થો છે, પણ cw-કારકો તરીકે થોડાકને જ વિકસાવવામાં આવ્યા છે. આ પૈકી ચેતાપ્રભાવી (nerve) કારકો સૌથી વધુ ચિંતાનું કારણ બન્યાં છે.

ચેતાપ્રભાવી કારકો (nerve agents) : આ પદાર્થો ચેતાતંત્રને ઝેરગ્રસ્ત કરી ચેતાસંચારણ (nerve transmission) જેવાં કાર્યોને ખોરવી નાંખે છે અને તેથી હૃદય અને ફેફસાં જેવાં અંગો નિષ્ફળ જાય છે. આવા પદાર્થો કાર્બનિક ફૉસ્ફરસ સંયોજનોના વર્ગમાં આવે છે. તેમના અત્યંત ઝેરી એવા બે સમૂહો છે : G-કારકો અને V-કારકો. તબુન (tabun) [ઇથાઇલ ફૉસ્ફોરોડાઇમિથાઇલ અમાઇડો-સાયનિડેટ, (CH3)2NP(O)(C2H5O)(CN)] સરિન (sarin) {આઇસોપ્રોપાઇલ મિથાઇલ ફૉસ્ફોનોફ્લૉરિડેટ, [(CH3)2CHO] (CH3) FPO} અને સોમન (soman) [મિથાઇલ ફૉસ્ફોનોફ્લૉરિડિક ઍસિડ1, 2, 2-ટ્રાઇમિથાઇલ પ્રોપાઇલ એસ્ટર, CH3CCH(CH3) OPF(O)CH3] જેવાં સૌથી વધુ અસરકારક G-કારકો જર્મનીમાં બીજા વિશ્વયુદ્ધના થોડા સમય પહેલાં અથવા યુદ્ધ દરમિયાન વિકસાવવામાં આવેલાં. V-કારકો કે જે સૌથી વધુ વિષાળુ છે તેમાં VX તરીકે ઓળખાતો પદાર્થ અગત્યનો છે.

ચેતાપ્રભાવી કારકો એ એવાં રંગવિહીન પ્રવાહીઓ છે કે જેમને ગંધ કે સ્વાદ હોતાં નથી અને તેઓ હાનિ ન પહોંચાડે ત્યાં સુધી તેમને પારખવાં મુશ્કેલ હોય છે.

વાયુ અથવા વાયુવિલય (aerosol) ચેતાપ્રભાવી કારકો શ્વાસ દ્વારા, જ્યારે પ્રવાહી કારકો ત્વચા અથવા આંખ દ્વારા શરીરમાં દાખલ થાય છે. શ્વાસ દ્વારા ઘાતક માત્રામાં દાખલ થયેલાં કારકોની ઝેરી અસર તુરત થાય છે અને એકથી દસ કે પંદર મિનિટમાં મૃત્યુ નીપજી શકે છે. ત્વચા દ્વારા દાખલ થયેલા ઝેરની અસર થોડી મોડી થાય છે. ખુલ્લી ચામડી પર VXની મારક (lethal) માત્રા એકથી બે ટીપાં (5થી 15 મિગ્રા) જેટલી હોય છે. પ્રવાહી અથવા ઘન ચેતાપ્રભાવી કારકો દ્વારા પ્રદૂષિત થયેલ ખોરાક દ્વારા પણ ઝેરની અસર થઈ શકે છે.

ઓછી માત્રામાં ઝેરી વાયુ કે વાયુવિલય શરીરમાં જાય ત્યારે નાક નીતરે છે, આંખની કીકી નાની થાય છે (miosis), જોવામાં મુશ્કેલી પડે છે અને છાતી ઉપર દબાણ અનુભવાય છે. ઝેર વધુ માત્રામાં ગયું હોય તો આ લક્ષણો વધુ આગળ પડતાં હોય છે. આ ઉપરાંત મોંમાં મોળ આવવી (nausea) અને ઊલટી થવી, હાથપગ ખેંચાવા કે ગોટલા ચઢવા (cramps), ઝાડો/પેશાબ જેવી ક્રિયાઓ પર નિયંત્રણ ન રહેવું, આંચકી આવવી, મૂર્છા (coma) વગેરે પણ જોવા મળે છે. આ લક્ષણો દેખાયા પછી શ્વાસ બંધ પડે છે અને મૃત્યુ નીપજે છે.

