રાષ્ટ્રીય બચતપત્રો (N.S.C.) : નાના બચતકારો પાસેથી ઋણ મેળવવા માટે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતાં બચતપત્રો. આ યોજના નાના બચતકારો માટે છે. તેનાં પ્રમાણપત્રો રૂ. 500, રૂ. 1,000, રૂ. 5,000, રૂ. 10,000ના ગુણાંકમાં મળે છે. આ બચતપત્રો સરકારનું ઋણ હોવાથી તેમનું વ્યાજ સરકાર આપે છે. સરકારની પ્રવૃત્તિઓ કલ્યાણરાજ્યના સિદ્ધાંત પર આધારિત છે, તેથી શ્રીમંતો પાસેથી કર ઉઘરાવીને પ્રાપ્ત થતી આવક સરકાર ગરીબો માટેની યોજનાઓમાં વાપરતી હોય છે. રાષ્ટ્રીય બચત યોજનાના રોકાણકારો સામાન્ય રીતે ઓછી આવકવાળા હોય છે, તેથી સરકારી નીતિના સંદર્ભમાં રાષ્ટ્રીય બચતપત્રોના વ્યાજની આવક કરમુક્ત રાખવામાં આવી છે. અલબત્ત, આ યોજના હેઠળ શ્રીમંતો પણ મોટી રકમની બચત કરી શકે છે. તેથી બચતપત્રોના વ્યાજની આવકની ટોચમર્યાદા બાંધી તેનાથી વધારે વ્યાજની આવક મેળવનારા પાસેથી આવકવેરો વસૂલ કરવામાં આવે છે. આ યોજના હેઠળ ગામડે ગામડે પથરાયેલી પોસ્ટ ઑફિસો દ્વારા નાના બચતકારો રોકાણ કરે તેવી સુવિધા આપવામાં આવી છે. આમ આખી યોજના મૂળભૂત રીતે નાના બચતકારો માટે છે.
ભારતમાં રાષ્ટ્રીય બચત યોજના અંગ્રેજોએ શરૂ કરી હતી તે હકીકત સૂચવે છે કે આ યોજના ભલે પ્રજાની બચત યોજના તરીકે ઓળખાવાતી હોય, પરંતુ વાસ્તવમાં સરકારની અનેકવિધ નાણાકીય આર્થિક જરૂરિયાતો સંતોષવા માટે અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનામાંનો ‘બચત’ શબ્દ સમગ્ર પરિસ્થિતિનું અડધું દર્શન કરાવે છે. બાકીની અડધી છુપાયેલી છબી એ છે કે વિવિધ હેતુસર ઊભી થતી જરૂરિયાતોને સંતોષવા માટે સરકારને એ મળતી રકમ છે. સરકાર મહદ્અંશે આ નાણાંનું લાંબા ગાળાની મૂડીસર્જન પ્રક્રિયામાં રોકાણ કરે છે અને યુદ્ધ જેવા પ્રસંગોએ આ રકમનો ઉપયોગ સૈન્ય પાછળ પણ થાય છે.
અશ્વિની કાપડિયા