ચેતાપ્રભાવી કારકો વાયુ, પ્રવાહી, પાઉડર કે છંટકાવ (sprays) રૂપે વપરાય છે. આ પ્રકારનાં રસાયણોને બૉંબ દ્વારા ફેંકવામાં આવે છે અથવા વિમાનમાંથી તેમનો છંટકાવ થાય છે. તોપના વિસ્ફોટક ગોળા રૂપે પણ તે ફેંકી શકાય છે અથવા ભૂ-સુરંગો (land mines) ફોડીને તેમને પ્રક્ષેપિત (disperse) કરી શકાય છે.

ચેતાપ્રભાવી કારકો શરીરને એસિટાઇલ કોલાઇન જેવા પ્રેષિત્ર (transmitter) પદાર્થોના અવક્રમણ (degradation) માટે જરૂરી એવા એસિટાઇલ કોલાઇન એસ્ટરેઝ ઉત્સેચકને અવરોધે છે. ઉત્સેચક અવરોધાતાં એસિટાઇલ કોલાઇન પાછળ રહી જાય છે અને સંકેતો આપ્યે જાય છે, જેથી ચેતાતંત્રના અસર પામેલા ભાગ પર નિયંત્રણ રહેતું નથી.

CW-કારકો તરીકે સામાન્ય ઝેરી પદાર્થો : રક્તપ્રભાવી કારકો (blood agents) : સાયનાઇડ જેવાં રક્તપ્રભાવી કારકો માનવપેશીઓમાં ઑક્સિજનની અછત ઊભી કરે છે અને તેથી શ્વાસોચ્છ્વાસ અવરોધાય છે (respiratory failure) અથવા લકવાની અસર થાય છે.

હાઇડ્રોજન સાયનાઇડ (HCN) એ કડવી બદામ જેવી વાસ અને 26° સે. ઉ. બિં. ધરાવતું આ પ્રકારનું પ્રવાહી છે. તે શરીરમાંના અનેક જીવનાવશ્યક (vital) ઉત્સેચકો સાથે સંયોજાઈ તેમને નિષ્ક્રિય બનાવે છે. તે ઝડપથી અસર કરતો પદાર્થ છે; પણ તે ઘણો બાષ્પશીલ હોવાથી શસ્ત્ર જ્યાં ફેંકાય તેની તદ્દન નજીકના ભાગ સિવાય અન્યત્ર તે ઘાતક માત્રામાં પૂરતા લાંબા સમય સુધી ટકી રહેતો નથી. પ્રથમ વિશ્વયુદ્ધમાં ફ્રેન્ચો દ્વારા વિન્સેનાઇટ (vincennite) નામ હેઠળ તેનો ઉપયોગ થયેલો.

સાયનોજન ક્લોરાઇડ (CK) પણ ફ્રેન્ચો દ્વારા વાપરવામાં આવેલ. તેમણે તેને આર્સેનિક ટ્રાઇક્લોરાઇડ વડે સ્થિર કરેલો (stabilized). તે મિશ્રણને વિટ્રાઇટ (vitrite) કહેવામાં આવતું. તે લોહી અને ચેતાને અસર કરે છે.

આવિષો (toxins) : જીવંત સજીવો દ્વારા ઉત્પન્ન કરાતા ઝેરી પદાર્થો આવિષો કહેવાય છે. તેમનો સૈનિક કાર્યવહી માટે ઉપયોગ થાય તો તેમની રાસાયણિક શસ્ત્રોમાં ગણના થાય છે. સૌથી વધુ ઝેરી આવિષો ઉચ્ચ અણુભાર ધરાવતાં પ્રોટીન-સ્વરૂપે હોય છે. તેમની અત્યંત વિષાળુતા છતાં આર્થિક દૃષ્ટિએ તે અસરકારક શસ્ત્રો નથી. જોકે ભાંગફોડ (sabotage) જેવી નાના પાયા પરની કાર્યવહી માટે તે ધ્યાનમાં લેવાય છે.

ક્લૉસ્ટ્રિડિયમ બોટુલિનમ નામના જીવાણુ દ્વારા ઉત્પન્ન કરાતું બોટુલિનમ ટૉક્સિન-A એ સૌથી વિષાળુ કાર્બનિક પદાર્થ છે. તે એક પ્રોટીન છે અને પ્રકાશ તથા ગરમીની અસર હેઠળ ઝડપથી નાશ પામે છે. માનવી માટે તેનો ઘાતક ડોઝ 1 માઇક્રોગ્રામ (mg) જેટલો ગણાય છે. તેનાં લક્ષણો 24 કલાકમાં ચક્કર (તમ્મર) આવવાં (dizziness), ગળું આવવું (sore throat) તથા મોંના સુકાઈ જવા (dry mouth) રૂપે દેખા દે છે અને ત્રણથી આઠ દિવસમાં શ્વસન પેશીસમૂહ લકવાગ્રસ્ત બનવાથી ગૂંગળામણને કારણે મૃત્યુ નીપજે છે.

અન્ય આવિષોમાં સ્ટેફિલોકોકસ એન્ટેરોટૉક્સિન-B (Stephylococcus enterotoxin – B), રિસિન (ricin), ટ્રાઇક્લૉરોથેસિન (trichlorothecenes) વગેરેનો સમાવેશ થાય છે.

પંગુતાજનક (incapacitating) રાસાયણિક કારકો : આ રસાયણો ઘાતક નથી, પણ તેમની અલ્પ માત્રા પણ સૈનિકની લડવાની ભૌતિક અને માનસિક ક્ષમતાને અસર કરે છે.

ફોલ્લાકારકો (ઉત્સ્ફોટનકારકો, blister agents) : આ રસાયણો ત્વચા પર અને આંખમાં બળતરા તથા ફોલ્લા ઉત્પન્ન કરે છે. તે ફેફસાંની આંતરત્વચા (lining) સહિત શ્લેષ્મકલા(mucous membrane)નો નાશ કરે છે. ડાઇક્લૉરોઇથાઇલ સલ્ફાઇડ અથવા મસ્ટાર્ડ વાયુ (mustard gas) (HS) – એ આ સમૂહનો અગત્યનો પદાર્થ છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં તેનો ઉપયોગ થયેલો. તે ભારે, રંગવિહીન અને સહેજ લસણ જેવી વાસ ધરાવતું પ્રવાહી છે. જલીય દ્રાવણમાં તેનું ઝડપથી બિનઝેરી પદાર્થોમાં વિઘટન થાય છે. 1918માં યુ.એસે. લેવિસાઇટ (Lewisite) (L) (બિટાક્લૉરોવિનાઇલડાઇક્લૉરોઆર્સિન) નામનો અતિ વિષાળુ અને પ્રકોપક પદાર્થ બનાવેલો, જ્યારે જર્મનોએ ઇથાઇલડાઇક્લૉરોઆર્સિન (ED) અથવા ‘ડિક’ નામે ઓળખાતો પદાર્થ વાપરેલો. નાઇટ્રોજન મસ્ટાર્ડ વાયુ પણ આ સમૂહમાં આવે છે.

અશ્રુવાયુ (tear gas) : આવા પદાર્થો થોડી માત્રામાં વાયુ કે વાયુવિલય રૂપે આંખોમાંથી આંસુ લાવે છે કે દુખાવો ઉત્પન્ન કરે છે તથા ચામડી તેમજ શ્વાસનળીમાં પ્રકોપ ઉપજાવે છે. ઉદભાસન (exposure) બંધ પડે એટલે 15થી 30 મિનિટમાં તેની અસર નાબૂદ થઈ જાય છે. CN નામનો અશ્રુવાયુ પોલીસ-હેતુઓ માટે વપરાતો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ તેનું સ્થાન CS-અશ્રુવાયુએ લીધું છે. 1970ના દાયકા દરમિયાન ઇંગ્લૅન્ડ દ્વારા CR નામનો એક અન્ય અશ્રુવાયુ પણ વિકસાવવામાં આવેલો.

મનોનુકારી (psychotomimetic) કારકો : આ માનસિક વ્યાધિ(psychosis)ને મળતા આવતા માનસિક અને આચરણીય (behavioural) ફેરફારો લાવતા પદાર્થો છે. તેઓ CW-કારકો તરીકે સંપૂર્ણપણે સંતોષકારક નથી. LSD (lysergic acid diethylamide)  25 એ એક આવો ખૂબ ખર્ચાળ પદાર્થ છે. APS (atropinelike psychochemical substances) જેવા કેટલાક ગ્લાયકોલેટો પણ આવાં સંયોજનો છે. 1950ના દાયકામાં યુ.એસે. તેમને વિકસાવ્યાં હતાં. આમાંના સૌથી વધુ પ્રભાવી ગ્લાયકોલેટને BZ સાંકેતિક નામ આપવામાં આવ્યું.

ઔદ્યોગિક રસાયણોના સમૂહમાં આવતા એમોનિયા સલ્ફર ડાયૉક્સાઇડ, ક્લોરિન અને ફૉસ્જિન પણ ઝેરી છે. ક્લોરિનનો ઉપયોગ પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની દ્વારા થયો હતો. ત્યારબાદ ફૉસ્જિન કે જે વધુ ઝેરી છે તે ઉપયોગમાં લેવાયો હતો. ફૉસ્જિન અને ડાઇફૉસ્જિન શ્વાસાવરોધકારકો (choking agents) છે. તે ફેફસાંમાં તરલ(fluid)નો ભરાવો ઉત્પન્ન કરે છે.

રાસાયણિક કારકો સામે રક્ષણ માટે વાયુ-બુરખા (gas masks), શરીર માટેનાં સંરક્ષી આવરણો (protective coverings) તથા પ્રતિકારકો(antidotes)નો ઉપયોગ કરવામાં આવે છે. બુરખામાં સામાન્ય રીતે કોલસો અને સોડા-લાઇમ મુખ્ય ઘટકો હોય છે. કોલસો વાયુના મોટા જથ્થાને શોષી શકે છે, જ્યારે સોડા-લાઇમ વિષાળુ દ્રવ્યોને તટસ્થ કરે છે. બુરખામાં રજોટીના રૂપમાં તરતા ઘન કણોને ગાળી લેવાની પણ વ્યવસ્થા હોય છે.

તૃણનાશકો(herbicides) : આ પદાર્થો છોડવાંનો નાશ કરે છે. તે બે હેતુસર CW-કારક તરીકે ઉપયોગમાં લેવાય છે. એક હેતુ તો નિષ્પત્રક (defoliant) તરીકે જંગલમાંની વનસ્પતિનાં પાંદડાંનો નાશ કરી દુશ્મનને છુપાવાની સગવડ દૂર કરવાનો છે; જ્યારે બીજો હેતુ દુશ્મન જેના ઉપર નભતો હોય તેવા પાકનો નાશ કરવાનો છે. ફિનૉક્સિ ઍસિડ એ નિષ્પત્રણ (defoliation) માટે ઉપયોગમાં આવતા તૃણનાશકોના સમૂહનું સામૂહિક નામ છે. તેમાં બે અગત્યના છે : 2, 4-D (2, 4-ડાઇક્લૉરોફિનૉક્સિ એસેટિક ઍસિડ) અને 2, 4, 5 – T (2, 4, 5  ટ્રાઇક્લૉરોફિનૉક્સિ એસેટિક ઍસિડ). સસ્તન પ્રાણીઓ માટે તે ફિનૉક્સિ ઍસિડોની વિષાળુતા ઓછી તીવ્ર છે. (માનવી માટે તેની મારક માત્રા કેટલાક ગ્રામ જેટલી છે.) કેટલાક ફિનૉક્સિ ઍસિડોનાં તાંત્રિક (technical) સંમિશ્રણો (formulations) ડાયૉક્ઝિન (2, 3, 7, 8  tetrachlorodibenzo – P – dioxin TCDD) જેવા અન્ય ઝેરી પદાર્થો ધરાવે છે. TCDDની વિષાળુતા ચેતાપ્રભાવી વાયુઓ જેવી હોય છે, પણ તે લાંબે ગાળે અસર કરે છે. તે જનીનિક ક્ષતિ (genetic damage) પણ ઉત્પન્ન કરી શકે છે.

પિક્લૉરૅમ(pichloram)ની અસર પણ ફિનૉક્સિ ઍસિડ જેવી છે અને તે ઘણી વાર 2, 4 – Dની સાથે વપરાય છે. કેકોડિલિક ઍસિડ પણ નિષ્પત્રણ અને નીંદામણ-નાશક તરીકે વાપરી શકાય છે. તે જલદી અસર કરે છે, પણ તેની અવધિ ટૂંકી હોય છે.

હાલ જે રાસાયણિક તથા જૈવિક યુદ્ધકારકો તૈયાર કરવામાં આવ્યાં છે તે પ્રથમ વિશ્વયુદ્ધમાં વપરાયેલાં કારકો કરતાં અનેકગણાં વધુ વિષાળુ છે.  સારણી 1માં વિવિધ રાસાયણિક કારકોની વિગતો આપી છે, જ્યારે સારણી-2માં આ કારકોની માનવસંહારની ક્ષમતા દર્શાવી છે.

જ. પો. ત્રિવેદી